________________
પૂજ્યશ્રી રાકેશભાઈ ઝવેરી (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુર)
પૂજયશ્રી આત્માનંદજી એટલે અંતર્મુખતાનો આલાપ, વાત્સલ્યનો વિહાર અને પૂર્વાચાર્યો પ્રત્યેની નિષ્ઠાના પ્રકર્ષનો ત્રિવેણી સંગમ.
- પૂજ્યશ્રીનું અંતર્મુખી વલણ તેમના દરેક કાર્યમાં તરી આવે છે. ગમે તે કાર્ય હોય - ધર્મપ્રભાવનાનું, સંસ્થાનું કે શરીરનું - અંતર્મુખતાનો દોર તેઓ ઝાલી જ રાખે છે. આત્માનુસંધાનની આ મસ્તી તેમના પ્રસન્ન વદન થકી સમસ્ત વિશ્વ પ્રત્યે - સવિશેષ ધર્માનુરાગી જીવો પ્રત્યે - વાત્સલ્યરૂપે વહેતી રહે છે. અને એમાં આશ્ચર્ય શું ? | ‘આત્માનંદ' અને વાત્સલ્ય આમ પણ સાથે જ હોય ને ! એક તરફ સાધર્મીવાત્સલ્યનો ઝરો તો બીજી તરફ પૂર્વાચાર્યો પ્રત્યે અંતરમાંથી ઊમડતી શ્રદ્ધા અને અર્પણતા તેમના વ્યક્તિત્વને એક આગવું, પુષ્ટ રૂપ બક્ષી જાય છે. તેમની આવી અનેકવિધ ગુણસમૃદ્ધિના ફળસ્વરૂપે તેઓશ્રી નિજકલ્યાણના આરાધકોને એક સબળ અવલંબન પૂરું પાડી રહ્યા છે.
પ્રભુ તેમને દીર્ઘ નિરામય આયુ બક્ષે તથા તેમના થકી ખૂબ ખૂબ ધર્મપ્રભાવના થાય એ જ પ્રાર્થના.
પૂજ્યશ્રી પ્રવીણભાઈ મહેતા (પપ્પાજી) (શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન આશ્રમ, ખોપોલી/મુંબઈ)
પરમ પૂજ્ય પ્રાતઃ સ્મરણીય શ્રી આત્માનંદજી, અનેક જીવોને આત્માના આનંદની વૃદ્ધિ થવામાં નિમિત્તરૂપ આપને અમારા સવિનય વંદન.
પંદર વર્ષની નાની ઉંમરથી જ અધ્યાત્મમાં રસ ધરાવતાં કલ્યાણના માર્ગની સફર, આજે ૭૬મા વર્ષમાં પ્રવેશ કરે છે તે બદલ અમારા આપને ખૂબ ખૂબ અભિનંદન છે. પ્રભુ આપને સુંદર સ્વાચ્ય અને દીર્ધાયુ આપે એવી શુભેચ્છા.
| વ્યવસાયથી ડૉક્ટર હોવાથી દર્દીના શરીરરોગનો ઇલાજ તો કર્યો જ અને સાથે સાથે દેશ-વિદેશની સફર ખેડી ભવરોગનો રામબાણ ઇલાજ પણ કર્યો. સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય તથા પરમકૃપાળુ દેવનાં અમૃત વચનોનું ચિંતન ઊંડાણથી કરી વિશ્વને સન્માર્ગની, આત્મધર્મની સાચી સમજણ આપી.
આપશ્રીએ તો પરમપૂજ્ય મુનિશ્રી સમંતભદ્ર મહારાજશ્રીના આશીર્વાદરૂપ મળેલ નામ ‘આત્માનંદ' સાર્થક જ કરેલ છે અને બીજા જીવોને પણ આત્માનંદ માણતા કર્યા છે.
આપના આધ્યાત્મિક જીવન પર પ્રકાશ પાડતો ગ્રંથ અનેક જીવોને પ્રેરણાબળ આપી સને માર્ગે દોરનારો નીવડે એ જ અમારી હાર્દિક શુભેચ્છા.
ડૉ. હરિભાઈ કોઠારી (મુંબઈ)
ડૉ. સોનેજી – પૂ. આત્માનંદજી એક વિરલ વિભૂતિ છે. વ્રતનિષ્ઠ માણસો જ સમાજોત્થાનના નિમિત્ત બની શકે છે, એ વાત એમના જીવન પરથી સહજ રૂપે સમજાઈ જાય છે. અંતર-વિકાસ વગરનો વિસ્તાર હંમેશાં હાનિકારક હોય છે તેવું આપણને રોજ જોવા મળે છે. પામ્યા વગર પમાડવા નીકળેલા પ્રચારકો ઘણે ભાગે ધર્મની કુસેવા જ કરતા હોય છે.
94 145 4250