________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૪૯ જેને બહુ મોટો દોષ થયો હોય અને એ દોષ કાઢવો હોય, તો મારી પાસે આલોચના કરે તો આલોચના કરતાંની સાથે જ તેનું મન મારી પાસે બંધાઈ ગયું. પછી અમે ભગવાનની કૃપા ઉતારીએ અને એને ચોખ્ખો કરી આપીએ.
અમારી પાસે આલોચના લખી લાવે. તે જેટલા જેટલા દોષ એ પોતે જાણતો હોય, એ બધા જ દોષ આમાં લખે છે. તે પછી એક જણ નહીં, હજારો માણસ ! હવે એ દોષોનું અમે શું કરીએ છીએ ? એનો કાગળ વાંચી, એની પર વિધિ કરીને પાછાં એના હાથમાં આપીએ છીએ. તે એને કેટલો વિશ્વાસ ! વર્લ્ડમાં ના બન્યા હોય એવા દોષો લખે છે ! દોષો વાંચીને જ તમને એમ થઈ જાય કે અરેરે, આ તે કેવાં દોષ ?!
આવા હજારો માણસોએ પોતાના દોષ લખી આપેલા. સ્ત્રીઓએ બધા દોષ ઊઘાડા કરીને કહેલાં છે, સંપૂર્ણ દોષ. સાત ધણીઓ કર્યા હોય તો, સાતેયના નામ સાથે લખેલા હોય, બોલો હવે અમારે શું કરવું અહીં ? વાત સહેજ બહાર પડી તો એ આપઘાત કરી નાખે, તો અમારે જોખમદારી બહુ આવે.
સાચી આલોચના કરી નથી માણસે. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી. અને આલોચના ગજબનાં પુરુષ પાસે કરાય. પોતાના દોષોની કોઈ જગ્યાએ આલોચના કરી છે જિંદગીમાં ? કોની પાસે આલોચના કરે ? અને આલોચના કર્યા વગર છૂટકો નથી. જ્યાં સુધી આલોચના ના કરો તો આને માફ કોણ કરાવે ?
હવે તો દેવું ચૂકવી દો ! જેને કંઈ પણ જોઈતું હોય તો તેને અમારા વચનબળથી પ્રાપ્ત થઈ જાય એવું છે. અત્યાર સુધી થયેલા તમામ દોષ હું ધોઈ નંખાવડાવું હતું. હવે દેવું કાઢી આપતા હોય તો સારું કે નહીં ? પછી નવેસરથી દેવું કરો નહીં, પણ અત્યાર સુધીનું દેવું કાઢી નાખ્યું એટલે બધી ભાંજગડ ઊડી ગઈ ને ?! નહીં તો એક ફેર દેવું થાય એટલે એ વધારે ને વધારે દેવામાં ઉતારે. શું કહે કે હશે, આટલાં નાદાર થયા તો આટલાં વધારે. પછી સરવાળે શું
૩૫૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય આવે ? દુકાન હરાજ થાય.
ખરી રીતે આ વિજ્ઞાન એવું છે કે તમે આમ કરો કે તેમ કરો’ એવું કશું બોલાય નહીં, પણ આ તો કાળ એવો છે ! એટલે અમારે આ કહેવું પડે છે. આ જીવોનાં ઠેકાણાં નહીં ને ? આ જ્ઞાન લઈને ઊલટો ઊંધે રસ્તે ચાલ્યો જાય. એટલે અમારે કહેવું પડે છે અને તે ય અમારું વચનબળ હોય પછી વાંધો નહીં. અમારા વચનથી કરે એટલે એને ર્તાપદની જોખમદારી નહીં ને ! અમે કહીએ કે ‘તમે આમ કરો.’ એટલે તમારી જોખમદારી નહીં અને મારી જોખમદારી આમાં રહેતી નથી !!!
એ પામે પરમાત્મ પદ ! પ્રશ્નકર્તા : જ્યારે કસોટી થાય અને જે સંયમ પાળે, તે સંયમ કહેવાય. જ્યારે વિષયના વાતાવરણમાં આવે અને એમાંથી જ પસાર થાય તો કહેવાય કે આને સંયમ છે.
દાદાશ્રી : પણ વિષય બાજુના વિચારો કોઈ દહાડો ના આવતા હોય તો, એની વાત જ જુદી ને ! કારણ કે પૂર્વ ભવે ભાવના કરી હોય તો વિચાર ના આવે. અમને બાવીસ-બાવીસ વર્ષથી વિષયનો વિચાર જ નથી આવ્યો, જ્ઞાન થતાં પહેલાંના બે વર્ષ તો વિષયનો વિચાર સુદ્ધાં નહીં આવેલો. અમારાથી વિષય-વિકારી સંબંધ નહોતા થયા. વિકારી સંબંધમાં અમને એ મિથ્યાભિમાન હતું કે અમારાથી આ ના થાય. અમારા કુળના અભિમાનથી આ ઘણું સચવાઈ ગયેલું. એટલે બ્રહ્મચર્ય એ ઊંચામાં ઊંચી વસ્તુ છે. એના જેવી કોઈ ઊંચી વસ્તુ જ નથી ને !
હવે અનુપમ પદ છોડી ઉપમાવાળું પદ કોણ લે ? જ્ઞાન છે તો પેલો આખા જગતનો એંઠવાડો કોણ અડે ? જગતને પ્રિય એવાં જે વિષયો એ જ્ઞાની પુરુષને એંઠવાડો લાગે. આ જગતનો ન્યાય કેવો છે કે જેને લક્ષ્મી સંબંધી વિચાર ના હોય, વિષય સંબંધી વિચાર ના હોય, જે દેહથી નિરંતર છૂટો જ રહેતો હોય, તેને જગત ભગવાન કહ્યા વગર રહે નહીં !!