________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તેમ કર્મ-કલંકથી રહિત થતાં સિદ્ધ પર્યાયરૂપ આત્માની શુદ્ધ સહજ અવસ્થા પ્રગટે છે.
પંચાસ્તિકાય ગ્રંથમાં કહ્યું છે કે પર્યાયાર્થિક નયની અપેક્ષાએ જીવ અભૂતપૂર્વ સિદ્ધ થાય છે, કેમકે પહેલાં કોઈ વખતે આ જીવ સિદ્ધ થયો નથી. કર્મ-કલંકના નાશથી જ આત્મા અવિનાશી શુદ્ધ સિદ્ધ પર્યાય પામે છે તથા દ્રવ્યાર્થિકનયની દૃષ્ટિએ તો શક્તિની અપેક્ષાએ આ જીવ સદાય શુદ્ધ-બુદ્ધ એક સ્વભાવવાળો છે, શક્તિરૂપે તો આત્મા સદા સિદ્ધ જ છે. પણ જ્યારે કર્મકલક દૂર થઈને તેની અત્યંત શુદ્ધ અવસ્થા આવિર્ભાવ પામે છે ત્યારે તે વ્યક્તિરૂપે સિદ્ધ ગણાય છે. દોહરામાં ધ્યાન શબ્દ આવેલો છે તો તે ધ્યાન શબ્દથી આગમની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ શુકલધ્યાન તથા અધ્યાત્મની અપેક્ષાએ વીતરાગ નિર્વિકલ્પ રૂપાતીત ધ્યાન સમજવું. કહ્યું છે કે
“ पदस्थं मंत्रवाक्यस्थं, पिण्डस्थं स्वात्मचिन्तनं।
रूपस्थं सर्वचिद्रूपं रूपातीतं निरंजनम्।। અર્થાત્ નમસ્કાર (ણમોકાર) આદિ મંત્રનું જે ધ્યાન છે તે પદસ્થ ધ્યાન કહેવાય છે, શરીરમાં રહેલા પોતાના આત્માના ચિંતવનને પિંડી ધ્યાન કહે છે, શરીરી પરમાત્મા અરિહંતદેવનું ધ્યાન તે રૂપસ્થ અને નિરંજન (સિદ્ધ-ભગવાન)નું ધ્યાન તે રૂપાતીત ધ્યાન છે. તે ધ્યાનના પ્રભાવથી આત્મા કર્મ-મલિનતા દૂર કરી સિદ્ધ પરમાત્મા થાય છે. કર્મ-કલંક (કર્મમલિનતા) દ્રવ્યકર્મ ને ભાવકર્મરૂપ છે. પુદ્ગલ પિંડરૂપ જ્ઞાનાવરણાદિ આઠકર્મ દ્રવ્યકર્મ કહેવાય છે અને રાગાદિ સંકલ્પ વિકલ્પરૂપ પરિણામ ભાવકર્મ છે.
અત્રે જે દ્રવ્યકર્મનું દહનપણું છે તે ઉપચરિત અસદુ ભૂત વ્યવહારનયથી છે તથા ભાવકર્મનું દહનપણું અશુદ્ધ નિશ્ચયનયથી છે. શુદ્ધનિશ્ચયનયથી તો બંધ કે મોક્ષ નથી. આ પ્રમાણે કર્મમલરૂપ કલંકને દહન કરીને સિદ્ધ પરમાત્મા નિત્ય, નિરંજન તથા જ્ઞાનમય થયા છે.
ક્ષણિક એકાંતવાદી બૌદ્ધમતને અનુસરનાર શિષ્ય પ્રત્યે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય ટંકોત્કીર્ણ જ્ઞાયક એક સ્વભાવવાળું પરમાત્મ દ્રવ્ય છે એમ સ્થાપન કરવા માટે દોહરામાં નિત્ય વિશેષણ મૂકયું છે.
નૈયાયિકો એમ માને છે કે સો કલ્પકાલ ગયા પછી જ્યારે જગત શૂન્ય થઈ જાય છે ત્યારે સદાશિવને વિશ્વ બનાવવાની ચિંતા થાય છે અને પછી મોક્ષસ્થ જીવોને કર્મનો સંયોગ કરીને સંસારમાં નાખે છે. નૈયાયિકોની તે માન્યતા અયથાર્થ છે એમ જણાવવા માટે મુક્તજીવોનું નિરંજન વિશેષણ મૂકયું છે. એટલે કે દ્રવ્યકર્મ, ભાવકર્મરૂપ અંજનનો સંસર્ગ સિદ્ધોને કદી થતો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com