________________
સ્વાભાવિક છે. જો કે અંતે લક્ષ્યની લગભગ સમાનતા જોવા મળે છે. એવું પણ બન્યું છે કે પાતંજલ યોગના શબ્દોનો જૈનયોગમાં સ્વીકાર થયો છે. જૈનયોગમાં પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ વર્ગીકરણનો સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ એનો અર્થ જૈનપરિભાષા પ્રમાણે જૈનગ્રંથોમાં મળે છે.
આવા ગહન અને કઠિન વિષયની વિસ્તૃત છણાવટ શ્રી રશ્મિબહેન ભેદાએ ‘અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની” ગ્રંથમાં કરી છે. છેક આગમ ગ્રંથોથી આરંભીને વર્તમાનકાળમાં પ્રેક્ષાધ્યાન સુધીની યોગપ્રણાલીને એમણે અભ્યાસવિષય બનાવી છે. એમાં પણ જૈન આચાર્યોનાં વિશિષ્ટ પ્રદાનની સાથોસાથ એમના યોગવિષયક ગ્રંથોમાં આલેખાયેલી સાધનાપદ્ધતિ સ્કૂટ કરી આપી છે. આચાર્ય કુંદકુંદસ્વામી, આચાર્ય હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, આચાર્ય શુભચંદ્ર જેવા આચાર્યોએ દર્શાવેલો યોગમાર્ગ અને એનું મહત્ત્વ દર્શાવવા યત્ન કર્યો છે, તો એની સાથોસાથ મહાયોગી આનંદઘનજી, ઉપાધ્યાય યશોવિજયજી અને યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરજી, શ્રીમદ્ રાજચંદ્ર અને આચાર્ય મહાપ્રજ્ઞએ દર્શાવેલા જૈન યોગની છણાવટ કરી છે.
યોગગ્રંથો એ જૈનધર્મની અમૂલ્ય સંપદા છે અને તેથી એ સંપદામાં રહેલી ધર્મસમૃદ્ધિનો એમણે પરિચય કરાવ્યો છે. વળી ગ્રંથના અંતે જૈન યોગ અને પાતંજલ યોગનો તુલનાત્મક અભ્યાસ આલેખ્યો છે. અષ્ટાંગ યોગ એ સાંખ્ય દર્શનની પદ્ધતિ છે,
જ્યારે સમ્યક્દર્શન, સમ્યકજ્ઞાન અને સમ્યકુચારિત્રના ત્રિરત્ન દ્વારા જૈનયોગની સાધનાપદ્ધતિ દર્શાવવામાં આવી છે. યોગ શબ્દના અનેક અર્થો મળે છે. મનોયોગ, કાયયોગ, વચનયોગ જેવાં જુદાં જુદાં એના પેટા ભેદો અને ઉત્તર ભેદો પણ મળે છે. આ ભેદને અહીં તુલનાત્મક દૃષ્ટિથી પ્રગટ કર્યો છે. આ યોગ વિશે જૈનગ્રંથો કહે છે, “યોગ જન્મ રૂપી બીજને બાળનારો છે, જરા અવસ્થાની મહાજરા છે, દુ:ખોને માટે ક્ષય રોગ જેવો છે અને મૃત્યુનું મૃત્યુ નિપજાવનારો છે, અર્થાત્ અમરતા પ્રાપ્ત કરાવનારો છે.”
આવા શાસ્ત્રીય વિષય પર ગ્રંથરચના કરવી તે કેટલી મુશ્કેલ છે તેનો વાચકને આમાંથી સાક્ષાત્ અનુભવ થશે. આ વિચારધારાને પામવા માટે વાચકમાં એક વિશેષ સજ્જતા અપેક્ષિત છે. વાચકો આની ધાર્મિક પરિભાષાનો મર્મ સમજીને આ વિષયમાં ગતિ કરશે તો એને જૈનધર્મના મોક્ષમાર્ગની જાણકારી પ્રાપ્ત થશે. આવા શાસ્ત્રીય, પ્રમાણભૂત અને અભ્યાસપૂર્ણ પ્રાગટ્ય બદલ લેખિકાને ધન્યવાદ. તા. ૨૧-૧૨-૨૦૧૧
- કુમારપાળ દેસાઈ
XIV