________________
સર્જિકલ-વૉર્ડ હોવાને લીધે રાત્રે અનેક દરદીઓ, વિવિધ પ્રકારની પીડાઓને લીધે ચીસો પાડે તે સાંભળીને હૃદય પર ખૂબ જ ઘેરી અસર થઈ અને શું માનવજીવનમાં આવાં આવાં દુઃખો જ ભોગવવાનાં છે? શું આ દુ:ખોમાંથી કાયમી છુટકારો ન મેળવી શકાય? - એમ વૈરાગ્યોત્પાદક વિચારો ઉદ્ભવેલા અને ઘણા દિવસો સુધી ચાલ્યા હતા.'
આમ, મુકુન્દના જીવનમાં કહો કે પહેલી વાર સંપૂર્ણ દુ:ખમુક્તિ માટેનો વિચાર આવ્યો. એનું સમાધાન શોધવા ફિલૉસોફીનાં પુસ્તકો ઉથલાવ્યાં છે કે નહિ તે સ્પષ્ટ થતું નથી. કદાચ અભાનપણે પ્રયત્ન થયો હોય.
વળી, આ જ દવાખાનામાં તે સમયે તેમની શાળાનો એક તેજસ્વી વિદ્યાર્થી નરેશભાઈ ડૉક્ટર, જે હમણાં જ સ્કૂલમાંથી પાસ થઈ કૉલેજમાં દાખલ થયેલો, તેને Acute Appendicitis થયું અને ઑપરેશન બાદ ૨૪ કલાકમાં જ તે મૃત્યુ પામ્યો. તેને અંગે તેઓશ્રી લખે છે :
‘તેની સરળતા, સેવાભાવ અને હોશિયારીને લીધે સ્કૂલમાં તે ઘણો જાણીતો હતો. તેના વિયોગથી ‘જુવાનીમાં, સારી તબિયત છતાં મૃત્યુ થઈ જાય તે કેવું?” એ વિચાર ઘણા દિવસો સુધી મનમાં ઘોળાતો રહ્યો.”
- ઉપરોક્ત બે પ્રસંગોએ મુકુન્દને જીવનની અનિત્યતા અને દુઃખમય અવસ્થા વિષે ગંભીરપણે વિચારતો કરી મૂક્યો. હૃદયને આંદોલિત કરી મૂક્યું. મનને સમાધાન થતું નહોતું. આમ કેમ? આ પ્રશ્ન મનમાં સતત વલોવાતો જ રહ્યો.
- પૂજ્ય (સ્વ.) શિવાનંદ સ્વામી તેમજ રસિકભાઈના જીવનનો પ્રત્યક્ષ પ્રભાવ વૈરાગ્ય તરફ ખેંચી રહ્યો હતો; તેમાં ઉપરના પ્રસંગોએ વૃદ્ધિ કરી. તેમાં રસિકભાઈ તો લગ્ન કરવાની ‘ના’ પાડતા હતા. તેઓએ છેક મોટી ઉંમરે, ૩૭મા વર્ષે લગ્ન કરેલાં. બન્ને ભાઈઓની દિશા ‘યોગાશ્રમ” તરફ જતી દેખાતી હતી.
, , 22