________________
લંડનનું શ્રી કુમુદભાઈ મહેતાનું નિવાસસ્થાન.
વિદેશમાં સ્વાધ્યાય-ભક્તિના ભરચક અને નિયમિત કાર્યક્રમો નક્કી કર્યા પ્રમાણે – આયોજન અનુસાર થવા જોઈએ એવો પૂજયશ્રીનો આગ્રહ.
પ્રાતઃકાળ સવારના ૬-૩૦નો સમય હતો. પ્રાતઃભક્તિ માટે પૂજ્યશ્રી તૈયાર થયા. ભક્તિ માટે ઉપરથી નીચે હાજરી આપવા ઊતરવા માંડ્યા.
ખબર ન પડી કે શું થયું. એકદમ પડવાનો અવાજ આવ્યો. બે-ત્રણ ભાઈ-બહેનો “શું થયું?’ એમ પૂછવા લાગ્યાં પણ ‘કશું જ નહીં' એમ કહી બધાંના કુતૂહલને એકદમ શમાવી દઈ ભક્તિમાં પડેલા વિક્ષેપને પુનઃ સાધી ભક્તિ ચાલુ કરી દીધી. કોઈને કશો ખ્યાલ આવ્યો નહીં. લગભગ ૭-00 વાગ્યે ભક્તિ પૂરી થઈ.
ભક્તિ પૂરી થતાં, શ્રી અરુણભાઈ, શ્રી કુમુદભાઈનું ધ્યાન એકદમ શ્રી આત્માનંદજીની અર્ધશ્વેત લુંગી તરફ ગયું. ત્યાં લોહીના સારા એવા ડાઘા પડેલા જોયા અને તેમના બન્ને પગે તથા ડાબા હાથે ઠીક ઠીક પ્રમાણમાં વાગેલું હતું. છોલાયું હતું. નાનાં નાનાં ઢીમચાં ઊપસી આવ્યાં હતાં.
આટઆટલી વેદના છતાં તેમના મુખમાંથી સહેજ પણ સિસકારો નીકળ્યો નહોતો અને જાણે કંઈ જ બન્યું ન હોય એમ ભક્તિમાં લીન થઈ ગયા હતા.
હાજર રહેલાં સૌ – પુનિતભાઈ દોશી, પદ્માબહેન મહેતા તથા અન્ય જનો આશ્ચર્ય પામ્યાં. દેહ છતાં વતે દેહાતીત - એ ભાવ પ્રત્યક્ષ જોવા મળ્યો.
સ્મૃતિ-સંસ્કાર અને ભીનું હૃદય
આધ્યાત્મિક સાધના અને તે પારમાર્થિક બને તેવું જ્ઞાન એકબીજાના પૂરક છે. એટલું જ નહિ પણ એને અભિવ્યક્ત કરવા માટે ભક્તિ એક ઉત્કૃષ્ટ માધ્યમ છે. આવી વ્યક્તિ હૃદયના સાચા ભાવો સહિત કરવામાં આવે તો ભક્ત ક્યાંનો ક્યાંય પહોંચી જાય છે.
શ્રી આત્માનંદજીમાં જ્ઞાન અને ભક્તિનો ઉચ્ચસ્તરીય અને સુભગ સમન્વય થયેલો છે. હમણાં છેલ્લા વિદેશ પ્રવાસ દરમિયાન અમેરિકાના એરીહિલ્સ-ન્યૂજર્સીમાં, શ્રી સ્નેહલભાઈનું નિવાસસ્થાન. ૧૯૯૮ જૂનની ૩૦મી તારીખને સવારના આઠ વાગ્યે સામૂહિક ભક્તિ ચાલતી હતી. પ્રાતઃભક્તિનું વાતાવરણ આહ્લાદક હતું. બહેનશ્રી પરેશાબહેને એક ભક્તિપદ લીધું : ‘મને ચાકર રાખો જી..... ગિરધારી લાલા.....ચાકર રાખો જી....' પદ વાતાવરણ જમાવતું ધીમે ધીમે આગળ વધવા લાગ્યું : ‘ઊંચે ઊંચે મહલ બનાવું..... જોગી આવ્યા જોગ કરનકો...