________________
૧. દ્રવ્યનું સ્વરૂપ
કા.શુ. ૩, સં. ૨૦૪૮, વાસણા કેવળ દ્રવ્યનું આલંબન લઈને ધ્યાન કરતાં (ચિંતન કરતાં) જે ચિંતન થયું તે આ પ્રમાણે.
દ્રવ્ય (કેવળ-માત્ર ચિતવતાં) નિષ્ક્રિય છે. જે કાંઈ કાર્ય કરે છે તે પર્યાય છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં આવ્યો છે. કારણ કે આત્મ દ્રવ્ય પર્યાય દ્વારા (જ્ઞાન દ્વારા) જાણે છે તેથી આત્માને જાણવાનું સાધન જ્ઞાન છે. જેમ આત્માની અશુદ્ધ પર્યાય મનુષ્ય દેહ વગેરે છે. તો પાંચ ઈન્દ્રિયરૂપ પર્યાય બાહ્ય પદાર્થોના જ્ઞાન માટે આત્માને સાધનરૂપ બને છે તેમ જ્ઞાનાવરણના ક્ષયથી પ્રગટેલી શુદ્ધ પર્યાય દ્વારા સદ્ભૂત પદાર્થોનું યથાર્થ જ્ઞાન સંપૂર્ણ થાય છે. માટે જ્ઞાન સાધનરૂપ છે.
આત્માની કેવળ દ્રવ્યની વિચારણા કરીએ ત્યારે કાંઈ ક્રિયા કરતો નથી એમ ભાસે છે. જેમ દ્રવ્યમાં પર્યાય રહેલી છે પણ જયાં સુધી પર્યાય પ્રગટ થઈ નથી ત્યાં સુધી દ્રવ્યરૂપ ભાસે છે. જેમ મૃદ્ધ ઘટ રહેલો છે પણ જયાં સુધી પ્રગટ નથી થયો ત્યાં સુધી કેવળ મૃદુ અનુભવાય છે માટે કથંચિત દ્રવ્ય પર્યાયનો ભેદ છે. એ રીતે કથંચિત્ કેવળ મૃદ્ દ્રવ્ય હોવાથી તે મૃદ્ દ્રવ્યની વિચારણા કરી શકાય તેમ કથંચિત્ પર્યાયથી ભિન્ન એવા આત્મ દ્રવ્યની વિચારણા કરી શકાય. તે વખતે આત્મા નિષ્ક્રિય છે.
જો કે દ્રવ્ય, પર્યાયયુક્ત જ છે. નિગોદને પણ જ્ઞાનનો અંશ (અનંતમો ભાગ) ખુલ્લો છે. પણ તેટલા અંશથી તે જાણવાની ક્રિયા કરી શકતો નથી, કારણ કે તે જ્ઞાન (જે અંશે ખૂલ્લો છે તે) અંશાત્મક હોવાથી અવ્યકત છે. જે અવ્યકત કે અસ્પષ્ટ છે તે ક્રિયાવાન બની શકતું નથી, ફકત તેનું અસ્તિત્વ ગણાય છે.
દ્રવ્ય પર્યાય યુક્ત જ હોય છે પણ તે પર્યાય પ્રગટ ન હોય ત્યાં સુધી તેમાં અસ્પષ્ટ અંશાત્મક પણ ઘટરૂપ પર્યાય માનવી જોઈએ, કેમકે જે પિંડ છે તેમાંથી ઘટ આકાર લાવવા માટે આજુબાજુની માટીને ખસેડવાની જ ફકત જરૂર છે જેથી ઘટ આકાર પ્રગટ થાય છે. તેમ આત્મામાં જ્ઞાન પર્યાય પ્રગટ કરવા કમરજ ખસેડવાની જરૂર પડે છે પણ જયાં સુધી તે ખસેડાય નહિ ત્યાં સુધી જેમ અપ્રગટ પર્યાયવાન ઘડો પણ પાણી ભરવા કામ લાગતો નથી તેમ જ્ઞાન પણ અંશાત્મક જાણવા માટે કામ લાગતું નથી. અને જયાં સુધી કામ ન લાગે ત્યાં સુધી કેવળ દ્રવ્યની જ અનુભૂતિ થતાં નિષ્ક્રિયતા અનુભવાય છે.
આ પ્રમાણે આત્માની નિષ્ક્રિયતા કાં તો નિગોદ અવસ્થામાં છે જયાં સહજમલથી દબાયેલો આત્મા કેવળ જ્ઞાનના અંશાત્મક ખુલ્લા ભાગથી જીવ નામને ધારણ કરે છે. બાકી કોઈ જાણવાની ક્રિયા તેને નથી, કાં તો સકલ કર્મોથી મુક્ત આત્મા જ્ઞાન પર્યાય સંપૂર્ણ પ્રગટ થવાથી અરૂપી પર્યાયમાં એકત્વને પામેલું આત્મ દ્રવ્ય જુદું ભાસતું નથી તેથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે તેવું ન સમજાતાં આત્મા જ્ઞાન સ્વરૂપ જ છે. તેથી જ્ઞાન તે જ આત્માનું રૂપ ધારણ કરતું હોવાથી આત્મા જ્ઞાન દ્વારા જાણે છે એમ નહિ પણ આત્માનો જ્ઞાયક ભાવ નિર્વિકાર હોવાથી જ્ઞાતા અને જ્ઞાનનો ભેદ રહેતો નથી. જ્ઞાતા જ્ઞાન અને શેય ત્રણે એકતા પામતાં સમગ્ર વિશ્વ એ જ આત્મા નામને ધારણ કરે છે માટે વિશ્વ એ જ નવપદ, નવપદ એ જ વિશ્વ કહેવાય છે. સાધકનો અંતર્નાદ
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org