________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૭ કારણથી ગાલવ નામના નાનાબંધુને પોતાના વનખંડથી મોટા ભાઈ આંગિરસના વનમાં જવાનું થયું. તે વખતે મોટો ભાઈ કુશે વગેરે લાવવા માટે પોતાના વનથી બહાર ગયો હતો. આથી ગાલવે ત્યાં રહીને જ આંગિરસના આગમનની રાહ જોઈ. આવવાનો કાળ થઈ જવા છતાં આંગિરસ ન આવ્યો. હવે ગાલવને ભૂખ લાગી. તેથી તેણે મોટાભાઈના વનમાંથી દાડમ લીધાં અને ખાધાં. એક મુહૂર્તમાં મોટોભાઈ પોતાના વનમાં આવ્યો. નાનાભાઈએ તેને વંદન કર્યું. મોટાભાઈએ પોતાના વનને દાડમના ફલ વિનાનું જોયું. તેણે નાનાભાઈને પૂછ્યું. આ આ પ્રમાણે કોણે કર્યું છે? તેણે કહ્યું: દાડમનાં ફળો મેં ખાધાં છે. પછી આંગિરસે તેને કહ્યું. તે અહીંથી જાતે જ દાડમ લીધાં, તેથી અદત્તાદાનના કારણે તું પ્રાયશ્ચિત્તી (=અપરાધી) થયો છે.
જો કે “પાપને છેદે છે તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે, અથવા પ્રાયઃ ચિત્તને=મનને નિર્મલ કરે છે તેથી પ્રાયશ્ચિત્ત કહેવાય છે.” આ વચનથી અપરાધશુદ્ધિના ઉપાયભૂત અનુષ્ઠાનને પ્રાયશ્ચિત્ત કહેવાય, (અપરાધને પ્રાયશ્ચિત્ત ન કહેવાય) તો પણ ઉપચારથી પ્રાયશ્ચિત્તથી શુદ્ધ કરવા યોગ્ય અપરાધને પણ પ્રાયશ્ચિત્ત કહેવાય. તેથી પ્રાયશ્ચિત્ત જેને આવ્યું હોય તે પ્રાયશ્ચિત્તી (=અપરાધી) કહેવાય.
તું પ્રાયશ્ચિત્તી (=અપરાધી) થયો હોવાથી હું તને પ્રતિવંદન (=સામુ વંદન) નહિ કરું. નિશીથમાં પણ કહ્યું છે કે-“દોષોનું સેવન કર્યા વિના સંયમનો નિર્વાહ થઈ શકતો હોવા છતાં જેઓ મૂલગુણ-ઉત્તરગુણમાં સીદાય છે. (=દોષો લગાડે છે) તે વિંદન કરવા યોગ્ય નથી.” (ગાથા-૪૩૬૬).
ગાલવે કહ્યું: તમે જ મને પ્રાયશ્ચિત્ત આપો. આંગિરસે કહ્યું: આ અધિપતિના નગરમાં જા અને રાજાની પાસે શુદ્ધિની માગણી કર. કારણ કે રાજા સર્વ આશ્રમોનો ગુરુ હોવાથી દુષ્ટનો નિગ્રહ કરવામાં અને શિષ્ટનું પાલન કરવામાં તે જ અધિકારી છે. ગાલવે કહ્યું. તે રાજા દૂર ઘણાં અંતરથી રહે છે. તેથી તેની પાસે જવાનું શક્ય નથી. તેથી આંગિરસે જેના સમર્થ્યથી રાજાની પાસે જઈ શકાય તેવો પારલેપ તેને આપ્યો. પાદલેપથી ગાલવ રાજાની પાસે ગયો. રાજાની પાસે પ્રાયશ્ચિત્તની માગણી કરી. તેથી રાજાના આદેશથી મનુ વગેરે મુનિઓએ રચેલા ધર્મશાસ્ત્રોના પાઠકોએ બે હાથોને છેદવાનું જ પ્રાયશ્ચિત્ત કહ્યું, પણ ઉપવાસ વગેરે પ્રાયશ્ચિત્ત ન કહ્યું. લૌકિક શાસ્ત્રોમાં જે અંગથી જે અપરાધ કર્યો હોય તે અપરાધની શુદ્ધિ માટે તે જ અંગ કાપવામાં આવે છે.
૧. કુશ એટલે ડાભ નામનું ઘાસ. વગેરે શબ્દથી કંદમૂળ, ફળ, પાણી અને કાષ્ઠ વગેરે તાપસ લોકને
યોગ્ય વસ્તુઓ સમજવી.