________________
પ્રથમ નિહ્નવ જમાલિ
૨૧
ગાથાર્થ :- ઘટાત્મક કાર્ય અન્તિમ સમયે જ આરંભાય છે અને અન્તિમ સમયે જ જો દેખાય, તો તેમાં દોષ શું આવે ? અર્થાત્ કંઈ જ દોષ ન આવે, તથા વર્તમાન કાલમાં (ક્રિયમાણ કાળમાં) જો કાર્ય ન કરાતું હોય એટલે કે “અદ્ભુત” રહેતું હોય તો તે વર્તમાન કાળ પસાર થઈ ગયે છતે તથા ભવિષ્યકાળમાં પણ કાર્ય કેમ કરાય ? અને ભવિષ્યકાળમાં પણ કેમ દેખાય ? || ૨૩૧૭ ||
વિવેચન :- દીર્ઘ એવા ક્રિયા કાળના અન્તિમ સમયમાં જ ઘટ કાર્ય પ્રારંભાય છે અને તે જ સમયમાં ઘટકાર્ય સમાપ્ત થાય છે જે સમયે કાર્ય આરંભાય છે તે સમયમાં જ કાર્ય સમાપ્ત થાય છે. ક્રિયાકાલ અને નિષ્ઠાકાલ એક જ હોય છે. તેથી માટી લાવવાથી માંડીને ઘટ બને ત્યાં સુધીમાં તો હજારો કાર્ય શરૂ કરાય છે અને હજારો કાર્ય સમાપ્ત થાય છે. જો કાર્ય કરવા માટેનો ક્રિયાકાલ વાળો સમય હોય ત્યાં જો કાર્ય ન થાય તો તે સમય વીતી ગયા પછી ક્રિયાત્મક કાળ વિના ભાવિમાં કે ભૂતકાળમાં કાર્ય કેમ થાય ? માટે માટી લાવવાથી માંડીને ઘટ બને ત્યાં સુધીમાં શિવક-સ્થાસ-કોશ-કુશૂલ વિગેરે બનાવવા રૂપે અનેક કાર્યો આરંભાય છે અને તે તે કાર્યો ત્યાં ત્યાં પૂર્ણ પણ થાય છે. ઘટાત્મક કાર્ય તો અન્તિમ સમયે જ આરંભાય છે અને અન્તિમ સમયમાં જ સમાપ્ત થાય છે. ઘટ બને તેની પૂર્વનો કાલ ઘટ બનાવવાનો કાલ જ નથી. શિવકસ્થાસ-કોશ-કુશૂમ આદિ અન્ય કાર્યોનો આરંભકાલ છે અને તે તે કાર્યો ત્યાં ત્યાં સમાપ્ત થાય જ છે તેથી જે કાર્ય કરાતું હોય તેને કર્યું જ કહેવાય.
જ્યાં કાર્ય કરાતું હોય ત્યાં તે સમયમાં જો તે કાર્ય ન થાય તો તે કાર્ય ક્યાં કરાય! શું ક્રિયા પૂરી થાય ત્યારે કરાય ? હવે જો તમે કહો કે હા, ક્રિયા સમાપ્ત થાય ત્યારે કાર્ય કરાય તો આ વાત મિથ્યા છે બરાબર નથી. કારણ કે જો કાર્યને કરનારી ક્રિયા જ્યારે હોય ત્યારે જો કાર્ય ન થાય અને ક્રિયા સમાપ્ત થયા પછી થાય તો ક્રિયા જ કાર્યને રોકનારી છે. એવો અર્થ થાય, જે ક્રિયા દ્વારા કાર્ય કરવાનું છે તે ક્રિયા તો ત્યાં છે જ નહીં તો હવે કાર્ય કેમ થાય ! અને ક્રિયા વિના જ જો કાર્ય થતું હોય તો ક્રિયા સમાપ્ત થયા પછી જેમ ક્રિયાનો અભાવ છે ત્યારે કાર્ય થાય છે. તેમ તમે કહો છો તો ક્રિયા કર્યા પૂર્વે પણ ક્રિયાનો અભાવ તો છે જ. ત્યાં પણ કાર્ય થવું જોઇએ. ક્રિયાનું ન હોવું તો જેમ સમાપ્તિ પછી છે. તેમ પ્રારંભની પૂર્વે પણ છે જ, માટે ક્રિયાના કાલે જ કાર્ય થાય છે.
પ્રશ્ન :- વર્તમાન સમય તે ક્રિયમાણકાલ છે તેના પછીનો જે સમય છે તે કૃતકાલ છે જે સમયે કાર્ય કરવાની ક્રિયા કરાય છે. તે સમયે કાર્ય થતું નથી માટે અદ્ભુત જ કાર્ય કરાય છે પરંતુ ત કાર્ય કરાતું નથી. આમ જો તું પ્રશ્ન કરે તો.