________________
વિદ્યમાન દ્રવ્યની શ્રદ્ધા, તેમાં જ અહં, તેની જ અનુભૂતિ અને તેમાં જ લીનતા કરવાનું રહ્યું અને પર્યાયનું સ્વરૂપ પણ આલંબનશીલતા જ છે. તે દ્રવ્યની રચના કરતી નથી, દ્રવ્યમાં કાંઈ અતિશયતા લાવતી નથી, પરંતુ દ્રવ્ય જેવું છે તેવી જ તેની પ્રતીતિ અને અનુભૂતિ કરે છે. દ્રવ્ય તો જ્ઞાન અને અજ્ઞાન બંને દશામાં જેમનું તેમ રહે છે. આ રીતે અનેકાંતિક પદ્ધતિમાં આત્મપદાર્થના બે અંશ દ્રવ્ય અને પર્યાયની સ્વરૂપ મર્યાદા પણ સ્થિર થઈ જાય છે અને આત્મા પદાર્થ બે અંશોમાં ખંડિત ન થતાં દ્રવ્ય-પર્યાય સ્વરૂપ પૂરેપુરું ટકી રહે છે. અને પર્યાય સ્વભાવ-દ્રવ્ય સ્વભાવ સન્મુખ થઈ, તેમાં જ અહંકરી, તેમાં જલીનતા
કરે તો સ્વાનુભૂતિ થાય છે. ૧૮. આત્માદ્રવ્ય - પર્યાય સ્વરૂપ હોવા છતાં પણ દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ પરસ્પર
વિરુદ્ધ હોવાને લીધે શ્રદ્ધાનું અહં એક જ સાથે બંનેમાં થઈ શકતું નથી. જેમ એક સ્ત્રીનું અહં એક જ સાથે સ્વ અને પર બે પુરુષોમાં થઈ શકતું નથી તેમ. નિત્ય એવા દ્રવ્યના અહમાં હુંઅક્ષય છું એવી અનુભૂતિ થાય છે અને અનિત્યના પર્યાયના અહમાં “હું ક્ષણિક છું' એવું સંવેદન થાય છે. પર્યાયનું સ્વરૂપ પણ વિવિધ રૂપવાળું છે-તે ક્ષણિક છે, આલંબનવતી છે, વર્તમાનમાં વિકારી છે. ભૂત અને ભવિષ્યની વૃત્તિ-સમુદાય વર્તમાનમાં વિદ્યમાન જ નથી અને આખો ય વૃત્તિ-સમુદાય ગમનશીલ છે, તેમાં વિશ્રામ નથી. પથિકને ગમનમાં નહિ, ગંતવ્યમાં વિશ્રામ મળે છે, કારણ કે ગંતવ્ય ધ્રુવ અને વિશ્રામ સ્વરૂપ હોય છે. એવી જ રીતે આત્મવૃત્તિને વૃત્તિમાં નહિ, ધ્રુવમાં જ વિશ્રામ મળે છે. વૃત્તિઓ તો પોતે જ વિશ્રામ માટે કોઈ સત્તાને ખોજતી હોય છે. આ રીતે બધોય વૃત્તિસમુદાય દષ્ટિ(શ્રદ્ધા)ના વિષય-ક્ષેત્રથી બહાર રહી જાય છે.
આત્મા એક અનાદિ અનંત ધ્રુવ અને અક્ષય સત્તા છે. ગુણ-પર્યાય તો તેના લઘુ અંશ છે અને તે તેમને પી ને બેઠો છે. તેથી ગુણ-પર્યાયના અનંત સત્ત્વો કરતાં પણ એક ચિન્મય સત્તા ઘણી મોટી છે. પર્યાય જ્યારે અનંતાત્મક એકમાં અહં અને અનુભવ કરે છે ત્યારે તે એકની અનુભૂતિમાં અનંતે ગુણોનો સ્વાદસમાઈ જાય છે. આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયમય પરસ્પર વિરુદ્ધ સ્વરૂપને જાણીને જ્ઞાન જ એ નિર્ણય લે છે કે આ ત્રણેમાં માત્ર નિરપેક્ષ, નિર્ભેદ અને નિર્વિશેષ દ્રવ્ય સામાન્ય જ ઉપાદેય અથવા શ્રદ્ધેય થવા યોગ્ય છે. અન્યની ઉપાદેયતા સ્પષ્ટ મિથ્યાદર્શન છે.