________________
શ્રી તરુબહેન ગાંધી, મુંબઈ
પૂજ્યશ્રીના સાન્નિધ્યથી આ જીવમાં સાચી સમજણનો સંચાર થયો છે. તેમનું પ્રેરણાબળ મારી આરાધના દઢપણે ટકાવી રાખવામાં, શ્રદ્ધાપૂર્વક આગળ વધારવામાં ઉપકારી બન્યું છે. તપશ્ચર્યા કરવાનો મને યોગ સાંપડ્યો છે. તેને પરિપૂર્ણ કરવાનું પ્રેરકબળ કોબાના પવિત્ર વાતાવરણને પણ આભારી છે. સત્પુરુષના પરમ પવિત્ર પરમાણુઓની એમાં સુગંધ ફેલાયેલી છે. મારી આંતરિક શક્તિનો ઉઘાડ એમાંથી જ થયો છે.
આપ મારી ‘મા’ સમાન છો, ગુરુસ્વરૂપે તો આપની સ્થાપના ચાર-પાંચ વર્ષ પૂર્વે કરેલી જ છે. પરંતુ છેલ્લાં બે વર્ષમાં આપ ‘મા' જેમ પોતાના બાળકના ભાવો જાણી શકે છે એમ જ આપ અંતર્યામીપણે મારા અંતરંગ ભાવોને સમજીને મને માર્ગદર્શન આપતા રહ્યા છો. મારા ભાવો જિજ્ઞાસારૂપે જાગે છે તેના ઉત્તરો સ્વાધ્યાયમાં કે ભક્તિપારાયણમાં માર્ગદર્શનરૂપે મળી રહે છે. તે માટે હું આપની ભવોભવની ઋણી છું.
શ્રી મુક્તાબહેન મહેતા, કોબા
પરમ પૂજ્ય, પ્રાતઃસ્મરણીય, ધર્મવત્સલ, અધ્યાત્મયોગી વગેરે અનેક ગુણોથી વિભૂષિત એવા પૂ. આત્માનંદજી સાહેબની નિશ્રામાં તથા તેમની સાથેની ધન્ય ધર્મઆરાધનામાં સાધના અર્થે રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેથી મારા જીવનમાં ધન્યતા અનુભવું છું.
સાદગી, સચ્ચાઈ, સંતોષ, ધીરજ, પ્રેમ, સર્વમાં આત્મા જોવાની દૃષ્ટિ આદિ અનેકવિધ સદ્ગુણો તાણાવાણાની જેમ ગૂંથી તેઓશ્રીએ જીવનને સદ્ગુણોથી મઘમઘતું બનાવ્યું છે. મારા જીવનમાં પણ આ બધા ગુણો પૂજ્યશ્રીની નિશ્રામાં પ્રગટે એમ પ્રભુને પ્રાર્થના છે.
પૂજ્યશ્રીના જીવનમાં ત્રણ વસ્તુનો નિરંતર પ્રવાહ વહે છે : (૧) જ્ઞાનગંગા, (૨) ભક્તિગંગા, (૩) પ્રેમગંગા. આ ત્રિવેણી સંગમમાંથી યથાશક્તિ આચમન કરી જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયત્ન કર્યો છે.
પૂજ્યશ્રીની વાણી પર મને પણ શ્રદ્ધા અને વિશ્વાસ છે.
તત્ત્વજ્ઞાનના મર્મ સહેલી ભાષામાં સમજાવી હૃદયમાં તત્ત્વજ્ઞાનની લહેરના તરંગો ઊઠે તેવી તત્ત્વચર્ચા કરે. જ્યારે આ બધું હું સાંભળું ત્યારે હું સ્વર્ગમાં છું તેવો આનંદ આવે. પણ પછી કહું કે ‘ભૂલી જવાય છે' તો પછી પૂજ્યશ્રી સમજાવે અને કહે કે જ્યારે કોઈ બીજો વિચાર આવે ત્યારે ત્યાં ભગવાનને તે જગ્યાએ મૂકી દેવા, જેથી બીજો વિચાર ભાગી જાય અને ભગવાનના ખોળામાં બેસી જવું.
રાષ્ટ્રીય ભાવના અને ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોમાં નિષ્ઠા તેઓશ્રીના જીવનમાં ઘણાં જ દૃઢ છે.
શ્રી સુધાબહેન તથા શ્રી કુમુદભાઈ મહેતા, લંડન
પૂજ્યશ્રીના વચનામૃતજીના સ્વાધ્યાય-સત્સંગ થકી સમ્યગ્દર્શનની પ્રાપ્તિની ઝંખના અને તે માટે પ્રત્યક્ષ સદ્ગુરુની આવશ્યકતા, આશ્રય, આજ્ઞાપાલનનો મહિમા સમજાવા લાગ્યો.
પૂજ્યશ્રીનું દૈનિક જીવન જ એક પ્રેરણારૂપ બની રહ્યું. તેમના અનેક ગુણોમાંના અહીં થોડા લખ્યા છે. કોમળ અને પ્રેમાળ સ્વભાવ, સર્વ જીવ પ્રત્યે નિષ્કારણ કરુણાભાવ, ગમે તેવી પરિસ્થિતિમાં સમતાભાવ, કોઈ પણ જીવની નિંદા કે ટીકા નહીં, તેમનું ખુલ્લી કિતાબ જેવું જીવન, કામમાં ચોકસાઈ, પ્રેમથી અન્યની ભૂલ
154