________________
ખંડ : ૧ વિષયનું સ્વરૂપ, જ્ઞાતી-દ્રષ્ટિએ!
વિશ્લેષણ, વિષયતા સ્વરૂપનું !
કીચડમાં ઠંડકતી મઝા ! આ પાંચ ઇન્દ્રિયના કીચડમાં મનુષ્ય થઈને કેમ પડ્યા છે એ જ અજાયબી છે ! ભયંકર કીચડ છે આ તો ! પણ એ નહીં સમજવાથી, બેભાનપણાથી જગત ચાલ્યા કરે છે. એક સહેજ જો વિચારે તો ય કીચડે સમજાય. પણ આ લોકો વિચારતા જ નથી ને ?! નર્યો કીચડ છે. તો મનુષ્યો કેમ આવા કીચડમાં પડ્યા છે ? ત્યારે કહે, ‘બીજી જગ્યાએ ચોખ્ખું મળતું નથી. એટલે આવા કીચડમાં સૂઈ ગયો છે.'
પ્રશ્નકર્તા : એટલે કીચડ માટેની અજ્ઞાનતા જ છે ને ?
દાદાશ્રી : હા, એની અજ્ઞાનતા છે. એટલે જ કીચડમાં પડ્યો છે. પાછું આને જો સમજવા પ્રયત્ન કરે તો સમજાય એવું છે, પણ પોતે સમજવા પ્રયત્ન જ નથી કરતો ને !!
કોઈ કહે કે જાનવરોને આ વિષયો પ્રિય છે ? તો હું કહું કે ના, જાનવરોને આ વિષયો બિલકુલ પસંદ નથી. પણ છતાં ય એમને “નેચરલ ઉશ્કેરાટ થાય છે. બાકી આ વિષયને કોઈ પસંદ જ ના કરે, સાચો પુરુષ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હોય તો પસંદ જ ના કરે. તો આ મનુષ્યો શાથી વિષયોમાં પડે છે કે આખો દહાડો દોડધામ, દોડધામ કરે. થાકેલો હોય એટલે એને ભાન નથી રહેતું કે આ કીચડ છે, એટલે એ માર પડતું નાખે છે મહીં !! બાકી બિલકુલ ‘સેન્સ’ ખલાસ થઈ જાય ત્યારે આ કીચડ યાદ આવે. નહીં તો ‘સેન્સીબલ’ માણસને તો આ કીચડ ગમે જ નહીં ને ! આ તો દોડધામની મહેનત ને એની બળતરા, એને શમાવવા માટે આ કાદવમાં પડે છે. ખાડામાં પડ્યા તેથી કરીને આ બળતરા કંઈ શાંત થતી નથી, જરા સંતોષ આપે એટલું જ અને ઊંઘ આવી જાય. બાકી પછી તો મરવા જેવું લાગે. આ વિષયના કાદવ કરતાં વાંદરાની ખાડીનો કાદવ તો બહુ સારો, એકલી ગંધ આવે એટલું જ, બીજું કંઈ નહીં. જ્યારે આ તો અપાર ગંધ ને નર્યા કેટલાંય જીવો મરી જાય છે, પણ ભાન નથી અને પાછો કહે છે કે, “હું જૈન છું.' અલ્યા, જૈન તો આવો ના હોય. આમાં તો કરોડો જીવ ખલાસ થઈ જાય છે !!!
એવું છે, નિર્વિષય વિષય કોને કહ્યો છે ? આ જગતમાં નિર્વિષયી વિષયો છે. આ શરીરને જરૂરિયાત માટે જે કંઈ દાળ-ભાત-શાક-રોટલી, જે ભેગું થાય તે ખાવ. એ વિષય નથી. વિષય ક્યારે કહેવાય ? કે તમે લુબ્ધમાન થાવ ત્યારે વિષય કહેવાય છે, નહીં તો એ વિષય નથી, એ નિર્વિષય વિષય છે. એટલે આ જગતમાં આંખે દેખાય તે બધું જ વિષય નથી, લુબ્ધમાન થાય તો જ વિષય છે. અમને કોઈ વિષય જ અડતો નથી. વિષયની જરૂર શી છે, તે જ હું સમજતો નથી. આ જાનવરો પણ જેનાથી કંટાળી ગયાં છે, તે વિષયમાં આ મનુષ્યોને મઝા આવે છે, આ કઈ અજાયબી છે તે ?! કેમ આ કીચડમાં ઝંપલાવે છે, એનો વિચાર જ નથી આવતો, એવા ‘બ્લેટ’ થઈ ગયા છે !!
તેથી ભગવાન મહાવીરે પાંચમું મહાવ્રત બ્રહ્મચર્યનું ઘાલ્યું કે આજના મનુષ્યોને વિષયના કીચડનું ભાન જ નહીં રહે, માટે આ ચાર હતા, તેના પાંચ મહાવ્રત કરી આપ્યા. તેમના મનમાં એમ કે લોકો થોડું ઘણું વિચારે, આની જોખમદારી સમજે. આ તો ભયંકર વિકૃતિ કહેવાય. આનાં કરતાં તો નર્કનું દુ:ખ સારું, નર્કની વેદના સારી, પણ આ વેદના તો બહુ ભયંકર !!