________________
બીજી આવૃત્તિ સમયે અમૃત યોગનું, મોક્ષ પ્રાપ્તિની’ એ પુસ્તકની પ્રથમ આવૃત્તિનું વિમોચન મુંબઈના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હૉલ, જૂહુમાં પ૪મી ફેબ્રુઆરી, ૨૦૧૨ના રોજ યોજાયું. આ સમારંભ અનેક રીતે અવિસ્મરણીય બની રહ્યો.
આ પ્રસંગે પ્રસિદ્ધ સાહિત્યકાર અને જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય વિદ્વાન પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈએ કહ્યું હતું કે જૈન યોગના બહુ ઓછા ખેડાયેલા વિષય પર તૈયાર થયેલો આ એક અભ્યાસપૂર્ણ અને વ્યાપકષ્ટિ ધરાવતો આ ગ્રંથ છે. આ ગ્રંથમાં આચાર્ય કુંદકુંદચાર્ય, આચાર્ય હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, ઉપાધ્યાય યશોવિજયજી, અધ્યાત્મયોગી આનંદઘનજી, આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી, શ્રીમદ્ રાજચંદ્ર, આચાર્ય અને જ્ઞાનીઓએ રચેલા યોગવિષયક ગ્રંથનો ઊંડો અભ્યાસ કરીને ડૉ. રશ્મિ ભેદાએ એની વિસ્તૃત માર્મિક ચર્ચા કરી છે. વધુ એમણે જણાવ્યું કે આ ગ્રંથની સૌથી મોટી વિશેષતા એ એમાં મળતો યોગ અને પાતંજલ યોગનો તુલનાત્મક અભ્યાસ છે.
આ ગ્રંથનું પ્રકાશન કરનારી સંસ્થા મુંબઈ જૈન યુવક સંઘના મંત્રી તેમજ “પ્રબુદ્ધ જીવનના તંત્રી ડૉ. ધનવંતભાઈ શાહે આ પુસ્તકનાં જુદાં જુદાં પાસાંઓની છણાવટ કરી હતી. આ પ્રસંગે રામનિરંજન ઝુનઝુનવાલા કૉલેજના ફિલોસોફી વિભાગના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. કોકિલાબહેન શાહે આના લેખન માટે પાંચ વર્ષ સુધી કરેલા અભ્યાસની વાત કરી હતી.
આ પ્રસંગે ગ્રંથની વાત કરતા મેં સહુનો ઋણસ્વીકાર કર્યો હતો. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ચૈતાલી ગાલાએ, આભારવિધિ કુંતલ ભેદાએ અને એનું સંચાલન ગુલાબ દેઢિયાએ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સભાજનોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો, જેને પરિણામે થોડાક જ મહિનામાં પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રગટ થાય છે. હું આશા રાખું છું કે આ ગ્રંથ જૈન ધર્મના અભ્યાસીઓને અને યોગમાર્ગના પ્રવાસીઓને વધુને વધુ ઉપયોગી બનતો જશે. જૂન, ૨૦૧૨
- રશ્મિ ભેદા