________________
જે શેરીમાંથી નીકળે છે ત્યાં આભલાં જેવાં રૂ૫ વેરે છે. અહીં મીઠું કે મહિયારણ મીઠી - દરેક જણને આ મીઠો સવાલ મુંઝવ્યા કરે છે.
કેટલાક પુરુષો પગપાળા ચાલે છે. ઘણા રથ પર છે; ઘણી એશ્વ પર છે; પણ જેવી ચાલવામાં મજા ને સ્વતંત્રતા છે, એવી પશુ કે વાહન પર બેસવામાં નથી. નાનાં છોકરાં થોડી વાર પગે ચાલે છે, થોડી વાર વાહન પર બેસે છે; થોડી વાર માની કુખનો આનંદ માણે છે ને થોડી વાર દાદાના ખંધોલે ચડી બેસે છે !
સાવ નાનાં શિશુ માની પીઠ પરની ઝોળીમાં સૂતાં છે. એમની માં એમને બે વાર ધવરાવે છે; પણ બાળકના મોમાં દૂધના ફુવારા છૂટે છે ! એક વારમાં જ એ ધરાઈ જાય છે !
નારીઓ ઠાવકી, ઘરરખ્ખું ને દેખાવડી છે. પુરુષો કરતાં વધુ ભાર એમના માથે છે. પુરુષ તો જાણે એ સંસારનો ચોકીદાર છે, ને આ નારીઓ મધપૂડાની મહારાણી જેવી છે. આજ્ઞા એની ચાલે છે ! ઘર ગૃહિણીનું, રણ પુરુષોનું ! લડાઈમાં પુરુષ અગ્રેસર રહેતો, પણ દર વખતે એવું ન બનતું. સ્ત્રીઓ પણ સશક્ત અને લડાયક હતી; અને જ્યારે એ સિંહણો છૂટતી ત્યારે ભલભલા મદમસ્ત હાથીઓનાં માન ઊતરી જતાં.
આ વખતે તેઓએ નર-નેતાઓને કહી દીધું હતું કે અમારી સેના રચવાની છે, અને અમે શત્રુને લડાઈ આપવાનાં છીએ.
આ વણઝાર મુકામ પર મુકામ કરતી આવતી હતી. જ્યાં એ મુકામ કરતી, ત્યાં નાની સરખી નગરી વસી જતી.
એ વખતે બ્રહ્મચર્ય એ સહુનો પ્રિય સિદ્ધાંત હતો; અને દંપતી બારે માસ વિષયસંબંધમાં મજા ન માનતાં. એક વારનો સમાગમ ફરી છ-છ મહિને થતો. ઉત્તર ભારતનાં જનપદોમાં એ ખાસ રિવાજ હતો. બાર મહિને દસ-વીસ દહાડા ઘેર આવીને નર રહી જતો, ને ચાલ્યો જતો. યુગ આશુતોષ હતો - જલદી સંતુષ્ટ થનારો હતો. અને વિષય-વિલાસમાં આશુ સંતોષ એ એમની ખાસિયત હતી ! કારણ કે કામ વગરના લોકો ત્યારે નહોતાં. દરેક નર કે નાર સવારથી સાંજ સુધી એવી તનતોડ મહેનત કરતાં કે પથારીમાં સૂતાં તે પ્રભાતે જ ઊઠતાં ! કામ વગરના લોકોને જ કામ વધુ પીડે એમ કહેવાતું. દંપતી કામનાં દાસ નહોતાં, કામ એમનો દાસ હતો. કહે ત્યારે અદબ ભીડીને હાજર થતો.
સ્ત્રી ઋતુસ્નાતા હોય ત્યારે જ પતિ પાસે જતી અને પુરુષ પણ સંતાનની ઇચ્છાએ - પુત્રેષ્ટિ યજ્ઞની દૃષ્ટિએ - જ સ્ત્રી પાસે જતો. બાકી બધાની રમણા જ જુદી હતી.
148 પ્રેમાવતાર
આવાં ઉચ્ચ જીવન અને ઉચ્ચ સંસ્કારવાળાં આ નર-નાર હતાં. જ્યાં એ રાતવાસો રહેતાં, ત્યાં જાણે સંસ્કારતીર્થ પ્રવર્તી જતું.
સ્ત્રી-પુરુષો ભેગા મળીને રાસ ખેલતાં, ગરબા લેતાં, તાલીએ તાલી આપી ગાતાં-બજાવતાં.
માથે આપદ તો પહાડ જેવી હતી, પણ આ રંગીલા લોકો આનંદમાં એ આપદને ભૂલી જતાં.
‘રે ! કોણ છે આ લોકો ?' આનર્ત દેશના લોકો પૂછવા લાગ્યા. રેવતાચલનાં રહેવાસીઓ સામે પૂછણે ચાલ્યા.
વણઝારના આગેવાનોએ કહ્યું, ‘દુ:ખનાં માર્યા આવ્યાં છીએ.”
રેવતાચલનાં લોકો બોલ્યો, ‘દુખિયાંનો તો અમારા દિલમાં વાસો. આવો, આવો. અમારો ધર્મ અતિથિપૂજાનો છે.”
અતિથિની વળી પૂજા ?’ આવનાર આશ્ચર્યથી પૂછતાં. એને આ દેશના લોકો અજબ ભલાં લાગ્યાં.
‘હા, હા, અતિથિ અમારો દેવ છે.' એક આનર્તવાસીએ કહ્યું. ‘અમને દેવ ગણશો ?’ આગંતુકોએ ફરી પૂછવું. ‘હા, તમે અતિથિ છો ને ?”
‘જરૂર, પણ અમે તમારા શત્રુ છીએ કે મિત્ર, એની તો તમે ખાતરી કરતા જ નથી.’
‘અતિથિ શત્રુ પણ હોય, મિત્ર પણ હોય. પણ અતિથિના રૂપમાં એ દેવ છે. દીકરાનો હત્યારો પણ જો દુ:ખનો માર્યો અતિથિ બનીને આવે તો અમે એને દૂધરોટલો આપીએ, જમાડીએ, રમાડીએ, પાદર પહોંચાડીએ, અને પછી એને એક તલવાર આપીએ ને વેર વસૂલ કરીએ.”
વાહ, અજબ જેવો આ દેશ !' આગંતુકોને આ વાતના પણ આઘાત લાગતા હતો.
‘અરે ચાલો, ચાલો, થાક્યા હશો તમે. જરાક અહીં બેસો, વિસામો લો. એટલી વારમાં ઉતારાની સગવડ કરીએ છીએ.’
ને તરત માનવમેદની પાછી ફરી ગઈ; અને જેવી પાછી ફરી એવી આવીને બોલી : ‘ઉતારા તૈયાર છે. ઊનાં પાણીની તાંબાકુંડીઓ ભરી છે, દાડમી દાતણ પણ હાજર છે, પહેલાં દાતણ કરો, સ્નાન કરો ને શિરાવો. પછી બીજી બધી વાત ! જેટલી રાત એટલી વાત. રાતે સહુ નવરા : દિવસે સહુ કામાળા.”
નાટકનો બીજો અંક | 149