________________ તેણે નાનાભાઈને કહ્યું, “મકાનનો અમારે ભાગ જોઈતો નથી. આજથી આ કાગળો અને મકાન તને સોંપ્યા.' નાનો ભાઈ તો આ જોઈને આભો જ બની ગયો. તેને આશ્ચર્ય થયું. તેના હૃદયમાં વચલા ભાઈ પ્રત્યેની જે નફરત હતી તેનું સ્થાન સન્માને લીધું. તે વચેલાભાઈને છેક દરવાજા સુધી વળાવવા આવ્યો. વચલો ભાઈ ઘરે આવ્યો. તેને “હાશ' નો અનુભવ થયો. એક મોટું કામ કર્યાનો તેને આનંદ થયો. હારીને પણ જીતી જવાનો હર્ષ તેના ઉરે સમાતો નહોતો. તે કંઈક આપીને આવ્યો હતો, છતાં તેનો તેને વસવસો નહોતો, પણ તે કંઈક પામ્યો હોય તેમ તેના મનમાં આ પ્રસંગ પછી અનેરી પ્રસન્નતા છવાઈ ગઈ. પોતાનું હૈયું હળવું કરવા તે વચલો ભાઈ સાંજે મારી પાસે આવ્યો અને બધી વાત કરીને હૈયું ખાલી કરી ગયો. તેના શબ્દોમાં, તેના મોઢાના હાવભાવમાં જે આનંદ હતો તે કંઈક અલગ જ હતો. આજ સુધી તે ખેંચવામાં આનંદ માનતો હતો. તેથી તે ખેંચતો હતો, પણ તેને આનંદ મળતો નહોતો. હવે તેને સમજાયું હતું કે આપવામાં આનંદ છે અને એ વાત આજે તેણે સાક્ષાત્ અનુભવી હતી. આ પ્રસંગ આપણને પણ સુંદર બોધ આપે છે. જીવનમાં ડગલે ને પગલે તકરારો, ઝઘડાઓ, લડાઈઓ થાય છે. એ બધામાં લગભગ આપણે આપણા પક્ષને મજબૂત બનાવવા મથીએ છીએ અને જીતવા માંગીએ છીએ. ઉપરોક્ત પ્રસંગ આપણને શીખવે છે કે - હારમાં પણ જીત રહેલી છે, નમતું જોખવામાં ઘણા ગુણો છે, જતું કરવામાં ઘણો ફાયદો છે, આપવામાં આનંદ છે, ઉદાર બનવામાં ઉત્તમતા છે. મોટું મન રાખવાથી સંબંધો સુધરે છે. સંકુચિત મનોવૃત્તિથી સંબંધ બગડે છે. આ સારને આપણે જીવનમાં ઉતારીએ. આજ સુધી ઘણી બાબતોમાં ઘણું ખેંચ્યું. હવે બધી બાબતોમાં બધુ છોડતા જઈએ. આપણા નિજાનંદની સીમા નહીં રહે. * * * * * છોડી દેવામાં મજા છે ...27..