________________
૧૯૬૬); જ્યાં પ્રસિદ્ધ ગાંધીવાદી ડૉ. વસંત પરીખ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હતા અને ડૉ. શૂરવીરભાઈ શાહ તથા ડૉ. મણિયાર તેમના સહયોગી ડૉક્ટરો તરીકે હતા.
વિદેશના જીવન કરતાં અહીંનું જીવન જુદા પ્રકારનું હતું. વિદેશમાં વિપુલ સગવડો સાથે રહેવા ટેવાઈ ગયેલા તેઓએ અહીં આવીને જુદા સંજોગો વચ્ચે નવા દર્દીઓ અને નવી મેડિકલ સેવા પદ્ધતિથી ટેવાઈ જવાનું હતું. તે થોડાક સમય માટે મુશ્કેલ હતું; છતાં ધીરજ અને સહનશીલતાથી ધીમે ધીમે નવા વાતાવરણને અનુકૂળ થઈ શકાયું.
વતનમાં આવતા પહેલાં, દીર્ઘદૃષ્ટિ વાપરી તેમના પિતાજીએ કાંકરિયાવાળા મકાનનો ઉપરનો માળ પહેલેથી જ ભાડે રાખી લીધેલો હતો. એમનો વિચાર પહેલેથી જ અમદાવાદમાં સ્થાયી થવું એમ હતો. કુટુંબીજનોનો પણ કંઈક અંશે એવો જ અભિપ્રાય હતો. મુકુન્દભાઈ અને શર્મિષ્ટાબહેન બન્નેને પણ આ યોગ્ય લાગ્યું; તેથી જરૂરી સામાન્ય તૈયારીઓ કરી કાંકરિયાના નિવાસસ્થાને જ બન્નેના કન્સલ્ટિંગનું અને મેટરનિટી હોમનું, ઉદ્ઘાટન સ્વજન-મિત્રોના સહયોગ અને શુભેચ્છાઓ સાથે તા. ૫-૩-૧૯૬૭ના રોજ કર્યું. આ બધું જાણે પૂર્વનિયોજિત હશે.
નીચે હૉસ્પિટલ અને ઉ૫૨ ૨હેવાનું.
તદ્દન નવી શરૂઆત હતી.
આર્થિક રીતે સ્થિર થવાની જરૂરિયાત હતી. સ્થિરતા લાવવા માટે નવા-જૂના ડૉક્ટરોનો પરિચય કેળવવાનો અને વધા૨વાનો હતો. માત્ર કન્સલ્ટિંગ પ્રેક્ટિસ હોવાને કારણે નવા સંપર્કો - ખાસ કરીને ડૉક્ટરોના - જરૂરી હતા.
એક બાજુ નોકરીની જવાબદારી, રાજેશભાઈ નાના એની પણ જવાબદારી, બીજી બાજુ સ્થાનિક ઓળખાણો ઓછી હોવાને કારણે મૅક્ટિસ જમાવવા માટે ખૂબ મહેનત, નિયમિતતા અને વિશ્વાસ બેસે એવી પ્રામાણિકતા દાખવવાની હતી. આવા સંજોગોમાં સાદગી, વિનય, ધીરજ, દૃઢ મનોબળ સાથે તેમનું કામ પ્રભુકૃપાએ ચાલ્યું.
મોટેભાગે ડૉક્ટરોને મળવાનું રાત્રે ૯-૩૦ પછી થતું. આ સિલસિલો ત્રણેક વર્ષ ચાલુ રહ્યો અને ધીમે ધીમે સ્થિરતા આવી. સ્થિરતાનું શ્રેય અલબત્ત સહિયારા પુરુષાર્થ અને પરસ્પર સહયોગને આભારી છે. બૃહદ્ કુટુંબનાં લગભગ બધા જ સભ્યો પોતપોતાની રીતે યોગ્ય અને સ્વૈચ્છિક ફાળો આપતા હતા. એમ કહી શકાય કે ૧૯૭૦ના અંત સુધીમાં સ્થિરતા આવી હતી. વ્યવસાયાર્થે લીધેલી લોન પણ લગભગ ભરપાઈ થઈ ગઈ હતી; એટલે આર્થિક રીતે એક પ્રકારની નિશ્ચિંતતા આવી ગણાય.
લોનની ભરપાઈ ? આશ્ચર્ય થશે. પણ એ હકીકત છે. અમદાવાદમાં કન્સલ્ટિંગ ફિઝિશિયન અને સ્રીરોગના નિષ્ણાતને સામાન્ય પ્રેક્ટિસ ચાલુ કરવા માટે પણ ઠીક ઠીક અર્થવ્યવસ્થા જોઈએ. સોનેજી કુટુંબની સ્થિતિ મધ્યમ હતી. વધારાનો ‘અર્થ-બોજ’ ઉપાડી શકે એમ નહોતું. પણ સર્વ શ્રી વસંતભાઈ સોનેજી, ચીમનભાઈ દુબલ તથા વાલજીભાઈ સોનેજીના અર્થસહયોગથી કાર્યનો આરંભ થયો. વળી એક્ષ-રે મશીન અને અન્ય સાધનો વસાવવા લોન લેવી પડી. કાંકરિયાના મકાનના બન્ને માળનું ભાડું અઢીસો રૂપિયા અને એક્ષ-રે મશીનનો માસિક હપ્તો છસો રૂપિયા આવતો. મકાન-માલિક શ્રી નટવરલાલ મોદી સરળ સ્વભાવના અને આત્મીય વ્યવહાર કરનારા હતા; એટલે ભાડું વહેલું-મોડું થાય તોય નિરાંત હતી.
પ્રેક્ટિસ તો શરૂ થઈ. ફિઝિશિયનની પ્રેક્ટિસ જમાવવા - પ્રસ્થાપિત કરવા, ખૂબ મહેનતની જરૂર હતી.
Jain Education International
49
For Private & Personal Use Only
www.jainellbrary.org