________________ જીતવું = પ્રાયશ્ચિત્ત કરીને શુદ્ધ થવું. એક આચાર્ય મહારાજના શિષ્યોએ ક્યારેક કોઈ દોષ સેવ્યો. તેમણે ગુરુજીને તે વાત જણાવી. ગુરુએ તેમને ઠપકો આપ્યો, “સાધુપણામાં આવા દોષો સેવો છો. લાજશરમ છે કે નહીં ? આ તમને શોભતું નથી.' આમ ગુરુએ કઠોર શબ્દોથી ઠપકો આપ્યો એટલે શિષ્યોનું મન ભાંગી ગયું. કેટલાકે સંયમ છોડી દીધું. કેટલાકે પ્રાયશ્ચિત્ત કરવાનું માંડી વાળ્યું. કેટલાકે ગુરુ સાથે ઝઘડો કર્યો. કેટલાકે ગુરુને લાકડીથી માર્યા. કેટલાકે ગુરુને મારી નાંખ્યાં. આમ ગુરુને શિષ્યોને સમજાવતા ન આવડ્યું. તેમણે આપેલા ઠપકાથી શિષ્યો વિફર્યા. તેથી ગુરુ પર આફત આવી અને શિષ્યો પણ વિરાધક થયા. બીજા આચાર્યમહારાજના શિષ્યોએ કોઈ દોષ સેવીને ગુરુ પાસે આલોચના કરી. ગુરુએ તેમણે પૂર્વે કરેલી આરાધનાઓની અનુમોદના કરી અને વર્તમાનમાં સેવેલો દોષ ફરી ન સેવવાની મીઠી ટકોર કરી. આમ ગુરુની મધુર હિતશિક્ષાથી શિષ્યોનો ઉત્સાહ વધ્યો. તેમણે ગુરુએ આપેલ પ્રાયશ્ચિત્ત શીધ્ર પૂર્ણ કર્યું. અને ફરી દોષ ન લાગે તેની કાળજીપૂર્વક આરાધના કરવા લાગ્યા. આમ ગુરુની હોંશિયારીભરી હિતશિક્ષાથી શિષ્યો પણ આરાધક બન્યા અને ગુરુ પણ આબાદ થયા. ટૂંકમાં, પહેલા આચાર્યમહારાજના ઠપકાથી શિષ્યોએ પ્રાયશ્ચિત્ત ન કર્યું. જ્યારે બીજા આચાર્યમહારાજની સમજાવટથી શિષ્યોએ પ્રાયશ્ચિત્ત કર્યું અને આરાધક થયાં. માટે આલોચના કરનારને ઠપકો ન આપવો પણ તેનો ઉત્સાહ વધે અને તે સંપૂર્ણ આલોચના કરે અને સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરી વિશુદ્ધ થાય તેવી પ્રેરણા તેને કરવી. * * * * * આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ?