________________
અને બિંદુ જેટલું અંતર જોતાં આત્મા નમી પડે છે, શરણમાં જાય છે. શરણ સ્વીકારી આશ્વાસન મેળવે છે. મોટાનું શરણ મળ્યું છે, હવે ચિંતા નથી નિજ સત્તા મેળવવાની. નિજ સંપત્તિ તેમના અનુગ્રહથી, સહાયથી મને પ્રાપ્ત થશે. પછી તે પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન શરૂ કરે છે તે જીવન એટલે સર્વવિરતિ.
નિજ સંપત્તિ મેળવવાનો સફળ પુરુષાર્થ આદરે છે. જ્ઞાની ગુરુ પાસે સંપત્તિની ઓળખાણ અને તેને મેળવવાના ઉપાયો મળે છે અને પ્રભુના દાસ્યભાવે રહી સાધના શરૂ કરે છે.
પ્રભુની આજ્ઞા એ જ જીવન. અહીં સર્વ સમર્પણનો ભાવ આવે છે. તું જ સર્વસ્વ. તું કહે તે પ્રમાણે ચાલુ. મારા ત્રણે યોગ પ્રભુ તારે આધીન છે. પ્રભુની આજ્ઞા એકજ છે કે તે યોગોનો દુરુપયોગ ન કર તારા જેવા જ અનંત જીવો છે તારા આત્માને જેમ સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે તેમ બીજાના આત્માને પણ સુખ પ્રિય છે દુઃખ અપ્રિય છે માટે તારા આત્માની જેમ બીજાના આત્મા સાથે વર્ત, સંપૂર્ણ શક્તિ ન હોય તો દેશથી પણ વર્ત. એ પ્રમાણે વર્તીશ પછી મારી સાથે અભેદભાવે મળી શકીશ.
જીવન વ્યવહાર બદલાશે એટલે કર્મનાં આવરણો આવવામાં નિમિત્તભૂત મિથ્યાત્વ, અવિરતિ, કષાયનું અલ્પાંશ થશે અને યોગની પ્રવૃત્તિ શુભ થશે. ત્યારે પરમાત્માની સન્મુખતા યોગોની પ્રવૃત્તિમાં આવશે. ત્રણે યોગ પરમાત્મ સન્મુખ થતાં પરમાત્મા અને તેમની આજ્ઞામાં જ યોગોની પ્રવૃત્તિ અને લીનતા રહેશે.
અભેદોપાસના-B
મ.વ. ૮
અહીં સુધી અભેદોપાસનાની પૂર્વભૂમિકા બતાવી, અભેદ થવું એટલે જાતને ભૂલી જવી અને જે આલંબન છે તેમાં તદાકાર એટલે કે તે આકાર ધારણ કરવો. તદાકાર ઉપયોગ બને છે ત્યારે મનાદિ યોગમાં પૂરાયેલો આત્મા તે અવસ્થાને ભૂલી જાય છે, એટલે જાતને ભૂલી ગયો કહેવાય. આ અવસ્થા લાવતાં પહેલાં એટલે કે જાતને ભૂલવી તે સહેલી નથી. તે યોગોમાં જ તદાકાર બનેલો આત્મા ઉપયોગને કયારે અને કેવી રીતે ખસેડી શકે? જેને જેને જે જે કારણે ભેદ પાડયો છે તેને તેને તે તે કારણોને જાણીને અભેદનાં કારણો સેવવાં જોઈએ અને ભેદનાં કારણોને છોડવાં જોઈએ.
જડના સંબંધમાં આવેલો છે તેથી તેણે સજાતીય સાથે પણ ભેદ પાડયો છે. તેથી જડની ચાલચલગત સમજી આત્મત્વેન સમગ્ર જીવરાશિની આત્મા સાથે એકતા માનવી અને સાધવી જોઈએ તો જ જડનો પાડેલો ભેદ તૂટે.
એક પણ આત્મા તરફ દુર્લક્ષ્ય છે ત્યાં સુધી આત્મ તત્વ પ્રત્યે પ્રીતિ જાગતી નથી. સંગ્રહ નથી આત્માની એકતા કહેલી જ છે અને સજાતીયપણાનો સંબંધ પણ અનુભવાય છે. સજાતીયને જોઈને પ્રીતિ થાય જ. જે અરુચિ થાય છે તે તો જડની પ્રીતિ મોહાધીનતાથી થયેલી છે તેને ભેદ પડાવ્યો છે તે કારણે થાય છે. જડ એ વિજાતીય છે તો તેના પ્રત્યે પ્રીતિ કેમ થઈ ? મિથ્યાત્વના કારણે ઊંધી સમજ છે. જે સુખનું કારણ નથી તેમાં સુખના કારણની બુદ્ધિ તેના કારણે થઈ અને સુખ તો આત્માનો સ્વભાવ સાધકનો અંતર્નાદ
149
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org