________________
ચલાવતો હતો.
‘હું શું કહું ? મને તો આમાં કંઈ ગમ પડતી નથી.’
‘તો તમારી ડાહી દીકરી રુકિમણી કહે,’ ભોજે ચાલ બદલી.
‘મેં તો પિતાજીને ક્યારનું કહી દીધું છે.' રુકિમણી એટલું બોલી શાંત રહી, અને પોતાના કોલપ્રદેશ પર પડેલી અલકલટ રમાડવા લાગી. એ કંઈ એના ભાઈથી ઊતરે એવી ન હતી.
‘રુકિમણીએ તમને શું કહી દીધું છે, પિતાજી ? જુઓ. દીકરી જાતને બહુ મોંએ ન લગાડશો.’
માબાપને મન દીકરો કે દીકરી બેય સરખાં હોય છે !'
‘પણ દીકરી તો પારકું ધન છે. દીકરો જ સાચું ધન છે.'
બેટા, માબાપ સાચાં સંન્યાસી છે. ધનનો એમને ખપ નથી. કોઈ વાર એમને પોતાના ધન કરતાં પારકું ધન વધુ વહાલું લાગે છે. પોતાનું ધન દૂર ચાલ્યું જાય તો પારકું ધન કામ આવે.'
‘હું તમારી સાથે ચર્ચા કરવા માગતો નથી. અમારે આ રાજ્યનો વિસ્તાર વધારવો છે, એને મજબૂત કરવું છે, અને એ માટે વિશાળ ને વટદાર ૨ક્તસંબંધો બાંધવા જરૂરી છે.’
‘વત્સ, તારી મહત્ત્વાકાંક્ષા સારી છે, પણ અત્યારે આપણે જેવી વાત કરીએ છીએ, તે કહે.’
‘પહેલાં તમે કહો. રુકિમણીએ તમને શું કહ્યું છે ?'
‘એ તો બાળકબુદ્ધિ છે. એનું કહ્યું-કછ્યું કંઈ લક્ષમાં લેવાનું હોય ? કુમળું ઝાડ જેમ વાળવું હોય એમ વળે.' પિતાએ ગરમ મિજાજના પુત્રને ઠારવા કહ્યું.
‘ના પિતાજી ! મારે એ જાણવું જ પડશે.' ભોજે અડગ નિર્ણય જાહેર કર્યો. પિતા મુંઝવણમાં પડી ગયા.
રુકિમણી આ વખતે પિતાની વહારે ધાઈ, એ બોલી, ‘ભોજ ! મારાં લગ્ન માટેની નકામી ભાંજગડમાં ન પડીશ. મારે કર્યો વર વરવો એ હું નક્કી કરી ચૂકી
એ ન બને. તું નક્કી કરનારી કોણ ?' ભોજે ગરમ થઈને કહ્યું.
‘હું એટલે ભોજની ભિંગની, રાજકન્યા રુકિમણી !'
‘ન ચાલે.’ ભોજે ભયંકર અવાજે કહ્યું. પાંજરાનાં મેના-પોપટ ભયથી અધમૂ થઈ ગયાં !
126 – પ્રેમાવતાર
‘જરૂર ચાલશે.’ રુકિમણીએ પોતાના ઓષ્ઠ દૃઢતાથી બીડતાં કહ્યું.
‘પિતાજી ! વિષને વધારવાનો પ્રયત્ન ન કરો. મને જલદી કહો.’ ભોજે પિતા પાસે સ્પષ્ટતા માગી.
“વત્સ ! રુકિમણી ગોપાલકૃષ્ણને પરણવા માગે છે !' પિતાએ આખરે કહી દીધું.
‘એ રખડેલ, લુચ્ચા, દગાખોર, ગોવાળિયાને મારી બહેન પરણવા માગે છે ? એની બુદ્ધિ તો ભ્રષ્ટ થઈ નથી ને ?’
‘બુદ્ધિ તો તારી ભ્રષ્ટ થઈ છે, ભાઈ ! રાજકાજના જુગારમાં તું સગી બહેનને દાવ પર મૂકી દેવા માગે છે. હું તો ગોપાલકુંવરને ક્યારની વરી ચૂકી છું.’ ‘ક્યાં સ્મશાનમાં જઈને વરી ?' ભોજથી ન રહેવાયું. એ તિરસ્કારભર્યું હસ્યો. ‘સ્મશાન એ કંઈ નિરર્થક વસ્તુ નથી. એ તો નવજીવનનું પ્રવેશદ્વાર છે!' ‘જાણી તમારી ફિલસૂફી ! તમે સ્ત્રીઓ મધમાખ જેવી છો. જે મધપૂડો ગમ્યો એ સાચો, એ સિવાયના બધા અણગમતા.’
‘વત્સ ! નિરર્થક વાવ્યાપાર કર્યા વગર મહારાજ જરાસંધનો સંદેશ કહે.' પિતાએ ભાઈ-બહેનને શાંત પાડતાં કહ્યું.
‘ત્યારે, હું પણ મારી બહેનને શુભ સમાચાર આપી દઉં કે ગોમંતક પર્વત પર એ ગોવાળિયો એના ભાઈ સાથે સ્વાહા થઈ ગયો.
‘મારે એ સાંભળવું નથી.’
‘તો પછી હવે કોની સાથે પરણીશ ?'
‘એ ગોપાલકુમાર સાથે જ !'
‘મરી ગયો હશે, ફૂંકી દીધો હશે તોય !'
‘હા, દરેક જન્મને મૃત્યુ છે, ને દરેક મૃત્યુને પુનર્જન્મ છે.'
રુકિમણીના શબ્દોમાં દૃઢતા હતી. ભોજ એ દઢતા પાસે જરાક પીગળ્યો, જરીક નરમાશથી બોલ્યો. ‘મહારાજ જરાસંધની આપણા પર અસીમ કૃપા છે; ને આપણે ભાઈ-બહેનને તો એ પોતાનાં સંતાન સમ લેખે છે.'
એની હું ક્યાં ના કહું છું ?' રુકિમણી બોલી.
દીકરી, જરા શાંત થા ને એની વાત સાંભળ.' પિતાએ કહ્યું.
‘પિતાજી, મારે ભોજની વાત સાંભળવી નથી; એ સાંભળ્યા પછી પણ મારા નિર્ણયમાં ફેર પડવાનો નથી.' રુકિમણી સાવધાન થઈને બોલી.
બહેન અને ભાઈ – 127