________________
શ્રીકૃષ્ણ ગોપ-ગોપીઓના વહાલા હતા, અને એમને એ પોતાના અંતરથીય વધુ વહાલાં હતાં. એમની વેદનાએ અંતરમાં ભડકા જગાવ્યા !
ઠેર ઠેરથી માણસો દોડતા આવતા હતા. કેટલાક ગાળો દેતા હતા.
“અરે ! આ મામા-ભાણેજની હોળીમાં આખો જનપદ ખલાસ થઈ ગયો! જરાસંધના જુલ્મી સૈનિકો દીઠું ગામ કે નજરે પડ્યું નગર સાબૂત રહેવા દેતા નથી. એ આડુંઅવળું જોતાં નથી, વૃદ્ધ-બાળકનો ભેદ જાણતા નથી, સ્ત્રી-પુરુષને પિછાનતા નથી. એમના મારના ડરથી ગર્ભિણીઓના ગર્ભ ગળી ગયા છે ! કોઈ સારો દેશ બતાવો તો ત્યાં ચાલ્યા જઈએ. ભારે કજિયાળા લોકો ! હવે કલિયુગ આવવાનો લાગે
છે.'
આ કંપવાળા હાથમાં તલવાર કેવી રીતે પકડી શકાય ? અને પકડીને કેવી રીતે લડી શકાય ? રે ! યુદ્ધ લડવું તો હજી શરૂ પણ થયું નથી ને આ થાક, આ હતાશા ને આ નિષ્કર્મણ્યતા !
હળધર બલરામ આ પરિસ્થિતિનો તાગ ન મેળવી શક્યા. એ સશક્ત હતા , બીજા અશક્ત દેખાતા હતા. એમણે હળ ઉઠાવ્યું. આકાશમાં અધ્ધર તોળ્યું, ને રણપોકાર કર્યો.
એ જોરથી દોડ્યા, ધસ્યા ! એમને આશા હતી કે મારી પાછળ બધું સૈન્ય ધસી રહ્યું હશે, પણ પાછળ જુએ તો અજબ દૃશ્ય !
જુવાન સૈનિકોને બદલે સાવ વૃદ્ધ સૈનિકો ! કંપવાથી એમનાં માથાં ડોલે! હાથમાં તલવાર ઝઝૂમવાને બદલે હાથ થરથર ધ્રૂજે !
એમનાં ડોકાં જુઓ તો જાણે ઝાડ પર ઝૂલી રહેલું પાકું ફળ ! પડ્યું કે પડશે! મોઢાની બત્રીસી ખડખડી રહેલી, ખડી કે ખડશે !
પગ પણ જાણે ભૂકંપની દુનિયા પર ચાલતા હોય તેમ લથડિયાં ખાય, આંખે ઝાંખ ! કાળા વાળ સાવ ધોળા નિમાળા ! મોં પર કરચલીઓ પાર વિનાની.
‘અરે ! આ ઘડપણ કોણે આપ્યું ? આવો જાદુ કોણે કર્યો ?” બલરામે દિશાઓ ગજવી નાખે તેવો પડકાર કર્યો.
તેઓ સ્વયં પણ એક વિચિત્ર અનુભવ કરી રહ્યા. ઠંડી હિમ જેવી કોઈ વસ્તુ એમની આજુબાજુ પરકમ્મા કરી રહી હતી, પણ અડી અડીને દૂર ચાલી જતી હતી. એ વળી પાસે આવતી, વળી દૂર જતી; જાણે સ્પર્શ કરવાની એનામાં હિંમત ન હોય તેમ લાગતું !
એવો જ અનુભવ સર્વત્ર હતો. બીજી તરફ દૂર દૂર જરાસંધનું મહાસૈન્ય ગોઠવાતું જવાના સમાચાર મળતા હતા, જરાસંધના આજ્ઞાવર્તી તમામ રાજાઓ મેદાને ધસી આવ્યા હતા. આજ તેઓનો નિર્ણય હતો કે આ ફાટેલા ગોવાળિયા ને રાજા સમુદ્રવિજય જેવા એમના તમામ સહાયકોને મિટાવીને જ શ્વાસ ખાવો.
શ્રીકૃષ્ણ જેવા મહારથીના પ્રયત્નો અત્યારે અપાર હતા, પણ તેમની પાસે ઠેર ઠેરથી દુ:ખદ સમાચારો આવી રહ્યા હતા.
રે ! ગોકુળનો આ લોકોએ સર્વનાશ કરી નાખ્યો છે !
વ્રજ અને વૃંદાવનને તો જાણે ખેડી નાખ્યું છે. ગાયોને ચરવા એક ગોચર પણ રહ્યો નથી, ને પાણી પીવા જોગ એકેય ધરો સલામત નથી - બધે કાતિલ વિષ રેડાયાં છે !
સત્ય ને ત્રેતા પૂરા થયા હતા. દ્વાપર યુગ પોતાની છેલ્લી પાંખ સંકેલતો હતો, ને કલિયુગ પોતાની પાંખો ઉઘાડવાની તૈયારી કરતો હતો.
“કલિયુગ ?” શ્રીકૃષ્ણની નજર ક્ષિતિજ પર મંડાઈ રહી, જાણે ત્યાં એ કંઈ જોઈ રહ્યા, પછી એ કંઈક બોલ્યા : ગીત જેવા એ શબ્દો હતા : “યુગ તો આણીએ છીએ આપણે, યુગને વશ પણ કરીએ છીએ આપણે.’
ને તેઓ દૂરથી દાદ-ફરિયાદે આવી રહેલી માનવયંગાર સામે જોઈ રહ્યા. અપંગ, એનાથ, અસહાય માનવીઓની એ લંગાર હતી. જરાસંધના જુલ્મની જીવતી. તસવીર સમાં એ લોકો હતાં. કોઈનાં ગામનાં ગામ જલાવી દેવાયા હતાં. પશુ, ઢોર. કે માણસ, કંઈ પણ સર્વભક્ષી અગ્નિમાંથી ઊગરી શક્યાં નહોતાં!
જુભગારો છડેચોક કહેતા હતા : “જાઓને તમારા જનતા-જનાર્દન પાસે! એ તેમને બચાવશે ! આજે અમે એવા જુલ્મ વરસાવીશું કે ફરી તમે તમારા જનતાને જનાર્દનની સામે પણ નહીં જુઓ. એ જનતા-જનાર્દનનું જડાબીટ કાઢવાની આ ઝુંબેશ છે !
આ સાંભળીને અને લોકોની લાચારી જોઈને શ્રીકૃષ્ણનાં ભવાં પર કોપ આવીને બેઠો. શંકરના ત્રિનેત્ર કરતાંય એમનાં ભવાં ભયંકર થઈ ગયાં. એ બોલ્યાં, આહ ! જનતાને જુલ્મથી છોડાવવા યત્ન કર્યો, તો જનતા ઊલટી જુલ્મની ચૂલમાં જઈ પડી !'
ફરિયાદ કરનારાઓનો તંતુ બંધાઈ ગયો હતો. કોઈ રોતું રોતું બોલતું હતું, ‘રે ! આ જરાસંધી જમ અમારી સગી નજર સામે અમારી જુવાનજોધ સ્ત્રીઓનાં અપહરણ કરી ગયા !'
કોઈ કહેતું, “અમારાં બાળકોને મારીને એમનાં કુમળાં મસ્તકોના ફૂલદડા કર્યા ને સિતમખોર એનાથી રમ્યા !'
અજબ પ્રતિકાર 1 99
98 1 પ્રેમાવતાર