________________
ભાષારહસ્ય પ્રકરણ' શબ્દશઃ વિવેચન ભાગ-૧ની
સંકલના
ANANASANANASAMARACAY
ASACASASANAYANGANAGANANA
XXXX
AAAA
સર્વકલ્યાણની પરંપરાનું કારણ બને એવી ભાષા કેવી હોય ? તેના રહસ્યને બતાવનાર પ્રસ્તુત પ્રકરણ છે. તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથનું નામ ભાષારહસ્ય પ્રકરણ આપેલ છે. વળી ગ્રંથના પ્રારંભમાં જ બતાવ્યું છે કે મોક્ષના અર્થીએ ભાષાની વિશુદ્ધિને અવશ્ય આશ્રયણ કરવી જોઈએ; કેમ કે ભાષાની શુદ્ધિ દ્વારા જ ભાષાસમિતિ અને વચનગુપ્તિનું પાલન સાધુ કરી શકે છે. જેઓને ભાષાવિશુદ્ધિનું જ્ઞાન નથી તેઓ મૌનમાત્ર ધારણ કરે તોપણ વચનગુપ્તિની પ્રાપ્તિ થાય નહિ અને વચનગુપ્તિના અભાવમાં કર્મનાશ થાય નહિ, તેથી મોક્ષપ્રાપ્તિના અર્થીએ ભાષાવિશુદ્ધિના ઉપાયભૂત પ્રસ્તુત ગ્રંથના રહસ્યને જાણવા સમ્યક્ યત્ન કરવો જોઈએ. આ રીતે ભાષાનું જ્ઞાન મોક્ષનું કારણ છે એમ બતાવ્યા પછી ભાષા વિષયક ચાર નિક્ષેપાથી ગ્રંથકારશ્રીએ ભાષાનો બોધ કરાવ્યો છે, જેથી ભાષા શબ્દથી વાચ્ય પદાર્થ શું છે ? તેનો યથાર્થ બોધ થાય.
વળી જીવ દ્વારા બોલાતા ભાષાવર્ગણાના પુદ્ગલો કઈ રીતે લોકમાં પ્રસરે છે ? ઇત્યાદિનો બોધ ગાથા૧૨ સુધી કરાવેલ છે જેથી જીવ દ્વારા મૂકાતા ભાષાવર્ગણાના પુદ્ગલો કેવા સ્વરૂપવાળા છે ? અને કઈ રીતે ? બોધનું કારણ બને છે ? તેનો સમ્યગ્ બોધ થાય છે.
વળી જેઓ ઉપયોગપૂર્વક ભાષા બોલે છે તે ભાવભાષા છે અને તે ભાવભાષા કઈ રીતે શ્રોતાને બોધ કરાવે છે ? તેની સ્પષ્ટતા ગાથા-૧૩-૧૪માં કરી છે.
આ ભાવભાષા ત્રણ પ્રકારની છે ઃ દ્રવ્યના વિષયમાં, શ્રુતના વિષયમાં અને ચારિત્રના વિષયમાં, જેની સ્પષ્ટતા ગ્રંથકારશ્રીએ ગાથા-૧૫માં કરી છે. દ્રવ્યના વિષયમાં જે ભાવભાષા છે તે ચાર પ્રકારની છે : સત્યા, અસત્યા, મિશ્રા, અને અનુભયા.
નિરૂપણના વિષયભૂત બાહ્યપદાર્થ તત્ત્વને સ્પર્શનાર હોય તેવી ભાષા ભાવભાષામાં બાહ્ય દ્રવ્યને આશ્રયીને સમ્યગ્ પ્રરૂપણ કરનારી ભાષા સત્યાભાષા છે.
નિરૂપણના વિષયભૂત બાહ્યપદાર્થને આશ્રયીને બોધ કરાવવા અર્થે પ્રવર્તતી ભાષા ભાવભાષા હોવા છતાં નિરૂપણના વિષયભૂત બાહ્યપદાર્થને વિપરીત કહેનારી હોય તો તે અસત્યાભાષા છે.
વળી બાહ્યપદાર્થને જ બતાવવા માટે પ્રવર્તતી ભાષા કંઈક યથાર્થ અને કંઈક અયથાર્થ કહેનારી ભાષા હોય તો તે ભાવભાષા બાહ્ય પદાર્થને આશ્રયીને મિશ્રભાષા છે.