________________ દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો વસંતપુર નામનું નગર હતું. ત્યાં એક સાધુસમુદાય વિચરતો હતો. તેમાં બધા સાધુઓ અગીતાર્થ અને સંવિગ્ન હતા. અગીતાર્થ એટલે ઉત્સર્ગઅપવાદને નહીં જાણતા, લાભાલાભને નહીં જાણતા, કયા અવસરે શું કરવું? તે નહીં જાણતા. સંવિગ્ન એટલે પાપભીરું. તે સમુદાયમાં એક સાધુ દરરોજ ભીના હાથે અપાતું વહોરવું વગેરે દોષવાળી ગોચરી વહોરીને પછી ગુરુ પાસે ખૂબ ભાવપૂર્વક આલોચના કરતો હતો. ગુરુ પણ અગીતાર્થ હતા. તેથી તે પ્રાયશ્ચિત્ત આપીને તે સાધુની પ્રશંસા કરતા, “આ સાધુ ધન્યવાદને પાત્ર છે. તેને ધર્મમાં કેટલી બધી શ્રદ્ધા છે ! પાપ કરવું સહેલું છે, પણ આલોચના કરવી મુશ્કેલ છે. આ સાધુ કંઈ પણ છુપાવ્યા વિના વિશુદ્ધ આલોચના કરે છે તે ખરેખર અનુમોદનીય છે.' ગુરુ દ્વારા થતી આવી પ્રશંસા સાંભળીને તે સાધુએ દોષો સેવવાનું ચાલુ રાખ્યું અને અન્ય સાધુઓએ તેનું અનુકરણ કર્યું. બીજા સાધુઓ માનવા લાગ્યા કે, “આલોચના લેવી એ જ મુખ્ય વસ્તુ છે, દોષસેવનમાં કોઈ વાંધો નથી.' આમ તે ગચ્છમાં દોષસેવન વધતું ગયું. દોષો પ્રત્યે કોઈને સૂગ ન રહી. દોષો સેવી સેવી બધા આલોચના લઈ લેતા. એક વાર એક ગીતાર્થ અને સંવિગ્ન સાધુ વિહાર કરતા કરતા ત્યાં આવ્યા. ગીતાર્થ એટલે ઉત્સર્ગ-અપવાદના જાણકાર, લાભાલાભના જાણકાર, ક્યારે શું કરવું ? તે જાણનાર. તે સમુદાયમાં થતી રોજની અવિધિ જોઈને તે ગીતાર્થસંવિગ્ન સાધુએ તે સાધુઓને સુધારવા એક ઉદાહરણ આપ્યું - ગિરિનગર નામના નગરમાં એક રત્નોનો વેપારી રહેતો હતો. તે રોજ લાલ રત્નો વડે ઘરને ભરીને બાળી નાંખતો. લોકો તેની પ્રશંસા કરતા, “આ અગ્નિદેવતાનો ભક્ત રોજ આ રીતે અગ્નિદેવતાને ખુશ કરે છે તે ધન્યવાદને પાત્ર છે.” ..100.. દ્રવ્યાલોચના નહીં, પણ ભાવાલોચના કરો