________________
શ્રી કિશોરભાઈ અને શ્રી ઉષાબહેન શેઠ, કોબા
પૂજ્યશ્રી આત્માનંદજીનો અમને જરા પણ પરિચય નહોતો; પણ કોઈક એવા ઋણાનુબંધ અમને કોબામાં ખેંચી લાવ્યાં અને અહીં રહેવાના બધા જ અનુકૂળ સંયોગો મળી રહેવા માંડ્યાં. થોડા જ સમયમાં પૂજ્યશ્રીનો વિશેષ પરિચય થવા લાગ્યો. તેમની આત્મનિષ્ઠા, વીતરાગધર્મની ઊંડી સમજ અને સર્વ ધર્મ પ્રત્યેની વિશાળ દૃષ્ટિએ અમને ખૂબ જ પ્રભાવિત કર્યાં.
પરમ પૂજ્યશ્રીના સાન્નિધ્યમાં અને સત્સંગમાં રહીને ‘જીવનનું સાચું ધ્યેય આત્મદર્શનની પ્રાપ્તિ જ હોઈ શકે, એમાં કોઈ શંકાને સ્થાન નથી' આ વાત સમજાઈ ગઈ. પરમ પૂજ્ય પ્રત્યક્ષ ગુરુદેવની નિશ્રામાં આ પ્રાપ્ત થશે એ ભાવના પણ દઢીભૂત થવા લાગી. એ સાથે સાથે હજુ આ માર્ગે આગળ વધવા ‘‘પ્રાથમિકતાના ધોરણે, પ્રામાણિક, પ્રબુદ્ધ અને પરાક્રમયુક્ત પુરુષાર્થ'' કરવાનો બાકી છે. એ સિવાય છૂટકો નથી એ પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
સાચા સુખની પ્રાપ્તિ - આત્માના અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિના ધ્યેયને માર્ગે ડગુમગુ પગ માંડતાં અમોને, પૂજ્યશ્રીના આશીર્વાદથી પ્રેરણા અને વધુ ને વધુ બળ દીર્ઘકાળ સુધી મળતા રહો એ જ પ્રાર્થના!
શ્રી હીનાબહેન અને શ્રી હિતેનભાઈ હરિયા, મુંબઈ
આજ્ઞા પ્રમાણે સાધના કરતાં કરતાં થોડા જ વખતમાં અનેકવિધ ફાયદા થયા, જેવા કે ગમે તેવા પ્રસંગ કે પરિસ્થિતિમાં ટકી રહેવું. તત્ત્વની યથાર્થ સમજણ પડી, સન્દેવ-ગુરુ-ધર્મની ઓળખાણ અને તે પ્રત્યે દૃઢ શ્રદ્ધાન થયું. જેમ જેમ આજ્ઞાનું યથાર્થ આરાધન કરતાં ગયાં તેમ તેમ થોડા વખતમાં અનેક પ્રકારના સાત્ત્વિક-તાત્ત્વિક અનુભવો પણ થયા. એમની આજ્ઞા આરાધવાથી અને તેમના સમાગમથી તેમનામાં રહેલાં કરુણા-વાત્સલ્ય, સમતા, વિશ્વમૈત્રી, ત્યાગ, વૈરાગ્ય, પરમાત્મા પ્રત્યે પ્રેમ આદિ ગુણોનું દર્શન થયું.
તેમના ઘનિષ્ઠ સમાગમમાં રહેવાથી વિના પ્રયત્ને પણ અંતરમાં વિશેષ શાંતિનો અનુભવ થતો અને તેમનામાં પરમાત્માનાં દર્શન થતાં.
આમ, પ્રથમ તેમના બોધથી અને પછી તેમની આજ્ઞા આરાધવાથી તથા તેમના સમાગમથી ‘અવશ્ય આ સાચા પુરુષ છે’ એવો દૃઢ નિર્ધાર થયો.
શ્રી રેખાબહેન અને શ્રી ચંપકભાઈ પરમાર્થી, ખંભાત
પૂજ્યશ્રીની આજ્ઞા અનુસાર નોકરીમાંથી પાંચ વર્ષ વહેલી ‘સ્વૈચ્છિક નિવૃત્તિ' લઈ વિશેષપણે અહીં કોબા ખાતે સ્થાયી રોકાણ કરી, સ્વાધ્યાય-સત્સંગ-સેવાનો લાભ મેળવતાં મર્યાદિત જરૂરિયાતવાળું સાદું જીવન જીવવાનો અભિગમ રાખ્યો - આ પૂજ્યશ્રીના સાન્નિધ્યનું પરિણામ છે.
જન્મે જૈનેતર હોવા છતાં અમુક અંશે, મર્યાદામાં રહી, પૂજ્યશ્રીના માર્ગદર્શન દ્વારા જૈન આહાર-વિહારઆચાર જીવનમાં ઉતારવા પ્રયત્નશીલ છીએ અને ભક્તિ-સ્વાધ્યાય અને સેવાનાં ક્ષેત્રોમાં આગળ વધવા વધુ ને વધુ ઉદ્યમશીલ છીએ.