________________
કાળ અને કર્મો વગેરે બધા પર દ્રવ્યો પોતપોતાના કારણે આ જીવથી ભિન્નપણે સ્થિત છે, તે કોઈ આ જીવના પુરુષાર્થને બળજબરીથી રોકતા નથી, જીવ પોતે ઊંધા પુરુષાર્થ વડે, પોતાના ઉપયોગને તે તરફ લઈ જઈને વિકારી થાય છે. જો સવળા પુરુષાર્થથી તે તરફના ઉપયોગને ખસેડીને પોતાના સ્વભાવ તરફ પરિણમન કરે તો કાંઈ કાળ કે કર્મ વગેરે પર દ્રવ્યો તેને કાંડુ ઝાલીને ના પાડતા નથી.
માટે જીવોએ પ્રથમ તો પોતાના ચૈતન્ય સ્વભાવને પરથી ભિન્ન જાણીને, ચૈતન્યનો જે ઉપયોગ પર તરફ એકાગ્ર થઈ રહ્યો છે, તે ઉપયોગને પોતાના આત્મા તરફ એકાગ્ર કરવાનો છે, એટલે માત્ર પોતાનો ઉપયોગ બદલવાનો છે, એ જ મુક્તિનો ઉપાય છે.
ઉપયોગ સ્વ તરફ એકાગ્ર કરવો' તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે સમાઈ જાય છે.
' પર દ્રવ્યને હું કહું, હું કરું. એ જ અજ્ઞાન છે. પોતાનીવૈભાવિક શક્તિની લાયકાતથી રાગ-દ્વેષરૂપ પરિણમે એવી તો જીવમાં તાકાત છે, પરંતુ પર દ્રવ્યોને પરિણાવી દે, એવી કોઈ શક્તિ જીવમાં નથી. આત્માને અનાદિથી પર દ્રવ્યના કર્તા-કર્મપણાનું અજ્ઞાન છે, તે અજ્ઞાન જો શુદ્ધ સ્વરૂપના અનુભવથી એક વાર , પણ નાશ પામે તો ફરીને ન આવે. માટે એક સમયના પુરુષાર્થની આ કમાલ છે! સત્ય પુરુષાર્થની!