________________
સરળતા-સહજતા-ગુણગ્રાહકતા એ ત્રણ બાબતો પૂજ્યશ્રીમાં ખાસ જોવા મળે છે.
દેશ-વિદેશના હજારો યોગાભ્યાસીઓને પૂજ્યશ્રીએ ખૂબ જ સરળતાથી, સહજતાથી, આત્મીયતાથી યોગના પાઠ શિખવાડ્યા છે. સદ્દગુણલક્ષી જીવન પર તેઓ હંમેશાં ભાર મૂકે છે. પૂજ્યશ્રીએ મને હર-હંમેશ યોગમય જીવનનો શુભ સંકલ્પ આપ્યો છે.
| કોઈ પણ પ્રકારના પ્રચાર-પ્રસાર વિના, તેઓ એક યોગીને શોભે તેવી રીતે પોતાનું અવતારકૃત્ય કરતા રહ્યા છે.
શ્રી મિતેશભાઈ એ. શાહ, સાબરમતી
આપનામાં જો કે ઘણા બધા સદ્ગુણો છે, પરંતુ તેમાં આપનો સમતાભાવ, વાત્સલ્યભાવ, નિઃસ્વાર્થભાવ, સતત આત્મજાગૃતિ - આ સદ્ગુણો વિશેષ પ્રશંસાને પાત્ર છે.
આપે જ મને આત્મજ્ઞાનપ્રાપ્તિનો માર્ગ બતાવ્યો, સર્બોધ આપી સુસંસ્કારોમાં સ્થિત કરવા પ્રયત્ન કર્યો તે મહાન ઉપકાર છે. જો કે હું અનંત દોષોથી ભરેલો છું, મોક્ષમાર્ગમાં ચાલવા યથાર્થ પુરુષાર્થ ન કરી શકું તેવો પ્રમાદી છું, છતાં આપશ્રીના આશીર્વાદથી હું પુરુષાર્થને યોગ્ય બની શકીશ અને તે દોષો ધીરે ધીરે ટળશે તેમ હું માનું છું.
આપનો આશ્રય, આપની છત્રછાયા, આપની વાત્સલ્યયુક્ત દૃષ્ટિ - એ મારા માટે મોટું સદ્ભાગ્ય છે. બધું મળશે, પણ આપ જેવા જ્ઞાની સંતપુરુષ મળવા આ કળિયુગમાં પરમ દુર્લભ છે.
શ્રી નરસિંહભાઈ શંકરભાઈ પ્રજાપતિ, કોબા
ઈ.સ. ૧૯૯૯માં ‘વિદ્યા-ભક્તિ-આનંદધામ ગુરુકુળ'માં ગૃહપતિ તરીકે સેવાનો અવસર મળ્યો ત્યારથી ગુરુજી પ્રત્યે આકર્ષણ રહ્યા કર્યું. સંતકુટિરમાં સેવાની તક મળી તે સમયથી, મારા જીવનમાં પરિવર્તનની પ્રક્રિયાની શરૂઆત થઈ. પૂજ્યશ્રીના સાથે રહેવાથી તેમના સત્સંગનો લાભ મળવા લાગ્યો. તેમની દિવ્ય, નિર્મળ, કરુણાસભર વાણી દ્વારા ‘હું કોણ છું? ક્યાંથી થયો ? મારું ખરું સ્વરૂપ શું છે?'ની પ્રાથમિક કક્ષાએ સમજણ આવવા લાગી. ગુરુ-ઉપદેશથી, દેવ-ગુરુ-શાસ્ત્રનું માહાસ્ય આવ્યું. ગુરુ પ્રત્યેના ભાવો ઉલ્લસિત થવા લાગ્યા, જેથી પરમાર્થધર્મનો સાચો ખ્યાલ આવવા લાગ્યો.
અત્યારે હૃદયના સાચા ભાવથી ગુરઆજ્ઞાનું આરાધન તથા તેમના માર્ગદર્શન મુજબ વાચન, સ્વાધ્યાય તથા વ્રત-નિયમપાલનથી જીવનમાં કામ, ક્રોધ, મોહ, માયા, જેવા કષાયો મોળા પડતા જાય છે. પૂજ્યશ્રીએ કહેલા પાંચ ‘ક’માં આસક્તિ ઘટતી જણાય છે. ‘બ્રહ્મચર્યના કેટલાક અન્ય નિયમોનું આરાધન ગુરુકૃપાએ ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસથી ચાલુ છે. અત્યાર સુધી તો આ મારી જીવનરૂપી નાવડી સંસારરૂપી સાગરમાં ગોથાં ખાતી હતી તે પૂજ્યશ્રી આત્માનંદજી જેવા ગુરુદેવની દીવાદાંડી મળવાથી સ્થિર થઈ છે. હવે તેને ગુરુદેવની કૃપાથી જરૂરથી દિશા પણ મળશે અને ઉત્તમ ધર્મદશા ચોક્કસ પ્રગટશે. આવા ગુરુદેવનો ઉપકાર હું ભવોભવ ભૂલી શકીશ નહીં. આ ઋણ અદા કરવાનો અવસર મને ગુરુજીની સેવારૂપે મળ્યો છે. તે સેવા ગમે તેવા વિકટ સંજોગોમાં પણ મારાથી મુકાય નહિ તેવી શક્તિ ને બળ મને મળે તે જ પ્રભુપ્રાર્થના સહ, ૩ૐ.