________________
: પ્રકાશકીય : (ચોથી આવૃત્તિ)
ધન, વૈભવ, આધુનિક સવલતોની વચ્ચે રહેનાર મનુષ્ય જયારે સ્વયંને અતૃપ્ત અનુભવે છે ત્યારે તેની તૃષાને તૃપ્ત કરવા પ.પૂ.સ્વામીજીના ગ્રંથો પરબ બનીને આવ્યા છે. તેમાંય ‘અપરોક્ષાનુભૂતિ’ તો એક એવી ચૈત્ય પરબ છે કે જેનું પાન કરી સંતોષ પ્રાપ્ત કર્યા બાદ પણ જીવનભર તેના સંગી બની તેને સાથે જ રાખવાનું મન થાય. ભવરણમાં અમૃતનું પાન કરાવનાર આ ગ્રંથની ચતુર્થ આવૃત્તિ પ્રકાશિત કરતા અમે અત્યંત ગૌરવ અનુભવીએ છીએ. આવા અલૌકિક ગ્રંથોના પૂ. સ્વામીજીના યોગદાન બદલ ગુજરાતની જનતા તેમને અહર્નિશ નતમસ્તક રહેશે.
છેલ્લા એક વર્ષથી અલભ્ય બનેલા આ પુસ્તકની માગણી ખૂબ જ હતી. જેટલી પ્રબળ તેની માગણી હતી તેટલી જ સઘન આર્થિક ક્ષેત્રે અમારી મૂંઝવણ હતી. મુંબઈ નિવાસી ભાઈ શ્રી શૈલેષભાઈ ભુતાએ આ ગ્રંથના પ્રકાશન માટે ફાળો આપી અમારા એ મુઝારાને જાકારો આપ્યો અને પ્રકાશન પ્રવૃત્તિને વેગ આપ્યો છે. તેમના આ ભક્તિભાવ અને સેવા બદલ અમે તેમના ઋણી છીએ.
કુદરત પ્રેમી, કુદરત પારખુ અને કુદરતના સંગી - સાથી એવા પૂ. સ્વામીજીએ પોતે તો સૌંદર્યરસ પીધો, માણ્યો અને સાથે સાથે આ ગ્રંથના મુખપૃષ્ઠ દ્વારા આપણને સૌને વહેંચ્યો પણ છે. તે જ કારણથી આ ગ્રંથની ટીકા અને તેનું મુખપૃષ્ઠ પ.પૂ.સ્વામીજીના અનેરા, આગવા વ્યક્તિત્વનો આપણને પરિચય કરાવે છે.
પોતાના પ્રવચનમાં સૌને સ્વયંની વાણીમાં જકડનાર પૂ. સ્વામીજીને કેમેરાની ચાંપથી પકડનાર અમારા સાથી, શુભેચ્છક શ્રી મધુસૂદનભાઈ પંચાલનો અભિનંદન સાથે અત્રે આભાર પ્રગટ કરીએ છીએ. પુસ્તકની અંદર છપાયેલી પૂ. સ્વામીજીની છબી ઉપલબ્ધ કરી આપી તેમણે અમને કૃતાર્થ કર્યા છે.
આ ગ્રંથના મુખપૃષ્ઠ તથા અંતર્ગત ચિત્રની ચિત્રકલા તથા સુશોભન માટે સહાયભૂત થનાર બહેન કુ. તેજલ શાહ તથા શ્રી રાજેશભાઈ દલાલની સેવાને અમે બિરદાવીએ છીએ. ગ્રંથને અલંકૃત કરવામાં ચીવટપૂર્વકના કાર્ય બદલ અમે તેમના આભારી છીએ.
.