________________
પૂજનીય અને વંદનીય છે એમ શ્રી મનહરભાઈ વી. મહેતા (પૂના) જણાવે છે.
શ્રી આત્માનંદજીના સ્કૂલના શિક્ષકોનો અભિપ્રાય જોઈએ. ઠાકર્સ હાઈસ્કૂલના પ્રાચાર્ય અને યોગવિદ્યાના નિષ્ણાત શ્રી અરુણકુમાર એન. ઠાકર જણાવે છે, “I was extremely impressed to see a highly educated U. K. trained Indian doctor and an old student of my school on path of seeking the Eternal Truth. He showed great respect for his school and teachers. About spiritual thinking, he is observed to be open minded, seeking the good from every corner.” લખે છે કે, “એક વિદ્યાર્થી તરીકે પણ તેઓ શિક્ષકોના પ્રીતિપાત્ર હતા.” એમના એક લગભગ સમવયસ્ક સહાધ્યાયી એવા શ્રી ગણેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જણાવે છે, “તેઓ (શ્રી આત્માનંદજી) હંમેશ પહેલી બેંચની હરોળમાં બેસતા અને શિક્ષકોને કોઈ ને કોઈ પ્રશ્ન પૂછી જાણવાની તીવ્રતા દર્શાવતા. બધાના મિત્ર, તદ્દન નિરાભિમાની અને પોતે શીખે તે બધા જ વિદ્યાર્થી શીખીને આગળ આવે તેવી ભાવનાવાળા, લાગણીપ્રધાન સ્વભાવવાળા હતા. મેં હંમેશ તેમને નમ્ર જોયા છે. ઠાકર્સ હાઈસ્કૂલના અન્ય એક ગણિતના શિક્ષક મણિલાલ ભોગીલાલ મહેતા જણાવે છે : “ડૉ. મુકુન્દ સોનેજીને ઠાકર્સ હાઈસ્કૂલના આદર્શ વિદ્યાર્થી તરીકે હું ઓળખું છું. વિદ્યાભ્યાસમાં તેજસ્વી, નીડર, સ્પષ્ટવક્તા, મિતભાષી અને નિખાલસ હતા. વિવેક અને વિનય જાળવતા, સેવાભાવી વૃત્તિ પણ ખરી.”
આમ, આપણે એક બહુમુખી પ્રતિભાનો પરિચય - એમના ભૌતિક તેમજ અલ્પાંશે આધ્યાત્મિક પ્રતિભાનો પરિચય મેળવ્યો. ગુણોના પુંજ સમા શ્રી આત્માનંદજી વૈવિધ્યરૂપે આપણને જોવા મળે છે. એમનું વ્યક્તિગત ચારિત્ર કેટલું ઊંચા પ્રકારનું છે એ આપણે જોયું.
શ્રાવકોએ એકવીસ પવિત્ર ગુણોને ધારણ કરવા જોઈએ એમ કહેવાયું છે. (લજ્જા, દયા, મંદ કષાય, શ્રદ્ધા, બીજાના દોષને ઢાંકવા, પરોપકાર, સૌમ્ય દૃષ્ટિ, ગુણગ્રાહકપણું, સહનશીલતા, સર્વપ્રિયતા, સત્યપક્ષ, મિષ્ટ્રવચન, દીર્ધદષ્ટિ, વિશેષ જ્ઞાન, શાસ્ત્રજ્ઞાનનું મર્મજ્ઞપણું, કૃતજ્ઞતા, તત્ત્વજ્ઞાનીપણું, ન દીન કે ન અભિમાનતા, મધ્ય વ્યવહારી, સ્વાભાવિક વિનયવાન, માયાચારથી રહિતપણું) શ્રી આત્માનંદજી રૂઢ અર્થમાં શ્રાવક કહેવાય નહીં પણ આપણને તેમનામાં આ બધા ગુણોના કોઈ ને કોઈ સ્વરૂપમાં દર્શન થયા વિના રહે નહીં. આ બધા જ ગુણો એમને સંતની કોટીમાં લઈ જાય છે. એમના પારસ-સ્પર્શનો અનુભવ ઘણા મુમુક્ષુઓને થયો છે. તેઓ યોગી-સંત કે સિદ્ધ પુરુષ છે કે કેમ? એ વાત બાજુએ મૂકીએ તો પણ એક ઊંચા પ્રકારના સાધક તો છે જ. તેમનામાંથી પ્રેરણા લેવા જેવું એ છે કે માનવીને સાચા સાધક બનવા કેટલો મોટો પોતાની જાત સાથે સંઘર્ષ કરવો પડે છે, કષાય જીતવા પડે છે અને શાંત રહીને સમતાભાવ ધારણ કરવો પડે છે. શ્રી આત્માનંદજી માત્ર સજ્જનની ભૂમિકાએ અટકી જતા નથી પણ તેની આગળની આધ્યાત્મિક ભૂમિકાને આત્મસાત્ કરે છે. વ્રતધારણ એ એનો સબળ પુરાવો છે. જેમ જેમ વ્યક્તિ આ માર્ગે ઊંચાઈએ પહોંચતો જાય છે તેમ તેમ દુન્યવી વળગણો ઓછાં થતાં જાય છે. એ દૃષ્ટિએ જોતાં ‘દુન્યવી વળગણો’થી એ સંપૂર્ણ મુક્ત થયા છે, એમ તો નહીં જ કહી શકીએ. સ્વ-પરના ઉત્કર્ષમાં ઉપકારી એવા શુભ હેતુ માટે આવશ્યક જરૂરી સાધનો પોતાના સાધનામાર્ગમાં અવરોધક ન હોય તો તેનો સહજ સ્વીકાર કરવામાં કોઈ મોટો બાધ નથી, એમ તેઓનું મંતવ્ય છે.