________________
મણિબંધ
સેવકે ગદા લાવીને આપી, ત્યાં તો ત્રીજો દ્વારપાલ દોડતો આવ્યો. એણે કહ્યું, મહારાજ ! કોઈ ભયંકર જંગલી માણસ હાથમાં હળ લઈને દરવાજો ખડો છે. કહે છે કે બહાર કાઢે તારા રાજા જરાસંધને ! એને એકની નહિ એની જુલમી સાત પેઢીને ભોંમાં ભંડારી દેવી છે !'
‘રે દ્વારપાલ ! એ જ બલરામ ! વસુદેવનો છોકરો. ગોકુળના કૃષ્ણનો ભાઈ!'
‘પણ અત્યારે સામનો કરવા જવા જેવું નથી !' દ્વારપાળે વગર માગી સલાહ આપી.
એટલે શું હું નાસી જાઉં ?' જરાસંધે સલાહ આપનારને ગળાથી પકડી ઊંચો કર્યો. બિલાડીના હાથમાં ઉંદરની જેમ એ તરફડી રહ્યો. થોડી વારે આ તો પોતાનો અંગત માણસ છે, એમ ખ્યાલ આવતાં જરાસંધે એને નીચે મૂક્યો ને કહ્યું, “શું જરાસંધ એ ગોવાળિયાથી ડરશે ?'
| ‘મહારાજ ! એ તો વસુદેવના ક્ષત્રિયપુત્રો છે. મહારાજ કંસના ભાણેજ છે. દેવકીના પુત્રો છે !'
| ‘છત્ ! રજવાડામાં રાણીઓ સૃથિયું ને સાવરણી જ જણે છે; અને દરેક જણ્યો રાજ કુંવર કહેવાય છે ! હું જાણું છું બધું, પણ રે, આ શિબિર આ પળે જ પડી સમજો! ટેકો આપો ! ટેકો આપો !'
ને મોટી સાત માળના મહેલ જેવડી શિબિર કડડભૂસ કરતી નીચે ઢળી પડી. અંદર જગવેલા દીવાઓએ સોનાની આ લંકાને સળગાવી મૂકી.
બલરામનો બહારથી પડકાર આવ્યો, ‘રે જરાસંધ ! તારો કાળ આવ્યો છે. ઝટ બહાર નીકળ !'
અવાજના જવાબમાં શિબિર નીચેથી માંડ માંડ બહર નીકળેલો એક ડોસો દાઢી ડગમગાવતો આવ્યો, ને બોલ્યો : ‘બિચારો જરાસંધ ! બાપડો પલંગ નીચે દબાઈ ગયો છે. જઈને જરા એને કાઢો !'
બૂઢો આમ વાત કરતો કરતો બોખા મોંનું બહોળું હાસ્ય પ્રસારતો ઢચૂક ઢચૂક કરતો ચાલ્યો ગયો.
બલરામ શત્રુને ચંપાયેલો ત્યાં ને ત્યાં ચાંપી દેવા અંદર ધસ્યા ! આખો તંબુ ઉથલાવી નાખ્યો. સળગતા ભાગને પણ ઉથલાવ્યો. હાથે પગે દાજ્યા, તોય જાલિમ જરાસંધનો પત્તો ન મળ્યો !
ક્યાં ગયો જરાસંધ ? બલરામ વિમાસી રહ્યા.
ગોકુળ-વૃંદાવનનાં માંકડાનો જુસ્સો જરાસંધે જેર કરી નાખ્યો, શિબિરમાં સૂતેલા જરાસંધ હજારો પ્રયત્ન છતાં હાથ ન આવ્યો !
બલરામ જોતા રહ્યા, અને એ આંખમાં ધૂળ નાખીને નજર સામેથી ક્યાંય પસાર થઈ ગયો. વાહ રે, જરાસંધ વાહ !
અને હવે જરાસંધ સિવાય આખી સેનાને જેર કરી તોય શું અને ન કરી હોય શું ? આ બધાં તો એકડા વગરનાં મીંડાં !
બલરામ એમનું ભયંકર વિનાશકારી હળ લઈને સેનાની આ પારથી પેલે પાર ઘૂમી રહ્યા. ક્યાંય જડે છે જરાસંધ !
જરાસંધની સેનામાં મોટું ભંગાણ પડ્યું હતું. જરાસંધની એક પછી એક દિશાની પાંખ પર ધસારો થતાં આખી સેના વેરવિખેર થઈ ગઈ હતી, ઘોડા, હાથી અને રથ જે મારગ મળ્યો એ દિશામાં વહેતાં થઈ ગયાં હતાં. મારગમાં જે મળતાં એને શત્રુ કે મિત્રના ભેદભાવ વગર કચડી નાખતાં એ આગળ વધતાં હતાં.
કાળી રાત કાળા બોકાસાથી ભયંકર થઈ ગઈ ! થોડી વારમાં તો આખી નગરી જેવડી સેનાનું નામોનિશાન ત્યાં ન રહ્યું. રહ્યું તો ફક્ત હથિયારોનું, તૂટેલી શિબિરોનું, બળેલી ચીજોનું.
બલરામે ફરી શંખ ફૂંક્યો, એ શંખ યુદ્ધવિરામનો હતો. એ શખસ્વર જ્યાં જ્યાં પહોંચ્યો ત્યાં ત્યાં લડાઈ શાંત પડી ગઈ. હવે લડવા જેવું હતું પણ શું ? જરાસંધના જગવિખ્યાત યોદ્ધાઓ એવી કફોડી હાલતમાં મુકાઈ ગયા હતા કે એમને લડવું હોય તો શસ્ત્ર નહોતાં ને ભાગવું હોય તો વાહન નહોતાં ! એમની વીરતાની શેખી એક ગોવાળિયાની ટોળકીએ ધૂળ કરી નાખી હતી, દુનિયામાં કઈ રીતે મોં બતાવવું એ જ પ્રશ્ન થઈ પડ્યો હતો ! કેટલાક તો આત્મહત્યા કરીને મરવું પસંદ કરી રહ્યા !
80 D પ્રેમાવતાર