________________
પરિશિષ્ટ-૧ ૧લો પ્રકાશ
પ્રાય: સં. ૨૦૨૧ હે અરિહંત પ્રભુ ! અનાદિ કાળથી હું આ સંસારમાં આથડું છું પણ મેં તને ઓળખ્યો નહિ એટલે જ મારું ભ્રમણ હજુ ઘાંચીના બેલની માફક ચાલુ છે. પણ હે કરુણાનિધિ ! હવે આ ભવ મારો સફળ થયો કે જે ભવમાં તારી કૃપાથી મને મનુષ્ય જન્મ આર્યદેશાદિ સામગ્રી સાથે તારું શાસન મળ્યું. હું તને ઓળખતો નથી પણ તારા પ્રભાવે જ મને તારા શાસનમાં સ્થાન મળ્યું છે જેથી તું કેવો છે તેની કંઈક અલ્પ ઝાંખી કરાવનારી સામગ્રી મળી છે. તેને આધારે એકાંતમાં હું વિચારું છું તો હું આશ્ચર્યમાં ગરકાવ થઈ જાઉં છું કે કેવું તારું સ્વરૂપ? કે જે શબ્દોમાં લખી શકાય તેમ નથી, બોલી શકાય તેમ નથી ને મનથી વિચારી શકાય તેમ નથી, પણ તે આશ્ચર્યનો ઉભરો વિચારશ્રેણી રૂપે બહાર નીકળે છે ત્યારે પૂર્વાચાર્યોના શબ્દોના આધારે મારો ઉભરો શાંત થાય છે. જુઓ તો ખરા ! તે વિતરાગનું સ્વરૂપ કેવું છે ? ઘણા દેવો જોયા હશે ને પૂજ્યા પણ હશે પણ આ તો તે સર્વે દેવોમાં કોઈ અગમ્ય, વિરાટ સ્વરૂપી, વિતરાગ દેવ છે. આવા પરમદેવો છે તે જ આરાધ્ય છે, તે આરાધવા લાયક એ કારણે છે કે નક્કી તે પરમાત્મ સ્વરૂપ છે, પરમજયોતિ સ્વરૂપ છે, પરમ પરમેષ્ઠિ સ્વરૂપ છે, અજ્ઞાનનાશક સૂર્ય સ્વરૂપ છે, સર્વ કલેશના મૂળને ઉખેડી નાંખવાનો સ્વભાવ તેમનામાં છે, દેવો, અસુરોને નમસ્કાર કરવા લાયકપણે તેમનામાં છે. ચારે પુરુષાર્થને સાધનારી સઘળી વિદ્યાઓને પ્રગટ કરવાની શક્તિ તેમનામાં છે.
અતીત, અનાગત, વર્તમાન એ ત્રણે કાળના પદાર્થોને જાણવાપણું તેમનામાં છે. વિજ્ઞાન, આનંદ, બ્રહ્મ આ ત્રણે એકતાને પામેલા તેમનામાં છે. માટે જ આવા પરમાત્મા શ્રદ્ધા કરવા લાયક છે, ધ્યાન કરવા લાયક છે, શરણ કરવા લાયક છે, તેમના શરણને પામેલા મારો યોગક્ષેમ કરનારા તે છે તેથી હું સનાથ છું, તેમની હું સ્પૃહા કરું છું. તેથી હું કૃતાર્થ છું, તેમનો હું દાસ છું, તેમના વિષયમાં વપરાયેલી મારી વાણી પવિત્ર છે. આવા વિતરાગ ભગવંતની સ્તુતિ તથા તેમના ગુણોની પ્રશંસા કરવી તે જ મનુષ્ય ભવનો સાર છે. ભલે પછી તે વાણી અસ્તવ્યસ્ત હોય પણ શ્રદ્ધાથી બોલાયેલી છે માટે સફળ છે.
હે પ્રભુ ! તારું પરમાત્મ સ્વરૂપ એટલે તે આત્મદશા કેવી ? તે વિચારવા માટે મારા મનના પુદ્ગલો તેનો આકાર ધારણ કરે છે ત્યારે કોઈ અનેરો આનંદ અનુભવાય છે. તે પરમાત્મ એટલે બધા જ કર્મના ઢગલા સમૂળગા નાશ થઈ ગયા છે, કેવું પરમાત્મ સ્વરૂપ અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંતવીર્ય જેમને સિદ્ધ થઈ ગયા છે. શિવ-કલ્યાણકારી, ચલાયમાન ન થાય તેવો, જયાંથી ફરીથી જન્મ લેવાનો નથી એવા પરમ સ્થાનમાં રહેલો ફકત જ્ઞાન-દર્શનના ઉપયોગવાળો આત્મા. કેવું સ્વરૂપ? આવા પરમાત્મ તે પણ કેવળજ્ઞાનથી લોકાલોક પ્રકાશક છે તેથી સર્વોત્કૃષ્ટ ચિત-જ્ઞાન સ્વરૂપ છે-પરમ જ્યોતિ સ્વરૂપ છે માટે શ્રદ્ધા કરવા લાયક હોય તો તે જ છે. અરિહંત દેવે તો કર્મનો નાશ
સાધકનો અંતર્નાદ
179
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org