________________
અધ્યાય-૫
ઉપસંહાર
આજે તત્ત્વાર્થના અભ્યાસીઓ દિવસે દિવસે વધતા જાય છે અને એના અધ્યયનમાં રસ પણ લેતા થાય છે તેથી તત્ત્વાર્થના પ્રત્યેક અધ્યાયો પર સારામાં સારું ચિંતન આલેખાવું જોઈએ; જોકે ઘણાઓએ આલેખ્યું પણ છે છતાંય તત્ત્વાર્થ ભાષ્ય ઉપર સિદ્ધસેન ગણિ મ.ની આલેખાયેલી જે ટીકા છે તેનાં રહસ્યોને ખોલે તેવું ચિંતન હોય તેવું એક પણ પુસ્તક મને મળ્યું નથી. પ્રથમ અધ્યાયમાં જે નયોની વ્યાખ્યા અને ચિંતન વહાવ્યું છે તે આજના અલ્પ અભ્યાસીઓ માટે ઘણું કઠિન લાગે તેવું હોવા છતાં ઉત્કંઠા અને ખંતપૂર્વકનો એના ઉપર અભ્યાસીઓ અભ્યાસ કરવા લાગે તો વિશ્વના તમામ પદાર્થોના ગૂઢ ગુણ ધર્મોનો ઉકેલ આણી શકે તેમ છે. આમ તો તત્ત્વાર્થના દશેકશ અધ્યાયો વિશ્વતત્ત્વના અણમોલ પ્રખર–પ્રકાશ છે.
છતાંય સાધુ-સાધ્વીઓને તત્ત્વાર્થના પાંચમા અધ્યાયની વાચના આપતાં મને થયું કે આ અધ્યાય તો જૈનધર્મના દ્રવ્યવિજ્ઞાનનો અદ્દભુત ખજાનો છે. બીજા અધ્યાયો ભણે કે ન ભણે પણ આ પાંચમો અધ્યાય તો અવશ્યમેવ ભણવો જ જોઈએ. એના ઉપર તો ખૂબ ઊંડાણથી ચિંતન કરવું જોઈએ.
આ પાંચમા અધ્યાયનો અભ્યાસ માત્ર જ્ઞાન જ આપે છે એમ નથી પણ અધ્યાત્મભાવને ખોલી નાંખે છે. દુનિયાના તમામ વિરુદ્ધ લાગતા વિચારોને પણ સરળ અને ઉપયોગી બનાવવાની અજબ ચાવી મળી જાય છે.
જૈન દર્શનના મોટા મોટા દાર્શનિક આકરગ્રંથોથી પણ જે બોધ મેળવવો કોઈ વખત કઠિન લાગે તે બોધ આ પાંચમા અધ્યાય દ્વારા સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય છે. જૈનદર્શનના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું સારામાં સારું નિરૂપણ કરે છે. અને તે પણ અનેકાંતદષ્ટિથી કરે છે. તેથી સ્યાદ્વાદના અભ્યાસીઓને ખૂબ જ આનંદ ઉપજાવે છે. નયોનું લક્ષણ અને અર્થ તો પ્રથમ અધ્યાયના ભાષ્યમાં સૂત્રકારે બતાવ્યાં છે. પણ આ પાંચમા અધ્યાયમાં તો નયોને લઈને સપ્તભંગી બતાવવામાં આવી છે. જે ઘણો જ ગુરુગમ માંગે છે. મતલબ પાંચમો અધ્યાય એ તત્ત્વાર્થના દસ અધ્યાયનું હાર્દ છે. હારના મધ્ય મણિ જેવો છે.
આમ મહાન અને ગંભીર આ સૂત્ર છે. આવાં સૂત્રોના તથા ભાષ્યના અર્થો ટીકાકારની સહાય વિના સમજવા જરાય શક્ય નથી. ટીકાકાર સિદ્ધસેન ગણિ મ.નો મહાન ઉપકાર છે કે તેઓએ આપણને આવો ગહન અર્થનો પ્રકાશ કર્યો છે. વળી આ ટીકાકાર મ.ની ખૂબી તો એ છે કે તેમણે કોઈ ગ્રંથકારોનું અનુકરણ કર્યું હોય તેવું લાગતું નથી. છતાંય સ્વતંત્ર વિચારધારા નથી પણ અતિપ્રાચીન પૂર્વપરંપરાનું ભવ્ય અનુસરણ અવશ્ય લાગે છે. એથી જ અન્યત્ર મળતાં સૂત્રના માત્ર ભાષ્ય અને ભાષાંતરો કરતાં વિશેષ ગહન બોધ સુગમ રીતે થાય છે તે હેતુથી જ સ્વાભાવિક રીતે આ ભાષાંતર લખાઈ ગયું છે.
તો હવે આપણે તત્ત્વાર્થ શ્રદ્ધાના માટે અનિવાર્ય બનેલ અજીવ તત્ત્વનું વિવરણ વાંચીએ...