________________ પ્રાપ્ત થશે. પછી ગમે તેવી તકલીફોમાં પણ જીવ સદા પ્રસન્ન રહી શકશે, તકલીફોની તેને કંઈ ખબર પણ નહીં પડે. સંસારી લોકોના સાન્નિધ્યમાં મચ્છર જેવી તકલીફો પણ સિંહ જેવી લાગશે. પરમાત્માના સાન્નિધ્યમાં સિંહ જેવી તકલીફો પણ કોઈ વિસાતમાં નહીં લાગે. માતાના સાન્નિધ્યમાં બાળક સદા હસતું-ખીલતું રહે છે. તેમ પરમાત્માના સાન્નિધ્યમાં આપણે સદા હસતા-ખીલતા રહી શકીશું. જેમ એનેસ્થેટિક ઔષધ લેવાથી માણસને શસ્ત્રક્રિયાની કોઈ અસર વર્તાતી નથી, જેમ પેઈનકિલર દવા લેવાથી માણસને દુઃખાવાનો અનુભવ થતો નથી તેમ પરમાત્માની કૃપાથી જીવને તકલીફોની કોઈ અસર કે કોઈ અનુભવ થતો નથી. જેમ ટી.વી. જોવામાં એકાગ્ર બનેલ માણસને મચ્છર કરડ્યાની ખબર પડતી નથી, તેમ પરમાત્મામાં તન્મય બનેલ જીવને આધિ-વ્યાધિ-ઉપાધિની ખબર પડતી નથી. જેમ સુગરકોટેડ કડવી દવાની કડવાશનો અનુભવ થતો નથી, તેમ પરમાત્માની કૃપાના કોટિંગથી તકલીફોની કડવાશનો અનુભવ થતો નથી. જેમ હિટરની હાજરીમાં ઠંડી અનુભવાતી નથી તેમ પરમાત્માની કૃપાથી તકલીફોની ઠંડક લાગતી નથી. જેમ એરકંડિશન અને કૂલરની હાજરીમાં ગરમી લાગતી નથી તેમ પરમાત્માની કૃપાથી તકલીફોની ગરમી લાગતી નથી. જેમ છત્રી અને રેઈનકોટની હાજરીમાં વરસાદના પાણીથી ભીના થવાતું નથી તેમ પરમાત્માની કૃપાના બળે તકલીફો જીવને દુઃખના પાણીથી ભીંજવી શકતી નથી. જેમ બારી-બારણા બંધ હોય તો બહારના પવન, ધૂળ અને અવાજ રૂમમાં પેસી શકતા નથી, તેમ પરમાત્માની કૃપાથી તકલીફોનો પવન, દુઃખની ધૂળ અને પીડાનો અવાજ જીવનમાં પેસી શકતા નથી. ...56.. પ્રતિબંધકને અપનાવો, ઉત્તેજકને છોડો