________________
૧૦. શુદ્ધ સંયમ
મા.શુ. ૧૦, ઘેટી, ૨૦૪૭ સમ્ + યમું સમ્યક્ પ્રકારે કાબૂ તે સંયમ. કાબૂ શેનો ? મન-વચન અને કાયાનો.
જે ત્રણ યોગ દ્વારા મુકિતની સાધના કરવાની છે. તે જો સંયમિત ન હોય તો મુક્તિને બદલે બંધનમાં સહાય કરે છે. માટે ચારિત્રની સંપૂર્ણ સાધના સંયમ ઉપર છે માટે ચારિત્ર અને સંયમ બેય શબ્દો મહાવ્રતધારી આત્માઓ માટે વપરાય છે. સંયમી તે જ ચારિત્રી છે.
ત્રણે યોગની સંપૂર્ણ પ્રાપ્તિ માનવ દેહમાં થાય છે. દેવ, તિર્યંચ, નારકીને હોય છે પણ તેઓ સંપૂર્ણ સ્વાધીન બની શકતા નથી માટે તેટલી અપૂર્ણતાના કારણે તે ત્રણે યોગો સંપૂર્ણ કર્મ મુક્તિમાં સહાયક બનતા નથી, માટે તે અપૂર્ણ છે. અને તે કારણે જ પૂર્ણ સંયમ પણ માનવદેહથી જ થઈ શકે છે.
સંયમ એટલે શું ? અસંયમ એટલે શું? સંયમ એટલે ત્રણે યોગોને કાબૂમાં રાખવા. કાયયોગ પાંચ ઈન્દ્રિયોના સમૂહરૂપ છે. જડ કાયા કાંઈ કરી શકતી નથી. પાંચ ઈન્દ્રિયોથી વિષયોને ગ્રહણ કરતી કાયા શુભાશુભ પ્રવૃત્તિ કરે છે અને કર્મબંધ અગર મુક્તિ કરે છે. ઈન્દ્રિયો જ્ઞાન કરવાના સાધનરૂપ છે. જ્ઞાન થયા પછી આત્માના હુકમ પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જો મોહને આધીન આત્મા હોય તો મન પણ તે મોહાધીન આત્માના હુકમ પ્રમાણે દલાલી કરી યોગને પ્રવર્તાવે છે. અશુભ પ્રવૃત્તિ દ્વારા અશુભ કર્મનો સંચય કરે છે. મોહની ચાલમાં નહિ અંજાતો આત્મા હુકમ કરે તો મન-વચન બંને શુભમાં પ્રવર્તે છે. તે વખતે તે બંને સંયમિત રહે છે અને કાયા પણ, મન સંયમિત હોવાના કારણે તેને કદાચ અશુભ વર્તવું પડે તો વર્તે પણ આત્મા નારાજ હોય છે જેથી કર્મથી મુક્તિ કરે છે.
આ રીતે યોગનો સંયમ કરવા માટે પ્રથમ જે યોગોની પ્રવૃત્તિમાં સાધનભૂત ઈન્દ્રિયો વિષયોનું જે જ્ઞાન કરી આપે છે તેમાં લેપાવું નહિ તે દ્વારા તેનો સંયમ કરવો જરૂરી છે જેને બાહ્ય સંયમ કહેવાય છે.
ઈન્દ્રિયોના વિષયોનો સંયમ આત્મ સંયમ સહાયક બને છે.
આત્માનો અસંયમ એટલે આત્માનું મોહને આધીન થવું. મોહને આધીન ન બનવું તે આત્મ સંયમ છે. તેને અત્યંતર સંયમ કહેવાય છે. જે સંયમમાં ઈન્દ્રિયો દ્વારા થયેલા વિષયના જ્ઞાનથી કેવળ જ્ઞાતાદ્રષ્ટાભાવે રહી નિજ સ્વરૂપમાં સ્થિતિ કરવા પ્રયત્ન કરવો, તે જે આત્માની સમ્યક પ્રવૃત્તિ છે તે જ અત્યંતર સંયમ છે. તે અત્યંતર સંયમની સાધના કરતાં આત્મ સ્વરૂપમાં સ્થિરતા થવાથી જે આત્માનો સંયમ થાય છે, તે જ શુદ્ધ સંયમ છે, જેમાં નથી ઈન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન કે જે વિષયની પરાધીનતામાં મોહના ઉદયે ઈન્દ્રિયોનો અસંયમ કરાવે, જેમાં નથી આત્માનું મોહાધીનપણું કે જે આત્માના સંયમને બાધારૂપ બને ! ત્યાં છે કેવળ આત્મ સ્વરૂપની અનુભૂતિ. જેમાં કેવળ શુદ્ધ આત્માના દર્શનથી શુદ્ધ સંયમ છે. જેને અનંત સિદ્ધ ભગવંતો ભોગવે છે. યોગીઓ તેની ક્ષણવાર અનુભૂતિ કરે છે. પરમાત્મા પ્રત્યે બહુમાન પ્રગટ કરવા માટે છે.
સાધકનો અંતર્નાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org