________________
સમયસાર ગાથા ૭૩ :
૧૧૯
‘છું એક શુદ્ધ,મમત્વહીન હું, જ્ઞાનદર્શન પૂર્ણ છું;
એમાં રહી સ્થિત, લીન એમાં, શીઘ્ર આ સૌ ક્ષય કરું.’
ગાથાર્થ : જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ છું; તે સ્વભાવમાં રહેતો, તેમાં (તે ચૈતન્ય અનુભવમાં) લીન થતો (હું) આ ક્રોધાદિક સર્વ આસવોને ક્ષય પમાડું છું.
ટીકા ઃ હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય ઉદયરૂપ વિજ્ઞાનઘન સ્વભાવ ભાવપણાને લીધે એક છું; સર્વ કારકોના (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ) સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિ માત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલ દ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિ ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતા રહિત છું ; ચિન્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુ સ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી જ્ઞાન-દર્શન વડે પરિપૂર્ણ છું. - આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ વિશેષ છું. તેથી હવે હું સમસ્ત પર દ્રવ્ય પ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ જ આત્મ સ્વભાવમાં નિશ્ચલ રહેતો થકો, સમસ્ત પર દ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતાં જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્ય સ્વરૂપને જ) અનુભવતો થકો પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતાં જે આ ક્રોધાદિ ભાવો તે સર્વનો ક્ષય કરું છું. એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલ્દી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનધન થયો થકો, આ આત્મા આસવોથી નિવર્તે છે.
ભાવાર્થ : શુદ્ધ નયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે ‘હું એક છું, શુદ્ધ છું, પર દ્રવ્ય પ્રત્યે મમતા રહિત છું, જ્ઞાન-દર્શનથી પૂર્ણ વસ્તુ છું.’ જ્યારે તે જ્ઞાની આત્મા આવા પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસવોને છોડી દે છે.