________________
૬૪
પ્રબુદ્ધ જીવન: જૈન સાહિત્ય કથા વિશ્વ વિશેષાંક
જયભિખ્ખુ જીવનધારા : ૩૧
E ડૉ. કુમારપાળ દેસાઈ
[સર્જકના જીવનમાં અપાર સંઘર્ષો આવતા હોય છે અને એમાં પણ સર્જકનો ઉદાર સ્વભાવ, એમનાં સંવેદનશીલ હૃદય અને પરગજુ વૃત્તિ ક્વચિત્ આર્થિક સંકડામણ ઊભી કરતાં હોય છે. ગુજરાતી સાહિત્યના સર્જક જયભિખ્ખુ ચિત્રપટજગતની એક ભિન્ન દુનિયામાં પ્રવેશે છે. એની અનુભવકથા જોઈએ આ એકત્રીસમા પ્રકરણમાં.]
ચલચિત્રની દુનિયામાં ડોકિયું
‘ચાલો ત્યારે, આ અફવાની ઉજવણી કરીએ.'
ગાંધી રોડ પર આવેલા શારદા પ્રેસમાં જયભિખ્ખુ, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, મનુભાઈ જોધાણી, ગૂર્જરના ગોવિંદભાઈ અને શંભુભાઈ તથા બીજા મિત્રોની મંડળી જામી હતી. નજીકમાં આવેલી ચંદ્રવિલાસ હૉટલમાંથી ફાફડા અને જલેબીની મિજબાની સાથે એક ખાસ પ્રકારની ચાના ઘૂંટ સહુ ભરી રહ્યા હતા. એ સમયે ચંદ્રવિલાસના ચા-ઉકાળો-મિક્સ ખૂબ જાણીતા હતા અને આ મંડળીનું એ પ્રિય પીણું હતું.
અફવાની ઉજવણી એટલે શું ? વાત એમ બનેલી કે એ સમયે અમદાવાદમાં એવી ચોતરફ અફવા ફેલાઈ હતી કે પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પુનર્લગ્ન કરવાના છે! જયભિખ્ખુએ હસતા હસતા પોતાના હેતાળ મિત્રને આ અફવાની વાત કરી. મનુભાઈ જોધાણીએ એમના ધીર-ગંભીર અવાજમાં કહ્યું, ‘હા, મેં પણ આવી વાત સાંભળી છે.' અને ગોવિંદભાઈ અને શંભુભાઈ ધીમું ધીમું હસી રહ્યા!
ત્યાં પોતાની પાતળી મુઠ્ઠી પછાડીને કનુ દેસાઈએ કહ્યું કે આ અફવા હોય તો ભલે અફવા રહી, પણ એની ઉજવણી કરીએ. ફરી ચા-ઉકાળો-મિક્સ મંગાવીને આ કાલ્પનિક પ્રસંગની હાસ્યસભર ઉજવણી કરવામાં આવી.
સાહિત્યકારની મૈત્રી સાહિત્યકાર સાથે હોય તે સ્વાભાવિક છે, જ્યારે સાહિત્યકાર અને કલાકારની મૈત્રી વિરલ હોય છે. જયભિખ્ખુ અને કનુ દેસાઈની મૈત્રી અત્યંત ગાઢ હતી.
એમની પહેલી મુલાકાત ૧૯૪૧-૪૨માં અમદાવાદના સૂર્યપ્રકાશ પ્રેસમાં થઈ હતી. એ સમયે જયભિખ્ખુ ‘વિદ્યાર્થી' સાપ્તાહિકનું સંપાદન કરતા હતા. આ સાપ્તાહિકમાં એમણે કનુ દેસાઈની કલા વિશે લખ્યું અને વિશેષ તો કનુભાઈની કલાસાધનાના પ્રારંભકાળની સંઘર્ષગાથા લખી હતી. માતા હીરાબહેનનું અવસાન થતાં કનુ દેસાઈ અમદાવાદ આવ્યા. મામાને ઘરે રહ્યા અને ઘરકામથી માંડીને બહારની ખરીદી સુધીના બધાં કામ ઉપાડી લીધાં. લોટ દળ્યો, વાસીદાં વાળ્યાં; શ્રમ કરવામાં શરમ ન રાખી. આવા કનુભાઈ પ્રોપ્રાયટી હાઈસ્કૂલમાં ભણ્યા અને ત્યાંથી શાંતિનિકેતન ગયા. આ શાંતિનિકેતન એમને જીવનની આકાંક્ષાઓ વિસ્તારવાની મુક્ત ભોમકા સમું લાગ્યું. એ આર્થિક સંકડાશ ભૂલી ગયા અને પુસ્તકો, ડ્રોઈંગ-પેપર
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૧
તથા સાબુ જેવી જરૂરિયાતોને માટે એક ટંક જમવાની અને એક ટંક ભૂખ્યા રહેવાની પ્રક્રિયા શરૂ કરી. વિદ્યાપીઠ તરફથી છાત્રવૃત્તિ મળતી હતી, પરંતુ એ ઘણી ઓછી હતી. એ સમયે કલકત્તામાં રહેતા ‘નવચેતન’ના આદ્યતંત્રી મુરબ્બી શ્રી ચાંપશીભાઈ ઉદેશીએ એમને
મદદ કરી. કલાકારોના કદરદાન અને આશ્રયદાતા ચાંપશીભાઈએ એમને અવનીન્દ્રનાથ ટાગોર, નંદલાલ બોઝ અને ત્યાંથી કવિવર રવીન્દ્રનાથ ટાગો૨ સુધીના મહાનુભાવોનો મેળાપ કરાવ્યો. આ સમયે કનુભાઈ પાસે એક ઓઢવાનું અને એક પાથરવાનું હતું. બહુ ઠંડી પડે ત્યારે જાડું પાથરણું ઓઢવાનું બની જાય! એક ધોતી અને એક કુરતું અને માથે સુતી વખતે પુસ્તકોનો તકિયો. પરંતુ કનુભાઈને એ તપ ફળ્યું અને દેશના મહાન ચિત્રકાર બન્યા. આ વાત જયભિખ્ખુએ ‘વિદ્યાર્થી’ સાપ્તાહિકમાં લખી હતી. બંને સૂર્યપ્રકાશ પ્રેસમાં મળ્યા અને એમની દોસ્તી જામી ગઈ. કનુભાઈ આ મૈત્રીને દિલોજાની કહેતા.
એ પછી તો દર રવિવારે અમદાવાદમાં કનુભાઈના નિવાસસ્થાન ‘દીપિકા’માં મિત્રોનો મેળો જામતો અને ત્યારે જયભિખ્ખુ ક્યારેક સાહિત્યની વાત કરતા તો ક્યારેક પોતાના શોખના વિષય ચલચિત્રની વાત કરતા.
કનુ દેસાઈનાં પત્ની ભદ્રાબહેન જયભિખ્ખુની કલમના ચાહક હતા. આથી જયભિખ્ખુનો લેખ હાથ ચડે કે તરત જ એને વાંચી લેતાં; એટલું જ નહીં પણ એ વિશેનો પોતાનો નિખાલસ અભિપ્રાય પહેલાં કનુભાઈને ને પછી રવિવારે જયભિખ્ખુ આવે ત્યારે એમને કહેતાં. સમય જતાં આ ડાયરાનું સ્થળ શારદા પ્રેસ બન્યું. ૧૯૪૬ની અઢારમી ફેબ્રુઆરીએ પંડિત ભગવાનદાસભાઈની ભાગીદારીમાં શારદા પ્રેસનું મુહૂર્ત થયું અને ત્યારે એ મુહૂર્તમાં જયભિખ્ખુની સાથે ચિત્રકાર કનુ દેસાઈ પણ આવ્યા હતા.
૧૯મી ફેબ્રુઆરીના રોજ જયભિખ્ખુ અમદાવાદમાં મળેલી મહાકવિ ન્હાનાલાલના સ્મારક અંગેની સભામાં ગયા. શિવપુરીમાં અભ્યાસ કરતા હતા, ત્યારથી મહાકવિ ન્હાનાલાલની કવિતાનું એમણે આકંઠ પાન કર્યું હતું. આ સભામાં મહાકવિનું કઈ રીતે સ્મારક રચવું એની ચર્ચા ચાલી. એમાં જે વિચારો વ્યક્ત થયા, એનાથી જયભિખ્ખુનું હૃદય દુભાયું. ગુજરાતના આવા સમર્થ કવિના સ્મારક અંગે જે ઉમંગ અને ઊલટ હોવાં જોઈએ, એનો અભાવ