________________
Jain
યોગ-સાધન-આશ્રમમાં, ઈ.સ. ૧૯૪૭થી પૂજ્ય મનુવર્યજી મહારાજનો લાભ ઘણાં વર્ષો સુધી મળ્યો અને તેઓ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી મળતો જ રહ્યો. પૂજ્ય સ્વ. શ્રી મનુવર્યજી મહારાજ ગુજરાતની યોગવિદ્યાના, ચાલુ શતાબ્દીના ભીષ્મ પિતામહ ગણી શકાય. યોગ-સાધન-આશ્રમ (૧૬, પ્રીતમનગર સોસાયટી, એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૬, ટેલિ. ૨૬૫૭૬૪૭૨)ના માધ્યમ દ્વારા, છેલ્લાં લગભગ ૫૫ વર્ષ સુધી તેમણે સમાજને યોગાસન, આરોગ્ય, અધ્યાત્મ, જાપ
ધ્યાન અને ભક્તિના સંસ્કારોનું અનુદાન કર્યું છે. તેમના પરમ ભક્તો સર્વશ્રી કૃષ્ણામૈયા, સુમિત્રાબહેન, ભામિનીબહેન, માસ્તરસાહેબ, ડાહ્યાભાઈ પટેલ તથા તેમના ભાઈ યોગાચાર્ય શ્રી વિષ્ણુભાઈના કુટુંબના સભ્યોએ અમદાવાદ તથા વડોદરામાં યોગ-વિદ્યાનું સુંદર કાર્ય જાળવી રાખ્યું છે; જે હાલ શ્રી જનકભાઈ તથા શ્રી બીરજુભાઈ સંભાળે છે. આ કાર્યમાં તેમનાં માતુશ્રીનો પણ અનુમોદનારૂપે ફાળો ખરો. આ આખા આશ્રમ પરિવારનો, પ્રભુભક્તિને નાતે, સોનેજી પરિવાર સાથે કુટુંબ જેવો ગાઢ સંબંધ રહ્યો; જે આજ સુધી પણ એવો જ ટક્યો છે. આ અંગે આત્માનંદજી પ્રકાશ પાડે છે :
“૧૯૪૭ થી ૧૯૫૬ સુધીનાં ભક્તિભજન અને આધ્યાત્મિકતાના સંસ્કારોએ મારા જીવન પર એક ઊંડી, અમીટ અને પરિવર્તનકારી છાપ પાડી. સંસ્થા દ્વારા અમદાવાદમાં યોજાતા અનેક આધ્યાત્મિક સમ્મેલનોનો મંગળપ્રારંભ તેમના વરદ હસ્તે થયેલો. અમુક કાર્યક્રમોનું પ્રમુખપદ પણ તેઓએ શોભાવેલ અને પોતાના અનુભવોનો ઉપસ્થિત જનતાને સારો લાભ આપેલ. તેઓશ્રીનો સ્વર્ગવાસ તા. ૫-૧૦-૨૦૦૦ના રોજ થયેલ.'
દિવ્યજીવન સંઘના સંસ્થાપક સ્વ. પૂજ્ય સ્વામી શિવાનંદ સરસ્વતીનો પત્રવ્યવહાર તથા પુસ્તકો દ્વારા પરિચય અને સંપર્ક થયેલ; જેની સારી આધ્યાત્મિક અસર જોઈ શકાય છે. ઈ.સ.૧૯૫૦માં તેઓનાં પ્રત્યક્ષ દર્શન-સંકીર્તનનો લાભ અમદાવાદના ગીતામંદિરમાં મળેલો.
• પૂ. મા આનંદમયી : આ પ્રસિદ્ધ સંત અમદાવાદના પાલડી વિસ્તારના મહાલક્ષમી ચાર રસ્તાથી થોડે દૂર આવેલા શેઠશ્રી ચીનુભાઈ નાનુભાઈ મુન્શાના ‘આનંદ’ બંગલામાં ઊતરતાં. તેઓનાં દર્શન અને ભજન-ધૂનનો લાભ બે વખત મળેલો.
ભક્તોમાં ‘પપ્પાજી'ના નામથી ઓળખાતા
સ્વામી રામદાસજી (આનંદ આશ્રમ, કહાનન-ગઢ, કેરાલા-૬૭૧૫૩૧, ભારત) ઈ. સ. ૧૯૫૦ થી
૧૯૫૬ના ગાળામાં અવારનવાર અમદાવાદ આવતા અને ગુજરાત કૉલેજ પાસેના રસાલા ગ્રાઉન્ડ નજીકના ‘કોટેજ બંગલો’માં ઊતરતા. તેમના બોધ અને તેમની પ્રિય ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ'નો લાભ, ભજન-કીર્તન-ધૂન દરમ્યાન ત્રણેક વખત મળેલો. તેમના સાહિત્ય In Quest of God Realization’ વગેરે વાંચવાની પ્રેરણા મળેલી પણ તે દિશામાં બીજો વિશેષ પ્રયત્ન થઈ શકયો નહોતો.