________________ નંદિષણ મુનિ જેવી વૈયાવચ્ચ કરનારા આજે પણ છે એક વાર પાલિતાણામાં વાવપથકની ધર્મશાળામાં પૂ.પં. વજસેનવિજયજી મ. અને તેમનો શ્રમણ પરિવાર રોકાયેલા. પૂજ્યશ્રી વૃદ્ધ અને ગ્લાન મહાત્માઓની વૈયાવચ્ચમાં અને સમાધિદાનમાં ખૂબ જ હોંશિયાર છે. તેમના સાધુઓને પણ તેમણે એવી ટ્રેઈનિંગ આપી છે કે બધા સાધુઓ હંમેશા તૈયાવચ્ચ માટે તૈયાર હોય. એક વાર એક વૃદ્ધ મહાત્માને સ્પંડિલ જવું હતું. તેમનું આસન ઉપાશ્રયના એક છેડે હતું. ઉપાશ્રયના બીજા છેડાની બહાર વાડા હતા. મહાત્મા આસન પરથી ઊભા થઈ તરપણીમાં પાણી લઈ વાડા તરફ ચાલવા લાગ્યા. અડધે રસ્તે પહોંચ્યા. તેમણે શંકાને રોકવા ઘણો પ્રયત્ન કર્યો, પણ રોકી ન શક્યા અને ઉપાશ્રયમાં ઊભા ઊભા સ્પંડિલનું વિસર્જન થયું. આજુબાજુ બેઠેલા ર-૩ મહાત્માઓને વૃદ્ધ મહાત્માની પરિસ્થિતિનો ખ્યાલ આવી જતા ચીલઝડપે તેઓ ઊભા થઈને વૃદ્ધ મહાત્મા પાસે આવ્યા અને બે હાથનો ખોબો ધરીને ઊભા રહ્યા, જેથી મહાત્માનું સ્પંડિલ ભૂમિ પર ન પડે પણ હાથમાં પડે. જરાય સૂગ વિના મહાત્માઓએ વૃદ્ધ મહાત્માનું શુદ્ધિકરણ કર્યું, તેમના કપડાનો કાપ કાઢ્યો, ઉપાશ્રય સાફ કર્યો અને મહાત્માને સ્વસ્થ કર્યા. લેશમાત્ર દુર્ગછા કર્યા વિના આનંદથી મહાત્માની વિષ્ટા સાફ કરવા સુધીની વૈયાવચ્ચ કરનારા તે મહાત્માઓને લાખ લાખ ધન્યવાદ છે ! વૈયાવચ્ચી નંદિષણમુનિની વાતો શાસ્ત્રોમાં સાંભળી છે. આજે પણ નંદિષણમુનિ જેવી વૈયાવચ્ચ કરનારા મહાત્માઓ આ પૃથ્વી પર વિચરી રહ્યા છે એ આ પૃથ્વીનું પરમ સોભાગ્ય છે. તેમના વૈયાવચ્ચગુણની અંતઃકરણપૂર્વક અનુમોદના કરીએ અને આપણામાં તે ગુણ આવે તેવા મનોરથ કરીએ. * * * * * ***34... નંદિષેણ મુનિ જેવી વૈયાવચ્ચ કરનારા આજે પણ છે