________________ હાથ હલાવે તો પેટ ભરાયા એક ગરીબ માણસે ભગવાનને પ્રાર્થના કરી, “પ્રભુ ! મને ભોજન આપો.' બીજા દિવસે તેની સામે ભોજનની થાળી હાજર થઈ ગઈ. પણ તે માણસ ખાતો નથી. કોઈએ તેને પૂછયું, “ભાઈ ! ભોજનની થાળી પડી છે, કેમ ખાતો નથી ?' ગરીબ બોલ્યો, “કોઈ ખવડાવે તો ખાઉં.” ભાઈએ કહ્યું, “કોઈ ખવડાવે નહીં, આપણે જાતે જ ખાવું પડે.” ગરીબ ન માન્યો. થોડા સમય પછી ભાઈએ કહ્યું, “અલ્યા ! ખાઈ લે, નહીંતર મરી જઈશ.” છતાં ગરીબ ન માન્યો. છેવટે ભાઈએ તેને યુક્તિ બતાવી, “તું ભોજન તરફ હાથ લંબાવવા પ્રયત્ન કર. તું હાથ હલાવ, પણ તારા હાથ ભોજન સુધી પહોંચતા નથી એવો દેખાવ કર. તેથી લોકો સમજશે કે, “આને ખાવું છે, પણ હાથ પહોંચતો નથી.” તેથી કોઈકને દયા આવશે અને તને ખવડાવશે.' ગરીબે તેમ કર્યું. એક પરગજુ માણસને દયા આવી. તેણે તેને ખવડાવ્યું. ગરીબને ભોજન મળી ગયેલું. પણ હાથ હલાવ્યા વિના એ ભોજન એના પેટમાં ન ગયું. તેમ આપણને પણ આરાધનાની બધી સામગ્રી મળી ગઈ છે. હવે જો આપણે આરાધના કરીશું તો પુણ્યનું ભાથું બંધાશે. જો એમ જ બેસી રહ્યા તો આપણે ખાલી હાથે અહીંથી દુર્ગતિમાં રવાના થવું પડશે. ભોજન મળવા છતાં ભૂખ્યો રહે એ દયાપાત્ર છે. આરાધનાની સામગ્રી મળવા છતાં આરાધનાથી વંચિત રહે તે તો વધુ દયાપાત્ર છે. આપણે આવા દયાપાત્ર બનવાનું નથી. માટે મળેલી આરાધનાની સામગ્રીને સાર્થક કરીએ અને ભરપૂર આરાધના કરીએ. * * * * * હાથ હલાવે તો પેટ ભરાયા