________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૩૨
E ડૉ. કુમારપાળ દેસાઈ
[વિપુલ જૈન કથાસાગરમાં ડૂબકી મારીને એનાં તેજસ્વી મોતી દ્વારા માનવતાનો ઝળહળાટ વેરવાનો સર્જનપુરુષાર્થ યુવાન સર્જક જયભિખ્ખુ આરંભે છે. તેઓ કઈ રીતે રૂઢ પરંપરાગત અને નિરસ શૈલીથી લખાયેલા કથાનકોને નવું રૂપ આપે છે તે જોઈએ આ બત્રીસમા પ્રકરણમાં.]
માનવતાનો સંસ્પર્શ
યુવાન સર્જક જયભિખ્ખુના જીવનને કલમની દિશા મળી. ઊંડા અભ્યાસે સર્જનનો વિષય મળ્યો અને અનુભવો પાસેથી આલેખનની આગવી દૃષ્ટિ સાંપડી. જયભિખ્ખુએ જૈનકથાઓ અને ચરિત્રોના વિશાળ સાગરમાંથી મોતીની ખેપ કરવાનું નક્કી કર્યું. એમાં એમને નવા અને કલ્પનાને ઉત્તેજક વિષયો મળી આવ્યા, એટલું જ નહીં, પણ આ એવા વિષયો હતા કે જે વિષય પર માત્ર પરિભાષાથી ખીચોખીચ અને સંસ્કૃત-પ્રાકૃત કથાનાં નિરસ અનુવાદ જેવી કથાઓ ગુજરાતી ગ્રંથોમાં લખાયેલી હતી. જયભિખ્ખુની કલમના જાદુથી આ નિરસ કથાસૃષ્ટિ સથી તરબતર બની જવા લાગી. એમનો સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને ઉર્દૂ ભાષાનો અભ્યાસ કથાનકની ભાવસૃષ્ટિ અને વર્ણ વિષયમાં નવાં રંગો પૂરવા લાગ્યો. એક સર્જક તરીકે આ બધું સાહજિક હતું, પરંતુ એમની સામે સૌથી મોટો પડકાર તો સાંપ્રદાયિક સંકીર્ણતાને બદલે વ્યાપક માનવમૂલ્યોની નવીન સૃષ્ટિ રચવાનો હતો, આથી પ્રસંગોની પસંદગી અને આલેખન રીતિમાં એમણે એવો કસબ અજમાવ્યો કે આ કૃતિઓ એની સર્જનાત્મકતા અને વ્યાપકતાને કારણે જૈન-જૈનેતર સહુ કોઈ વાંચી શકે અને એના મૂળમાં ધરબાયેલી મનવતાનો સંસ્પર્શ
પામી શકે.
આંક્ટોબર, ૨૦૧૧
જૈનકથાનકો અને ચરિત્રો ધાર્મિક પરિભાષા અને ધાર્મિક ક્રિયાકાંડોની બહુલતા ધરાવતા હતા. રૂઢ આલેખન શૈલીમાં અને એક નિશ્ચિત ચોકઠા મુજબ જ એનું આલેખન થતું હતું. અરે! વ્યક્તિ કે વિભૂતિને માટેનાં વિશેષણો પણ નિશ્ચિત અને નિર્ધારિત હતા! જયભિખ્ખુ આવા પરંપરાગત કથાનકો વાંચે છે. એને વિશે પોતાની નોટબુકમાં નોંધ કરે છે અને પછી એ નોંધના મુદ્દાને આધારે આગવી કથાસૃષ્ટિનું સર્જન કરે છે.
સંસ્કૃત અને ઉર્દૂ સાહિત્યના અભ્યાસને કારણે એમનાં પાત્રોની દેહછટાનું અને પરિસ્થિતિનું વર્ણન તેઓ કુશળ રીતે કરી શકે છે. ૧૯૪૦માં જયભિખ્ખુની ‘કામવિજેતા સ્થૂલિભદ્ર’ પ્રગટ થાય છે. આની પાછળનો એમનો ઉદ્દેશ એ હતો કે જૈનોના કથાસાગરમાં પડેલા અમૂલખ મોતીમાંથી કેટલાકનું પૂર્વગ્રહરહિતતાથી આલેખન કરવું. તેઓ સ્પષ્ટતા કરે છે કે આજે જૈન શબ્દ જાતિવાચક બની ગયો છે. એવો જાતિવાચક એ ધર્મ નહોતો, અને તેથી આ કથાને જૈનકથા માનવાની કોઈ ભૂલ ન કરે. વળી સ્પષ્ટરૂપે ‘કામવિજેતા સ્થૂલિભદ્ર'ની પ્રથમ આવૃત્તિની પ્રસ્તાવનામાં નોંધે છે,
‘વર્ણથી જૈન ધર્મને નિસ્બત જ નહોતી, એક બ્રાહ્મણ રહીને પણ જૈન બની શકતો. અહિંસા, સત્ય અને તપમાં શ્રદ્ધા ધરાવનાર, જીવ માત્રને સમાન કલ્પનાર; દર્શન, જ્ઞાન અને ચારિત્રનો પિપાસુ, આત્માના પુરુષાર્થથી જ આત્માના ઉદ્ધારમાં શ્રદ્ધા ધરાવનાર, કોઈ પણ રાય કે શંક, નીચ કે ઊંચ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર, આ પતિતપાવન ધર્મનો ઉપાસક બની શકતો, એને કોઈ અંતરાય ન નડતો.’
લેખક એવી પણ ‘ચોખવટ’ કરે છે કે જૈન ધર્મની ઈતિશ્રી કોઈ જાતિ કે સમૂહમાં નથી, તેથી જૈન અને બ્રાહ્મણ એવા ભેદનો કોઈ અર્થ નથી. જયભિખ્ખુનો બાળપણનો ગોઠિયો બ્રાહ્મણ હતો અને વિદ્યાર્થીકાળનો સાથી પઠાણ હતો, આથી એમના ચિત્તમાં આપોઆપ વર્ણ કે જાતિનો કોઈ મહિમા નહોતો.
પોતાની નવલકથાનું વસ્તુ કઈ રીતે પસંદ કરવું ? એમણે જોયું કે વ્યક્તિ જગતમાં બધું જીતી શકે છે, પણ કામને જીતવો મુશ્કેલ છે. જેણે કામને જીત્યો, એને સંસારમાં જીતવા જેવું ઓછું બાકી રહે છે. આવી કામવિજયની કથા માટે સ્થૂલિભદ્ર અને કોશાની કથાથી બીજો ક્યો વિષય આકર્ષક હોઈ શકે! માનવીની મર્યાદા કે ક્ષતિઓની સાથોસાથ એના દોષો પ્રત્યે ઘૃણા કે ધિક્કાર રાખવાને બદલે સહાનૂભૂતિ અને સંવેદના ધારણ કરવાનું સર્જક કહે છે. કામરાગમાં લિપ્ત એવો માનવી સર્પ કાંચળી ફગાવે તેમ, જીવનના ભોગવિલાસોને ફગાવી મુનિઓમાં મહાન પણ બની શકે છે.
નવલકથાનો મુખ્ય આશય તો એ છે કે પતિતનો ધિક્કાર કરવાને બદલે એના પ્રત્યે સમભાવ રાખવો જોઈએ, કારણ એટલું જ કે માનવીના હૃદયમાં સત્ અને અસત્ એમ બંને વસેલા હોય છે. માત્ર અસત્નો અંધકાર હોતો નથી. એનામાં સત્નો દીવો પણ પેટાવી શકાય છે.
આ કૃતિમાં એકબાજુ સ્થૂલિભદ્ર અને રૂપકોશાની પ્રણયકથા છે, તો બીજીબાજુ પાટલીપુત્રમાં ચાલતી રાજનીતિ, શાસક અને પ્રજાનાં બદલાતા વિચારો અને દૃષ્ટિબિંદુઓની કશ્મકશ છે. પ્રેમનો પ્રબળ ઉછાળ અને રાજનીતિનો પ્રખર પ્રપંચ – એમ બંનેને ગૂંથવાનો પ્રયાસ કર્યો છે. કથાનો સમય થોડે અંશે ઐતિહાસિક અને થોડે અંશે પ્રાગ્ ઐતિહાસિક છે. આમ લેખક એક વિશિષ્ટ કથાવસ્તુ પર પસંદગી ઢોળે છે. આ પૂર્વે ગુજરાતી સાહિત્યમાં ‘ગુલાબસિંહ’ કે ‘યોગિનીકુમારી' જેવી નવલકથાની રચના ધાર્મિક કથાવસ્તુને કેંદ્રમાં રાખીને કરવામાં આવી હતી, પરંતુ પહેલી જ વાર જૈન સાહિત્યમાં રહેલી કથાને