Book Title: Savaso Gatha nu Hundi nu Stavan
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પૂજ્યપાદ શ્રી યશોવિજયજી મહારાજશ્રી વિરચિત ઉપાધ્યાયજી મહારાજા અને પરમાત્મા શ્રી સીમંધરસ્વામી પ્રભુ જાણે એકાન્તમાં ક્યાંક ભેગા થયા હોય, બન્નેનાં નેત્રો જાણે સામસામાં મળ્યાં હોય, એક-બીજાની સામે ધારી ધારીને જોતા હોય, એક વ્યક્તિ દુ:ખીનાં દુઃખો સાંભળવા માટે સેવકની સામે ટીકી ટીકીને જોતી હોય અને બીજી વ્યક્તિ પાંચમા આરાના ભાવોથી વ્યથિત હૃદયવાળી થઈને બીજે ક્યાંય દુઃખ-દર્દ કહેવાનું સ્થાન જ નથી એમ સમજીને દુઃખ-દર્દ કહેવા માટે જ સ્વામી તરફ દુઃખજન્ય અશ્રુભીની આંખે જાણે તાકી તાકીને જોઈ રહી હોય એવું મનની કલ્પનાજન્ય સ્વામી-સેવકનું આ મીલન થયું હોય એવા ભાવો ધ્વનિત થાય છે.
સેવકની ભાવપીડાજન્ય ઉદાસીન મુખાકૃતિ જોઈને જાણે સ્વામી તેઓની પીડા જાણવા માટે ઈતિજાર હોય અને સ્વામીની પ્રસન્નમુદ્રા તથા વાત્સલ્યભરી દૃષ્ટિ જોઈને જાણે દુઃખ-દર્દ કહેવાનું અને હૃદયને ઠાલવવાનું (હળવું કરવાનું) આ જ એક સ્થાન છે. એમ સમજીને ભરાઈ આવેલા હૃદયે અને ચોધાર આંસુએ રડતા નેત્રે દુઃખ-દર્દ કહેવા માટે સેવક ઈંતજાર હોય એવું માનસિક-મીલન આ બન્નેનું થયેલ છે. એવો પરમાર્થ ધ્વનિત થાય છે. તેથી જ ગ્રંથકાર ભારપૂર્વક કહે છે કે હે પ્રભુ ! તમે અમારા સ્વામી છે. અમે તમારી આજ્ઞાને પાળનારા છીએ, તમારા ચરણકમળની સેવા આદરનારા છીએ, તેથી અમારી વિનંતિ બરાબર ધ્યાનપૂર્વક એકાગ્રચિત્તે સાંભળો, તમે જો નહીં સાંભળો તો અમે અમારા દુઃખની વાતો બીજા કોની આગળ કરીશું. તે જ સાચા સ્વામી કહેવાય છે. કે જે સેવકની વાતને બરાબર ધ્યાનથી સાંભળે.
માનસિક પરસ્પર મીલનજન્ય આ ભવ્ય ઉદ્ગારો છે. સાથે સાથે એવો ભાવ પણ ધ્વનિત થાય છે કે આપ સર્વજ્ઞ, સર્વદર્શી છો. હું આપનો સેવક છું. આપની પાસેથી પ્રાપ્ત થયેલું ધર્મનું સાચું સ્વરૂપ આ સ્તવન દ્વારા જગતના જીવોને કહું છું. તે આપશ્રી સાંભળો. અને તેને સાચાપણાની છાપ આપો. (મારા લખેલા આ કાગળમાં આપશ્રી સાક્ષીભૂત થાઓ.). / ૧-૧ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org