________________ ધર્મ ફિક્કો લાગે કે મીઠો ? એક ભાઈએ મીઠાઈ ખાધી. તેની ઉપર તેણે ચા પીધી. તેને ચા ફિક્કી લાગી. ચા મીઠી જ હતી, પણ ભાઈએ મીઠાઈ ઉપર ચા પીધી હોવાથી તેને ચા ફિક્કી લાગી. એક ભાઈએ હરડેચૂર્ણ વાપર્યું. તેની ઉપર પાણી વાપર્યું. તેને પાણી એકદમ મીઠું લાગ્યું. પાણીમાં ખાંડ ન હતી, પાણી સાદુ જ હતું, પણ ભાઈએ તૂરા હરડેચૂર્ણ પર પાણી વાપર્યું હોવાથી તેને પાણી મીઠું લાગ્યું. પહેલા પ્રસંગનો સાર - મીઠી વસ્તુ પર મીઠી વસ્તુ વાપરો તો ફિક્કી લાગે. બીજા પ્રસંગનો સાર - હરડે પર પાણી વાપરો તો મીઠું લાગે. આના પરથી બોધ - (1) સંસાર આપણને મીઠો લાગે છે. ધર્મ મીઠો છે. પણ સંસારને મીઠો માનીને ધર્મ કરીએ છીએ માટે ધર્મ આપણને ફિક્કો લાગે છે. (2) સંસાર જો તૂરો લાગે તો થોડો પણ ધર્મ મીઠો લાગે. જ્યાં સુધી સંસાર મીઠો લાગશે ત્યાંસુધી ધર્મમાં સ્વાદ નહીં આવે. સંસાર નીરસ લાગશે તો ધર્મ સરસ લાગશે. આપણે સંસારનો રાગ ઘટાડવો નથી અને ધર્મ કરવાનું મન નથી થતું, ધર્મમાં મન નથી ચોંટતું. એવી ફરિયાદો કરવી છે. તેનો કોઈ અર્થ નથી. ધર્મમાં મન ચોંટાડવું જ હોય તો સંસારના રાગને ઘટાડો, નષ્ટ કરો. આજસુધી ભલે સંસારમાં રાગ કરવાની મૂર્ખાઈ કરી. હવે બુદ્ધિ વાપરી ધર્મમાં રસ પેદા કરવા સંસાર પ્રત્યે અણગમો પેદા કરીએ. * * * * * ધર્મ ફિક્કો લાગે કે મીઠો ? ...37..