________________
સુધારવી (જીવને ખ્યાલ પણ ન આવે એવી રીતે). - સત્સંગમાં કોઈ પણ નામ-સંબોધન વગર જીવને તેના દોષો પ્રત્યે જાગ્રત કરે (અર્થાત્ સત્સંગમાં સાધક જીવ જો જાગ્રત હોય તો પોતામાં કયા દોષો પડ્યા છે તે પકડી શકે.) કર્તવ્યનિષ્ઠા, માર્ગનિષ્ઠા (એકલો રે ચાલ....), ધર્મ-સમાજ-દેશના ઉત્કર્ષની ભાવના, નિયમિતતા, કોઈ રજા નહીં, ૩૬૫ દિવસો સ્વ-પ૨ કલ્યાણ અને સાધનાશરણાગતિનો ભાવ, મહાપુરુષો માટે અનન્ય આદરભાવ.
તેમના સત્સંગ-સ્વાધ્યાય દ્વારા પોતાના દોષો પ્રત્યે દૃષ્ટિ જવા લાગી.
તેમનું વચન : “જેના જેવા થવું હોય તેના વિચાર કરવા’ – આ વાત સાંભળ્યા પછી વૃત્તિ મહાપુરુષોના ચરિત્રવાચન તરફ વળતી ગઈ. તેઓશ્રીએ ‘ભક્તિમાર્ગની આરાધના’ નામના પુસ્તકમાં લખેલ વચન : “Total, Unilateral, Unconditional, Enlightened Surrender' - એ જીવનનું ધ્યેય બનવા લાગ્યું.
પૂજ્યશ્રીના સમાગમથી અમને ખૂબ ખૂબ લાભ થયો છે અને તેમણે માત્ર નિષ્કારણ કરુણાથી અમારા પર ખૂબ ઉપકાર કર્યો છે.
શ્રી મહેન્દ્રભાઈ તથા શ્રી વીણાબહેન ખંધાર, યુ.એસ.એ.
- પૂજયશ્રીના સમાગમથી મનુષ્યભવનું સફળપણું શેમાં છે તે સમજાતાં, તેમાં આગળ વધવાની રુચિ થઈ, સાચા માનવ બનવાની અને સમાજકલ્યાણની ભાવના વિકસી. જીવનમાં બાહ્ય જંજાળ ઓછી કરી અને આંતરિક જંજાળ અંશે ઓછી થઈ. ચાલશે-ફાવશે-ભાવશે-ગમશે એ સૂત્ર યથાશક્તિ અપનાવ્યું.
પૂજ્યશ્રીના પ્રત્યક્ષ સમાગમથી આત્મસાધનામાં બળ મળ્યું. તેમના જીવનથી ધર્મઆરાધનામાં પ્રેરણા મળી અને અમારી ભૂમિકા પ્રમાણે વ્યક્તિગત માર્ગદર્શન મળ્યું. જીવનમાં સંતોષ અને સાદાઈ આવ્યાં અને સાત્ત્વિક શાંતિ અનુભવી. ત્યાગ અને પરોપકારની ભાવના વિકસી. અંગત જીવનમાં મૂળભૂત પરિણમન થયું. ભૌતિકતા તરફ નિર્વેદીપણું અને અધ્યાત્મ તરફ સંવેગીપણું વધ્યાં. દાનધર્મની સમજ વધતાં લોભવૃત્તિ ઘટી.
પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યે અત્યંત અહોભાવ જાગ્યો અને સદ્દગુરુનું મહત્ત્વ સમજાયું. પૂજ્ય સાહેબજીની સહજતા, સરળતા, નિર્દોષતા અને નિઃસ્વાર્થતા સ્પર્શી ગઈ. ગુરુતત્ત્વની શ્રદ્ધા થઈ. સાત્ત્વિક આનંદ અનુભવ્યો.
શ્રી અશોકભાઈ પી. શાહ, મુંબઈ
પૂજય ગુરુદેવ શ્રી આત્માનંદજી સાથે મારો સૌ પ્રથમ પરિચય ઈ.સ. ૧૯૭૬ નવેમ્બરમાં થયો, જ્યારે તેઓશ્રી સંઘ લઈને દક્ષિણયાત્રા દરમિયાન મદ્રાસ પધાર્યા હતા.
તેમનું પ્રથમ પ્રવચન સાંભળતાં જ તેમના અલૌકિક, શાંત અને સૌમ્ય વ્યક્તિત્વની અને વ્યવહારનિશ્ચયની સંધિરૂપ અનેકાંત વાણીની મારા હૃદયમાં ઊંડી છાપ પડી. પૂજયશ્રીના અવારનવારના પરિચય અને સાન્નિધ્યથી આ પામર જીવમાં એટલું પરિવર્તન તો ચોક્કસ આવ્યું કે ભૌતિક સુખ પાછળની દોડ થંભી ગઈ અને આત્મજ્ઞાન’ પ્રાપ્ત કરીને જ રહેવું એવું એક ધ્યેય બંધાયું. તે માટે જે જે સદ્દગુણો પ્રગટાવવાની આવશ્યકતા હોય તે પૂજ્યશ્રીમાં પ્રત્યક્ષ નિહાળતાં જીવને જાણે એક આધારસ્થંભ મળી ગયો.