________________
તેથી તેમનો પણ ઘણો સહયોગ રહેતો. પૂજ્ય બાપુજી-બાની સેવાનો લાભ મળ્યો. પૂજ્ય બાપુજીએ ૧૯૯૦માં તથા પૂજ્ય બાએ ૨૦૦૩માં પ્રભુ-સ્મરણ કરતાં કરતાં સંસારમાંથી વિદાય લીધી.
ઈ.સ. ૧૯૯૦ ડિસેમ્બરમાં ચિ. રાજેશભાઈનાં ચિ. અ. સૌ. શીતલબહેન સાથે લગ્ન થયાં. પૂજ્યશ્રીએ પોતાની ફરજ બરાબર બજાવીને તેમનાં લગ્નનું કાર્ય પ્રેમપૂર્વક સંભાળ્યું હતું. સૌ કુટુંબીજનોના પ્રેમપરિશ્રમથી લગ્ન નિર્વિઘ્ને સંપન્ન થયાં. શીતલબહેન પણ મેડિકલમાં હતાં. એટલે હવે મૅક્ટિસ માટે હું નિશ્ચિત બની ગઈ હતી. પૂજ્યશ્રીએ ૧૯૮૪માં ગિરનાર મુકામે જે સંયમના નિયમ ગ્રહણ કર્યા તેની મારા ઉપર ઘણી જ ઊંડી અસર થઈ હતી. મનમાં થોડું દુઃખ અને ક્લેશ પણ થયાં હતાં. પણ પ્રભુ-ગુરુ-કૃપાથી મારી પણ ધર્મમાર્ગમાં રુચિ વધવા લાગી. એટલે જીવનમાં શાંતિ અને સમાધાન વધતાં રહ્યાં.
શરૂઆતમાં તો હું કોબા ઓછું આવી શકતી. પણ ૧૯૯૦ પછી ધીમે ધીમે વધારે રહેવા લાગી અને રાજેશભાઈ એમ.ડી. થયા પછી સમયની અનુકૂળતા પ્રમાણે ૨-૩ દિવસ રોકાતી. તે વખતે બહેનશ્રી શીતલબહેનનો એમ.ડી.નો અભ્યાસ ચાલુ હતો. તે અભ્યાસ પૂર્ણ થતાં અને તેમનાં બન્ને બાળકો મોટા થતાં રાજેશભાઈ અને શીતલબહેને હૉસ્પિટલનું તથા ઘરનું કામકાજ ખૂબ સારી રીતે સંભાળી લીધું એટલે પરમાત્માસદ્ગુરુના કૃપાપ્રસાદથી ધર્મ-સાધના કરવાની વધારે ને વધારે અનુકૂળતા મને મળતી ગઈ અને પૂજ્યશ્રી સાથે દેશની અને વિદેશની યાત્રાઓ દરમિયાન પણ સત્સંગનો ખૂબ લાભ મળ્યો. ઘણાં તીર્થોનાં દર્શન થયાં અને ધર્મભાવના વધતી ચાલી.
છેલ્લાં ત્રણેક વર્ષથી પૂજ્યશ્રીની આજ્ઞા પ્રમાણે, સેવા, સાધના કરવાનો વધુ પ્રયત્ન કરું છું પણ તે હજુ ઓછો છે. બાળકો તથા પૂજ્યશ્રી પ્રત્યે રાગના અંશો છે; તે હવે પ્રભુ-ગુરુકૃપાથી જરૂર ઓછા થઈ રહ્યા હોય એમ અનુભવાય છે. હવે પૂજ્યશ્રીની આજ્ઞા અને માર્ગદર્શન પ્રમાણે સેવા તથા સાધના કરું છું, તે વર્ધમાન થાય તેવી પ્રભુ-ગુરુ મને શક્તિ આપે તેવી પ્રાર્થના છે.
થોડું વિશેષ
હું પિયરમાં અને મોસાળમાં ખૂબ જ લાડથી મોટી થઈ હતી; કારણ કે દાદાને ત્યાં પણ પ્રથમ પૌત્રી હતી અને નાનાજીને ત્યાં પણ પ્રથમ ભાણેજ હતી. બધાએ ખૂબ સારા સંસ્કાર આપ્યા તથા માતા-પિતાએ સારું શિક્ષણ અને કેળવણી આપ્યાં. તેઓનો કોઈક વાર માર પણ ખાધો હશે, મારી જ ભૂલને લીધે. કોઈક વાર ભણતી વખતે ખોટા રસ્તે ન ચાલ્યા જઈએ તે માટે એક-બે વાર ઠપકો મળ્યો હશે. સાસરે આવ્યા પછી પણ કુટુંબનો તથા પૂજ્યશ્રી તરફથી ખૂબ પ્રેમ મળ્યો. પૂ. બાપુજી-બા બેટા કહીને જ બોલાવતાં અને સૌ ભાઈ-બહેનો મને બહેનની જેમ જ રાખતાં; કારણ કે તેઓને ખબર હતી કે હું મારાં માતા-પિતાનું એક જ સંતાન હતી. પૂજ્યશ્રીએ પણ કોઈ મોટો ઠપકો આપ્યો હોય તેવું યાદ નથી. બે-ચાર વખત સાધારણ difference of opinionના લીધે ઠપકો મળ્યો હશે, એવું યાદ છે. બાકી દરેક વખતે તેઓ જ સમાધાન કરી લેતા.
ચિ. રાજેશભાઈનો પણ તેના નાનપણમાં મને ઘણો સહકાર રહ્યો. તે પ્રમાણમાં જલ્દી સમજણા થઈ ગયા. અભ્યાસમાં પણ સારું ધ્યાન આપતા. બન્ને ‘બા'નો તથા કુટુંબીજનોનો તેને મોટો કરવામાં ઘણો ફાળો છે. પૂ. સાહેબજી જ્યારે બહારગામ જતા ત્યારે તેની તબિયત બગડતી. ત્યારે પણ હું હૉસ્પિટલમાં કામમાં હોઉં ત્યારે શાંતિથી સૂઈ રહેતો અને દવા વગેરે બરાબર લઈ લેતો. પૂજ્યશ્રી આવે ત્યારે તેને સારું થઈ જતું. પૂજ્યશ્રી તેની તબિયતની કાળજી પણ બરાબર રાખતા.
137