________________ આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ? એક રાજા હતો. દુશ્મન રાજાએ તેના પર ચડાઈ કરી. આ રાજાએ પોતાના સૈનિકોને આજ્ઞા કરી, યુદ્ધ કરીને તે રાજાને હરાવો.” સૈનિકો ગયા. યુદ્ધ થયું. પણ સૈનિકો તે દુશ્મન રાજાના પ્રહારો સામે હારી ગયા અને પાછા આવ્યા. રાજા પાસે આવીને તેમણે હકીકત જણાવી. તે સાંભળીને રાજા ગુસ્સે થયો. તે બોલ્યો, ‘તમે મારો પગાર ખાઓ છો અને દુશ્મન સામે હારી જાઓ છો. આ કેમ ચાલે ?' આમ રાજાના અપમાનજનક શબ્દો સાંભળીને સૈનિકોને ગુસ્સો આવ્યો. તેમણે તે રાજાને બાંધીને દુશ્મન રાજાને સોંપ્યો. બીજો એક રાજા હતો. દુશ્મન રાજાએ તેના પર ચડાઈ કરી. રાજાની આજ્ઞાથી સૈનિકો લડવા ગયા. પણ હારીને પાછા આવ્યા. રાજાએ વાત જાણી. રાજાએ તેમને ઉતારી ન પાડ્યા. તેમનો ઊધડો ન લીધો. તેમને ઠપકો ન આપ્યો. તેમના પર તે ગુસ્સે ન થયો. પણ તેણે તેમને પ્રોત્સાહન આપ્યું. પૂર્વે તે સૈનિકોએ કરેલા પરાક્રમોની પ્રશંસા કરીને તેણે તેમને પાણી ચડાવ્યું. આમ રાજાના પ્રોત્સાહનથી તેમનો ઉત્સાહ વધી ગયો. તેથી ઘા લાગ્યા હોવા છતાં અને એક વાર હાર્યા હોવા છતાં તેઓ બમણા ઉત્સાહથી ફરી લડવા ગયા અને દુશ્મન રાજાને હરાવીને તેમણે વિજય મેળવ્યો. - ટૂંકમાં, પહેલા રાજાએ સૈનિકોને ઠપકો આપીને પોતાની ઉપર આફતને નોતરી. બીજા રાજાએ સૈનિકોને પ્રોત્સાહન આપીને હારેલી બાજીને જીતમાં પલટાવી. ઉપનય - રાજા = આચાર્ય સૈનિકો = શિષ્યો દુશ્મન રાજા = મોહરાજા હારવું = અતિચાર લાગવા ..4... આલોચના કરનાર ઠપકાપાત્ર કે પ્રોત્સાહનપાત્ર ?