________________ દોષ છુપાવવો નહીં, દોષ જયણપૂર્વક સેવવો એક વાણિયાને એક નિધાન મળ્યું. તેણે કોઈને તે જણાવ્યું નહીં. બીજા કોઈ માણસને તેની ખબર પડી. તેણે રાજાને જણાવ્યું. રાજા વાણિયા પર ગુસ્સે થયો. તેણે વાણિયાને દંડ કર્યો અને તેનું નિધાન લઈ લીધું. - એક બ્રાહ્મણને એક નિધાન મળ્યું. તેણે રાજાને જણાવ્યું. રાજા નિધાન જોવા આવ્યા. રાજાએ નિધાનની હકીકત પૂછી. બ્રાહ્મણે બધુ સાચું કહી દીધું. રાજા ખુશ થયો. તેણે બ્રાહ્મણનો સત્કાર કર્યો અને તેનું નિધાન તેને આપી દીધું. ઉપનય : (1) જે દોષ સેવીને ગુરુને જણાવતો નથી, એટલે કે આલોચના-પ્રાયશ્ચિત્ત લેતો નથી તેને કર્મરાજા પછી મોટો દંડ આપે છે અને નિધાન સમાન તેના ગુણો હરી લે છે. જે દોષ સેવીને ગુરુ પાસે તેના આલોચના-પ્રાયશ્ચિત્ત લે છે તેને કર્મરાજા કોઈ દંડ આપતો નથી અને નિધાન સમાન તેના ગુણો અકબંધ રહે છે. (2) જે કારણે દોષ સેવે છે અને તે પણ જયણાપૂર્વક દોષ સેવે છે, એટલે કે જરૂર પૂરતો ઓછામાં ઓછો દોષ સેવે છે તેને ગુરુ વિશેષ પ્રાયશ્ચિત્ત આપતા નથી. તેનું બધું પ્રાયશ્ચિત્ત માફ થઈ જાય છે. જે વિના કારણે દોષ સેવે છે અને જે કારણે જયણા વિના દોષ સેવે છે એટલે કે બેફામ (જરૂર કરતા વધુ) દોષને સેવે છે તેને ગુરુ વધુ પ્રાયશ્ચિત્ત આપે છે. માટે (1) દોષ સેવીને ક્યારેય ગુરુથી છુપાવવો નહીં. ખુલ્લા હૃદયે ગુરુને બધુ કહી દેવું. તેમાં જ એકાંતે કલ્યાણ છે. (2) વળી દોષ સેવવો પડે ત્યારે પણ જયણાપૂર્વક દોષ સેવવો, બેફામ નહીં, જરૂર પડે ત્યારે જ અને જરૂર પૂરતો જ દોષ સેવવો, કે જેથી અલ્પ પ્રાયશ્ચિત્તથી આપણી વિશુદ્ધિ થઈ જાય. * * * * * ..14... દોષ છુપાવવો નહીં, દોષ જયણાપૂર્વક સેવવો