________________
૧૨૯
આત્મા વસ્તુ છે, અસ્તિ છે, તેનો જે ચૈતન્ય-જાણવા-દેખવાને ગુણશક્તિ છે તેને અનુસરીને કેવળજ્ઞાન થાય છે, કેમ કે કેવળજ્ઞાન પણ પર્યાય છે, પરિણામરૂપ ચૈતન્યનો ઉપયોગ છે.
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાનને કેવળજ્ઞાન કે અજ્ઞાન આદિ જે કાંઈ પરિણામ વર્તમાન દશામાં વર્તે છે તે ગુણને-ચૈતન્યને અનુસરીને થયેલા પરિણામ છે, પણ નિમિત્તને કે ઇન્દ્રિયને અનુસરીને થયેલા તે પરિણામ નથી. જીવનું લક્ષણ ઉપયોગ છે. લક્ષણ - ઘણા મળેલા પદાર્થોમાંથી કોઈ એક પદાર્થને જુદો કરવાવાળા હેતુને (સાધનને) લક્ષણ કહે છે.
ઉપયોગને “જ્ઞાન-દર્શન પણ કહેવાય છે. તે બધા જીવોમાં હોય છે, અને જીવ સિવાય બીજા કોઈ દ્રવ્યમાં હોતા નથી, તેથી તેને જીવનો અસાધારણ ગુણ અથવા લક્ષણ કહે છે. વળી તે સદ્ભત (આત્મભૂત) લક્ષણ છે તેથી તે બધા જીવોમાં સદાય હોય છે. આ જીવ અને કર્મ-નોકર્મ (શરીર) એકક્ષેત્રે હોવા છતાં જીવ તેના ઉપયોગલક્ષણ વડેકર્મ-નોકર્મથી જુદો છે, અને દ્રવ્યકર્મ-નોકર્મ તેમના સ્પર્શદિલક્ષણ વડે જીવથી જુદાં છે.
નિત્ય ઉપયોગ લક્ષણવાળું જીવદ્રવ્ય કદી પુદ્ગલ દ્રવ્યપણે (શરીરાદિપણે) થતું જોવામાં આવતું નથી અને નિત્ય જડલક્ષણવાળું શરીરાદિ પુદ્ગલદ્રવ્ય કદી જીવદ્રવ્યપણે થતું જોવામાં આવતું નથી; કારણ કે ઉપયોગ અને જડપણાને એકરૂપ થવામાં, પ્રકાશ અને અંધકારની માફક, વિરોધ છે. જડ અને ચેતન કદી પણ એક થઈ શકે નહિ. જડ અને ચેતન એ બંને સર્વથા જુદા જુદા છે.
શરીરાદિના કાર્યો હું કરી શકું, હું તેને હલાવી-ચલાવી શકું એમ જે જીવો માને છે તે ચેતન અને જડ દ્રવ્યને એકરૂપ માને છે, તેઓની એ ખોટી માન્યતા છોડાવવા અને જીવ દ્રવ્ય જડથી સર્વથા જુદું છે એમ બતાવવા જીવનું અસાધારણ લક્ષણ ઉપયોગ છે.
ઉપયોગના જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગ એવા બે ભેદ છે. ઉપયોગના વર્ણનમાં ‘દર્શન' શબ્દનો અર્થ વસ્તુનું સામાન્ય ગ્રહણ માત્ર છે.