________________ ગુરુની જવાબદારી એક ખેડૂતે ખેતરમાં ડાંગર વાવી. ખેતરની ચારે તરફ તેણે વાડ કરી. વાડમાં તેણે એક બારણું કર્યું. એક વાર એક બળદ બારણાથી ખેતરમાં પેઠો અને ડાંગર ખાવા લાગ્યો. ખેડૂતે આવીને જોયું. તેને ગુસ્સો આવ્યો. તેણે બારણું બંધ કર્યું. પછી લાકડીથી અને પથ્થરોથી બળદને મારવા લાગ્યો. બારણું બંધ હોવાથી બળદ બહાર નીકળી શક્યો નહીં. તેથી લાકડી અને પથ્થરોના પ્રહારોથી બચવા ખેતરની અંદર જ આમતેમ ભમવા લાગ્યો. તેથી આખું ખેતર ખેદાન-મેદાન થઈ ગયું. આમ આ ખેડૂતને બળદને હંકારતા ન આવડ્યું તો તેનું આખું ખેતર નષ્ટ થઈ ગયું. બીજા એક ખેડૂતે ખેતરમાં ડાંગર વાવી. તેણે પણ વાડ અને બારણું કર્યા. તેના ખેતરમાં પણ બળદ પેઠો અને ડાંગર ખાવા લાગ્યો. તે જોઈને ખેડૂતે બુદ્ધિ વાપરી. તે એકબાજુ ઊભો રહીને અવાજ કરવા લાગ્યો. તેથી બળદ ડર્યો. તેથી તે બારણેથી ભાગ્યો. ભાગતાં તે બળદને ખેડૂતે ઢેફાલાકડી વગેરેથી માર્યો. આમ હોંશિયારીપૂર્વક તેણે બળદને બહાર કાઢ્યો તો તેનું ખેતર બચી ગયું. ટૂંકમાં, પહેલા ખેડૂતને બળદને બહાર કાઢતા ન આવડ્યું. તો તેનું ખેતર નષ્ટ થયું. બીજા ખેડૂતે કુનેહથી બળદને બહાર કાઢ્યો તો તેનું ખેતર આબાદ બચી ગયું. ઉપનય - ખેડૂત = આચાર્ય મહારાજ ખેતર = શિષ્યો બળદ = દોષો જો આચાર્યમહારાજ આલોચના કરનાર શિષ્યને ઠપકો આપે છે તો શિષ્યના જીવનમાંથી તે દોષ નીકળવાની બદલે બીજા અનેક દોષો એના જીવનમાં આવી જાય અને તેથી શિષ્ય પાયમાલ થઈ જાય. તેમાં નિમિત્ત બનવાથી ગુરુ પણ દોષિત બને. ...... ગુરુની જવાબદારી