________________
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
પ્રબુદ્ધ જીવનઃ જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
જૈન સાહિત્ય કથા વિશ્વ આ વિશિષ્ટ અંકના માનદ સંપાદક
ડાં. કાંતિભાઈ બી. શાહ
બહુશ્રુત, મિતભાષી, સુશ્રાવક ડૉ. કાંતિભાઈ બી. શાહનો પરિચય કરાવવો એટલે જ્ઞાનના ભંડારમાં પ્રવેશી જ્ઞાન સોરભના અણુ-પરમાણુ લઈને બહાર આવવું.
આપણે એમને મળીએ એટલે એ પળે જ આપણે એમના આત્મિક સ્મિત અને ગોરંભાયેલા શુદ્ધ શબ્દ ધ્વનિના તરંગો અને એ તરંગોમાં ગુંજિત થયેલા જ્ઞાનમાં જકડાઈ જઈએ જ.
ગુજરાતના દહેગામ તાલુકાના રખીયાલી ગામે ૧૯૩૩માં જન્મેલા શ્રી કાંતિભાઈએ પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું, પછી માધ્યમિક શિક્ષણ અમદાવાદ શેઠ સી. એન. વિદ્યાલયમાં, બી. એ. સુધીનો અભ્યાસ અમદાવાદના શ્રી મહાવીર જૈન વિદ્યાલયના છાત્રવાસમાં રહી ગુજરાત કૉલેજમાંથી કર્યો. જૈન વિદ્યાલયમાં નિવાસ સ્થાનને કારણે જૈન દર્શન-સાહિત્ય પ્રત્યે રસ-રુચિ કેળવાયા.
અમદાવાદમાં શ્રી ઉમાશંકર જોષીના અધ્યક્ષપદે શરૂ થયેલ ભાષા સાહિત્ય ભવનમાં અનુસ્નાતકનું શિક્ષણ લઈ ગુજરાતી-સંસ્કૃત વિષય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી.
૧૯૬ ૬માં પ્રખર પંડિત અને સાહિત્ય મર્મજ્ઞ પ્રા. જયંત કોઠારીના માર્ગદર્શનથી ‘સહજ સુંદરીકૃત ગુણરત્નાકર છંદ : એની સમીક્ષિત વાચના અને આલોચનાત્મક અભ્યાસ' એ શીર્ષકથી શોધપ્રબંધ લખી પીએચ.ડી.ની ડીગ્રી પ્રાપ્ત કરી.
આવું ઉચ્ચત્તમ શિક્ષણ પ્રાપ્ત કરનાર ડૉ. કાંતિભાઈ આજીવન શિક્ષક બની રહ્યાં, અને સાડાત્રણ દાયકા સુધી શાળા, કૉલેજ અને સંશોધન સંસ્થામાં શિક્ષક, પ્રાધ્યાપક અને સંશોધક તરીકે એઓશ્રીએ સેવા આપી.
આ સારસ્વત દીર્ઘ કારકીર્દિ દરમિયાન એઓશ્રીએ ઉચ્ચતમ લેખન કાર્ય કર્યું અને વિવિધ લેખો લખ્યા, પરિસંવાદો અને વાર્તાલાપોમાં સક્રિય રહ્યા ઉપરાંત સંશોધિત, સંપાદિત, લિખિત અને અનુવાદિત એવા એમના ૨૪ ગ્રંથો પ્રકાશિત થયા છે. આ બધાં જ ગ્રંથો, લેખો સાહિત્ય અને જેન જગત તેમજ વિદ્વાનોએ અંતરથી આવકાર્યા છે અને એ બધાં યશાધિકારી બન્યા છે.
‘હસ્તપ્રતવિદ્યા' ઉપરાંત પ્રાચીન અને મધ્યકાલિન જૈન સાહિત્ય એઓશ્રીનો વિશેષ રૂચિનો વિષય છે અને આ ક્ષેત્રમાં એઓ સાહિત્ય જગતને મૂલ્યવાન સેવા આપી રહ્યા છે.
ડો. કાંતિભાઈની સાહિત્ય સિદ્ધિ લખવા બેસીએ તો એક વિપુલ નિબંધ લખાઈ જાય એવા આ વિદ્વાને ‘પ્રબુદ્ધ જીવન'ના આ વિશિષ્ટ અંક માટે સંપાદન કાર્ય સ્વીકારી ‘પ્ર.જી.’ના વાચકોને પરિશ્રમિક ઉત્તમ અને મર્મજ્ઞ રસથાળ આપ્યો છે એ માટે ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો અને આ સંસ્થા એઓશ્રીની ઋણી રહેશે.
તંત્રી.