________________
આ દેહધારીના હૃદયમાં બધાં જ આર્યદર્શનો પ્રત્યે ખૂબ જ સદ્ભાવ છે; જેથી તેના જીવનમાં પણ સર્વધર્મસમભાવની ઉદાર અને ઉદાત્ત વિચારપરંપરાને જ સ્થાન છે અને કોઈ અમુક ચોક્કસ મત કે સંપ્રદાયનો હઠાગ્રહ નથી. સર્વથા, સર્વત્ર, ગુણગ્રાહક દૃષ્ટિનો જ ઉદ્યમ છે. જગતમાં કોઈ પણ ધર્મમતમાંથી જે જે સારું મળે તેને સ્વીકારીને આપણે તો આપણું જીવન દિવ્ય, શુદ્ધ, પ્રબુદ્ધ, શાંત અને સ્વ-પર-કલ્યાણકારી બનાવવું છે અને સર્વ જીવો સાથે પૂર્ણ મૈત્રીનો ભાવ કેળવવો છે; તેમ જ આ ભાવ કેળવવાનો પ્રમાણિક પ્રયત્ન નિરંતર કરી રહ્યા છીએ.”
શ્રીમદ્ રાજચંદ્ર પંથ-સંપ્રદાયથી પર થઈને સર્વના કલ્યાણનો માર્ગ વિચારતા હતા એથી ડૉ. સોનેજીને પણ પોતાને ગમતું એવું ‘તત્ત્વનું પોત’ પરમ તત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજીમાંથી મળ્યું. એની અસર થયા વિના કેમ રહે?
| ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' ગ્રંથના વાચનને કારણે તેમના વિશે વિશેષ જાણવાની અને તેમની તપોભૂમિ ઈડરની મુલાકાત લેવાની ઇચ્છા થઈ. અનેક સંતોની સાધનાથી પાવન થયેલી આ ઈડરની ભૂમિમાં એકાંત ચિંતન અર્થે ૧૯૫૮માં ડૉક્ટર ગયેલા; પરંતુ એક તો યુવાવય, અંગ્રેજી પહેરવેશ અને સ્થળથી અપરિચિત હોવાને કારણે ત્યાંના સમાજ તરફથી કોઈ માર્ગદર્શન કે પ્રેરણા મળ્યાં નહિ અને સામાન્ય દર્શન કરીને જ પાછા ફરવાનું બન્યું. આજે તો આત્માનંદજીની એકાંત સાધનાની પ્રિય એવી આ ઈડર-ગઢની ગુફાઓ અને રાજચંદ્ર આશ્રમ છે, જે ઘંટિયા પહાડને નામે ઓળખાય છે. ઈ.સ. ૧૯૭૦ થી ૧૯૮૦ના ગાળામાં તેઓ ત્રીસેક વખત ત્યાં ગયા અને શ્રી રમણભાઈ, ભોગીભાઈ, જયોતિબહેન, સોમચંદભાઈ તથા અન્ય સ્થાનિક મુમુક્ષુઓ અને ભક્તજનો સાથે સાધનાભક્તિ-સત્સંગ કરતા રહ્યા અને હજુ પણ અવારનવાર ત્યાં જઈ એકાંત સાધનાનો લાભ લેતા રહે છે.
મહાત્મા ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક એવા શ્રીમદ્ રાજચંદ્રજીના ‘વચનામૃત'ના વાચનને કારણે “સાધકની” ઊંચાઈએ પહોંચવા તેમને ખૂબ મોટી મદદ મળી. ડૉ. સોનેજી જણાવે છે કે “આ મહાપુરુષે, પૂર્વભવોની પ્રગાઢ સાધનાના બળથી, સૂક્ષ્મપ્રજ્ઞાથી અને પોતાના જાતઅનુભવથી, સાધકને અધ્યાત્મમાર્ગમાં આગળ વધવાનું સ્પષ્ટ, સૂક્ષ્મ, આશ્ચર્યકારક અને બહુઆયામી માર્ગદર્શન આપેલ છે. સાધનાના કયા કયા તબક્કે શું શું સમજવું અને શું શું કરવું તેને સમજીને અનુસરવાથી અમોને અનેકવિધ લાભ થયો છે. અમારા મંગલમય અવલંબનોમાં તેઓશ્રી એક સર્વોપરી અવલંબન બની રહ્યા છે અને અમારા મહાન ગુરુ છે.”