________________ છોડી દેવામાં મજા છે એક શહેરમાં ત્રણ ભાઈઓ રહેતા હતા. ત્રણે સુખી અને સમૃદ્ધ હતા. એક દિવસ મોટા ભાઈ દેવલોક થયા. ત્રણે ભાઈઓના રહેવાના મકાન જુદા હતા. ધંધા-નોકરી પણ ત્રણેના જુદા હતા. શહેરમાં તેમનું એક જૂનું મકાન હતું જે બંધ પડ્યું હતું. તેની માલિકી ત્રણેની હતી. વચલા ભાઈની અને મોટાભાઈના દીકરાની ઈચ્છા હતી કે તે મકાન વેચીને તેની જે રકમ આવે તે ત્રણેએ સરખા ભાગે વહેંચવી. પણ નાનો ભાઈ આ બાબતમાં સંમત થતો ન હતો. તેથી તેની સાથે પેલા બેને તકરાર થતી, અબોલા થતા, સંબંધો બગડતા. મકાનના બધા કાગળો વચલા ભાઈ પાસે હતા. એક બાજુ વચલો ભાઈ અને મોટા ભાઈનો દીકરો અને બીજી બાજુ નાનો ભાઈ. આ ઝઘડો વરસો સુધી ચાલ્યો. વચલાભાઈએ નાના ભાઈને સમજાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા. પણ નાનો ભાઈ ન માન્યો તે ન જ માન્યો. મહાત્માઓના વચનો સાંભળીને વચલા ભાઈને એક દિવસ વિચાર આવ્યો, “ખેંચવા કરતા છોડી દેવામાં મજા છે. હું બધા કાગળો નાના ભાઈને આપી દઉં.” નાના ભાઈની દીકરીના લગ્નની કંકોત્રી લખવાની હતી. તે વચલા ભાઈને આમંત્રણ આપવા આવ્યો. તેને દહેશત હતી કે વચલો ભાઈ મારા પ્રસંગમાં નહીં આવે. વચલા ભાઈએ તેને ધરપત આપતા કહ્યું, “હું ચોક્કસ તારા પ્રસંગમાં હાજરી આપીશ.” વચલા ભાઈએ મકાનના કાગળો નાના ભાઈને આપી દેવાનો જે નિર્ણય કર્યો હતો તે પોતાના ભાભીને, ભત્રીજાને અને પુત્રને જણાવ્યો. બધાએ સંમતિ આપી. વચલો ભાઈ થેલીમાં કાગળો લઈને નાનાભાઈના પ્રસંગમાં ગયો. પ્રસંગ પૂર્ણ થયા બાદ તે નાના ભાઈ સાથે બેઠો અને પ્રેમથી બધા કાગળો તેણે તેને આપી દીધા. 26... છોડી દેવામાં મજા છે