________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૮૧ અહીં જયાં જયાં વેદનાનો (શૂલાદિ પીડાનો) સદ્ભાવ છે. ત્યાં ત્યાં તે પીડાના કારણભૂત એવું કર્મ અવશ્ય છે જ. જેમ ત્વચાના છેડે પીડા થાય છે માટે કર્મ છે આમ કહો છો તેમ ત્વચાની અંદર પણ પીડા થાય છે માટે ત્વચાની અંદર પણ કર્મ હોવું જ જોઈએ.
તથા વળી મિથ્યાત્વ આદિ નિમિત્તો વડે કર્મ બંધાય છે અને તે મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ જીવમાં જેવા બહારના પ્રદેશોમાં વર્તે છે તેવા જ તે હેતુઓ અંદરના પ્રદેશોમાં પણ અવશ્ય વર્તે જ છે. તથા તે મિથ્યાત્વ આદિ હેતુઓ જેવા અંદરના પ્રદેશોમાં છે તેવા જ બહારના પ્રદેશોમાં પણ અવશ્ય છે જ. કારણ કે તે મિથ્યાત્વાદિ ભાવો આત્માના અધ્યવસાય સ્વરૂપ છે. અને અધ્યવસાય તો જીવના સમસ્ત પ્રદેશગત જ હોય છે.
તે કારણથી મિથ્યાત્વ આદિ કર્મબંધના હેતુઓ જીવમાં સર્વપ્રદેશોમાં છે તેથી તેના કાર્યભૂત એવું કર્મ પણ તે સર્વપ્રદેશોમાં છે જ. પરંતુ એકલું બહાર બહારના જ ઉપર ઉપરના પ્રદેશોમાં જ તે કર્મ હોય આવું નથી.
તે કારણથી “અગ્નિ અને લોઢાની જેમ” તથા “દૂધ અને પાણીની જેમ” જીવની સાથે અવિભાગપણે (એકાકારપણે) કર્મ રહેલું છે. આવો ભગવાને કહેલો સાચો પક્ષ હે ગોઠામાજિલ તું સ્વીકાર. અને મિથ્યા અભિમાનનો ત્યાગ કર. || ૨૫૩૦ ||
અવતરણ - કોઈ શિષ્ય આવો પ્રશ્ન ગુરુજીને પૂછે છે કે જે જીવન અને કર્મનો સંબંધ અવિભાગ જ છે. સર્વથા એકાકાર જ છે. તો તેનો વિયોગ ક્યારેય થશે નહીં તેથી કોઈનો ક્યારેય મોક્ષ થશે જ નહીં. આવું દુષણ આવશે જે મેં પહેલાં કહેલું છે. તેનો ઉત્તર આપતાં ગુરુજી કહે છે કે -
अविभागत्थस्स वि से, विमोयणं कंचणोवलाणं व । नाण-किरियाहिं कीरइ, मिच्छत्ताईहिं चायाणं ॥ २५३१ ॥
ગાથાર્થ :- જીવ અને કર્મ કંચન અને ઉપલની જેમ અવિભાગે (એકાકારપણે) રહ્યા હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયા વડે તેનું વિભાજન થઈ શકે છે અને મિથ્યાત્વાદિ બંધ હેતુઓ વડે આદાન (ગ્રહણ) પણ થઈ શકે છે. || ૨૫૩૧ ||
વિવેચન - તે કર્મનો જીવની સાથે કંચન અને ઉપલની જેમ અવિભાગે (એકાકાર પણે) સંબંધ હોવા છતાં પણ જ્ઞાન અને ક્રિયા વડે તેનું વિભાજન પણ થઈ શકે છે. જેમ મિથ્યાત્વ આદિ બન્ધ હેતુઓ વડે કર્મનું ગ્રહણ થાય છે. એટલે કે જીવની સાથે સંયોગ કરી શકાય છે તેવી જ રીતે વિયોગ પણ થઈ શકે છે.